પોલેન્ડના એક સ્ટંટ કલાકારે 173 મીટરથી વધુ લાંબી ઝિપ લાઇન પર મુસાફરી કરીને નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છેઅને આ દરમિયાન તેમનું આખું શરીર આગની જ્વાળાઓથી ઘેરાયેલું હતું. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, સ્ટેનિસ્લાવ મેડેજે પોલેન્ડમાં આ સાહસિક સ્ટંટ પૂર્ણ કર્યો, જેમાં તેમણે 173.3 મીટર (568 ફૂટ 6.8 ઇંચ)નું અંતર કાપ્યું. આ અગાઉના રેકોર્ડ કરતાં બમણાથી પણ વધુ છે; અગાઉનો રેકોર્ડ 61.45 મીટર (201.60 ફૂટ)નો હતો, જે 2023માં ઓસ્ટ્રિયન સ્ટંટ કલાકાર જોસેફ ટોડલિંગે બનાવ્યો હતો.
મેડેજે આ વિક્રમજનક સિદ્ધિ ’મેનુફેક્ચુરા’ સંકુલમાં આવેલી ’ટાયરોલ્કા ડબલ્યુ મેનુફેક્ચુરા’ નામની 180 મીટર લાંબી ઝિપ લાઇન પર હાંસલ કરી. તેઓ છેલ્લા 10 વર્ષથી આ ઝિપ લાઇનનું સંચાલન કરી રહ્યા છે અને તેની વર્ષગાંઠને એક અનોખી સિદ્ધિ સાથે ઉજવવા માંગતા હતા. 43 વર્ષીય મેડેજે આ પ્રયાસ માટે બે મહિના સુધી તૈયારી કરી હતી. આ સ્થળ યુરોપના સૌથી મોટા શોપિંગ સેન્ટરોમાંનું એક હોવાથી, તેમણે તમામ પ્રેક્ટિસ સત્રો આગનો ઉપયોગ કર્યા વિના કરવા પડ્યા હતા.
આ સાહસમાં રહેલા ગંભીર જોખમો હોવા છતાં, મેડેજ અને તેમની ટીમે સુરક્ષાના વ્યાપક પગલાં લીધાં હતાં. ઝિપ લાઇનના માર્ગ પર હાઈ-પ્રેશર ફાયર હોઝ (પાણીની પાઈપો) સાથેની ટીમો તૈનાત કરવામાં આવી હતી, જેથી કંઈપણ ખોટું થાય તો તરત જ આગ ઓલવી શકાય. રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરતા એક દિવસ પહેલા, તેમણે એક ડમી (પુતળા)નો ઉપયોગ કરીને ટેસ્ટ રન પણ કર્યો હતો.
