આરોપીને અમદાવાદ કોર્ટ મુદતે લઇ જવાયો હતો:કોર્ટ સંકુલમાં ભીડનો લાભ લઇ ફરાર થતા કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
રાજકોટ ખાતે આવેલા આસ્થા એન્કલેવમાં રહેતા અને રાજકોટ પોલીસ હેડક્વોર્ટસમાં સી કંપનીમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ ધનજીભાઇએ કારંજ પોલીસ સ્ટેશનમાં આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો હોવાની કારંજ પોલીસે ફરિયાદ કરી છે. ધનજીભાઇ પોલીસ હેડક્વોર્ટસ ખાતે 27 વર્ષથી ફરજ બજાવે છે.ગઇકાલે સવારે ધનજીભાઇ પોલીસ હેડક્વાર્ટસ ખાતે ગયા હતા, જ્યારે તેમને કેદી જાપ્તાની ફરજ ફાળવી હતી. રાજકોટ જેલમાં બંધ એક પાકા કામના કેદીને અમદાવાદના ભદ્ર ખાતે આવેલી સિટી સેસન્સ કોર્ટમાં રજૂ કરવાનો હતો.
ધનજીભાઇ સાથે પોલીસ કોન્સ્ટેબલ ભાવુભા અને આઉટ સોર્સના ડ્રાઇવર રાહુલ અમદાવાદ આવવાના હતા.ગઇકાલે કાયદાકીય નિયમો પ્રમાણે રાજકોટ જેલમાં બંધ રાધેશ્યામ ઉર્ફે ગોપાલ ઉર્ફે કુલદીપ રાજદેવની કસ્ટડી લીધી હતી.પોલીસ જાપ્તામાં રાધેશ્યામને રાજકોટથી અમદાવાદની ભદ્ર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
સવારે 6 વાગ્યા બાદ આરોપીને રાજકોટની જેલમાંથી બહાર કાઢીને સવારે 11 વાગ્યાની આસપાસ ભદ્ર ખાતે આવેલી એડિશન સેશન્સ જજ એ. બી. ભટ્ટની કોર્ટમાં રજૂ કર્યો હતો. ધનજીભાઇ સહિતના લોકોએ રાધેશ્યામની હથકડી ખોલી હતી અને લીફ્ટ મારફતે કોર્ટમાં રજૂ કર્યો હતો.
કોર્ટમાં બન્ને પક્ષોની દલીલો બાદ જજે વધુ સુનાવણી 23 જાન્યુઆરીની આપી હતી. કોર્ટમાં સુનાવણી પુરી થતાની સાથેજ પોલીસ જાપ્તામાં રાધેશ્યામને ગ્રાઉન્ડ ફ્લોર પર લાવવામાં આવ્યો હતો.
આ દરમિયાનમાં ધનજીભાઇએ પોલીસવાન બોલાવવા માટે ભાવુભાને કહ્યુ હતું. ગ્રાઉન્ડ ફ્લોર પર ટ્રાફિક હોવાના કારણે ધનજીભાઇ પોલીસવાનની રાહ જોઇ રહ્યા હતા ત્યારે રાધેશ્યામ ચુપચાપ નજર ચુકવીને જતો રહ્યો હતો. ધનજીભાઇને રાધેશ્યામ ગુમ થવાની જાણ થઇ ત્યારે તેણે તરતજ અમદાવાદ પોલીસ કંટ્રોલરુમ અને રાજકોટ પોલીસને જાણ કરી દીધી હતી.કોર્ટ સંકુલમાં ભીડ હોવાથી રાધેશ્યામ ફરાર થઇ ગયો હતો. ધનજીભાઇ સહિતની પોલીસ ટીમે રાધેશ્યામને શોધવા માટે આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી, જ્યારે કાંરજ પોલીસની ટીમે પણ ઠેરઠેર તપાસ કરી હતી. રાધેશ્યામ મળી નહી આવતા અંતે ધનજીભાઇ કાંરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે રાધેશ્યામ વિરૂૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂૂ કરી છે.
2022ની સાલમાં નરોડા પોલીસમાં સગીરા પરના બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો હતો
રાધેશ્યામ વિરૂૂદ્ધ વર્ષ નરોડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં સગીરાએ બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો.રાધેશ્યામે સગીરાને પોતાની હવસનો શીકાર બનાવીને તેને પીંખી નાખી હતી. સગીરાએ ફરિયાદ નોંધાવ્યા બાદ રાધેશ્યામની ધરપકડ થઇ હતી. રાધેશ્યામ રીઢો ગુનેગાર છે જેથી તેની અનેક કેસમાં ધરપકડ કરી છે. રાધેશ્યામ વોન્ટેડ હતો અને તેને મહામહેનતે ઝડપી લેવામાં આવ્યો હતો. રાધેશ્યામ વિરૂૂદ્ધ ગુનો પુરવાર થતા તેને સજા પડી હતી જેમાં તે પાકા કામના કેદી તરીકે રાજકોટની જેલમાં સજા કાપી રહ્યો છે.