દ્વારકામાં પોષી પૂનમે ઉમટ્યું માનવ મહેરામણ

તંત્રની ઘોર બેદરકારીથી શ્રદ્ધાળુઓ બેહાલ, કડકડતી ઠંડીમાં શ્રધ્ધાળુઓએ ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું યાત્રાધામ દ્વારકામાં આજે પોષી પૂર્ણિમાના પવિત્ર પર્વે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા…

તંત્રની ઘોર બેદરકારીથી શ્રદ્ધાળુઓ બેહાલ, કડકડતી ઠંડીમાં શ્રધ્ધાળુઓએ ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું

યાત્રાધામ દ્વારકામાં આજે પોષી પૂર્ણિમાના પવિત્ર પર્વે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. કડકડતી ઠંડીમાં શ્રધ્ધાળુઓ ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. વહેલી સવારથી જ ’જય દ્વારકાધીશ’ના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. જોકે, આ આસ્થાના પર્વ પર સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસનની ભારે અવ્યવસ્થા સામે આવતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળ્યો હતો.

ભીડના આયોજનમાં તંત્ર નિષ્ફળ : પાયાની સુવિધાઓનો અભાવ: યાત્રિકોનો આક્રોશ પોષી પૂનમ નિમિત્તે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટવાના હોવાની પૂર્વ જાણકારી હોવા છતાં, તંત્ર દ્વારા ભીડને નિયંત્રિત કરવામાં યોગ્ય આયોજનનો અભાવ વર્તાયો હતો. ભારે ભીડ વચ્ચે પીવાના પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ પણ અપૂરતી સાબિત થઈ હતી. લાંબી કતારોમાં ઉભેલા ભક્તો માટે તંત્ર દ્વારા કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. દૂર-દૂરથી આવેલા દર્શનાર્થીઓએ જણાવ્યું હતું કે, “અમે ભગવાનના દર્શન કરવા આવ્યા છીએ, પણ અહીંની ગેરવ્યવસ્થા જોઈને મન દુ:ખ થાય છે. તંત્રને ખબર જ હોય છે કે પૂનમ પર ભીડ રહેવાની છે, તો અગાઉથી વ્યવસ્થા કેમ કરવામાં આવતી નથી?”

સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ પણ ટ્રાફિક જામ અને અવ્યવસ્થા અંગે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. વહીવટી તંત્ર આ ભૂલોમાંથી પાઠ ભણી યોગ્ય વ્યવસ્થા જાળવે તેવી માંગ ઉઠી છે.

કલાકોનું વેટિંગ: દર્શન માટે લાગેલી લાંબી કતારોમાં વૃદ્ધો, બાળકો અને મહિલાઓ કલાકો સુધી અટવાયા હતા. પાર્કિંગની સમસ્યા: શહેરમાં પ્રવેશતા માર્ગો પર વાહનોના લાંબા જામ લાગ્યા હતા અને સુવ્યવસ્થિત પાર્કિંગના અભાવે યાત્રિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. બેરીકેટીંગ અને સુરક્ષા: મંદિરના પ્રવેશદ્વાર પાસે યોગ્ય બેરીકેટીંગ ન હોવાને કારણે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં કેટલાક શ્રદ્ધાળુઓ સામાન્ય ઇજાગ્રસ્ત થયા હોવાના પણ અહેવાલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *