ટ્રાફિક વ્યવસ્થા સુધારવાને બદલે બગાડવાના પોલીસના અખતરા

વર્ષોથી જે માર્ગો ઉપર સુચારૂ વાહનોની અવર જવર થાય તે રસ્તા બંધ કરાયા કોટેચા ચોકમાં રસ્તો બંધ કરાતા કાલાવડ રોડ ઉપર રોજ ટ્રાફિક જામ રાજકોટ…

વર્ષોથી જે માર્ગો ઉપર સુચારૂ વાહનોની અવર જવર થાય તે રસ્તા બંધ કરાયા

કોટેચા ચોકમાં રસ્તો બંધ કરાતા કાલાવડ રોડ ઉપર રોજ ટ્રાફિક જામ

રાજકોટ સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ શહેરની ટ્રાફિક વ્યવસ્થા સ્માર્ટ બનવાને બદલે વધુ ગૂંચવાતી જઈ રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સામાન્ય રીતે ટ્રાફિક પોલીસનું કામ વાહનવ્યવહારને સુગમ અને સલામત બનાવવાનું હોય છે, પરંતુ રાજકોટમાં સ્થિતિ ઉલટી જોવા મળી રહી છે. શહેરમાં જ્યાં વર્ષોથી વાહનોની અવરજવર સરળતાથી થતી હતી, તેવા ચાલુ અને ધમધમતા રસ્તાઓ પર અચાનક બેરિકેડ્સ મૂકીને બંધ કરી દેવાયા છે. પોલીસના આ ’નવા પ્રયોગો’ અને અખતરાઓએ વાહનચાલકોની મુશ્કેલીમાં ધરખમ વધારો કર્યો છે. ટ્રાફિક નિયમન સુધારવાના દાવા વચ્ચે વાસ્તવિકતા એ છે કે વ્યવસ્થા સુધરવાને બદલે સાવ વણસી ગઈ છે. પોલીસના આ અણઘડ અખતરાને કારણે ટ્રાફિક સુધારવાના નામે બગડી રહી છે. પોલીસ દ્વારા અપાયેલ આ દિશાહીન’ ડાયવર્ઝનને કારણે રાજકોટના નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.

પ્રથમ અખતરો જામનગર રોડ: રૂડા બિલ્ડિંગ સામે રસ્તો બંધ થતાં રોંગ સાઇડનું જોખમ વધ્યું
શહેરના વ્યસ્ત ગણાતા જામનગર રોડ પર ટ્રાફિક પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક, રૂડા બિલ્ડિંગ સામેનો રસ્તો વર્ષોથી અવરજવર માટે ખુલ્લો હતો. હજારો વાહનચાલકો દરરોજ આ માર્ગનો ઉપયોગ કરતા હતા. જોકે, કોઈ પણ આગોતરા આયોજન કે વૈકલ્પિક વ્યવસ્થા વિના પોલીસે અહીં અચાનક બેરિકેડ્સ ગોઠવીને રસ્તો બ્લોક કરી દીધો છે. આ અણઘડ નિર્ણયને કારણે જામનગર રોડ તેમજ પારસાણાનગર, જંકશન પ્લોટ,સિંધી કોલોની રેલ્વે સ્ટેશન તરફથી આવતા અને રેસકોર્સ રિંગ રોડ, શ્રોફ રોડ કે કલેક્ટર ઓફિસ તરફ જવા ઈચ્છતા વાહનચાલકો ભારે મૂંઝવણમાં મુકાયા છે. હવે તેમણે ફરજિયાતપણે જામ ટાવર થઈને લાંબો ફેરો કરવો પડે છે. જામટાવર ચોકમાં જ્યાં જરૂરી નહી હોવાન છતાં ટ્રાફિક સિગ્નલ મુકવામ આવ્યું છે. એટેલે જે વાહન ચાલકો જામનગર રોડ તરફ થી રેસકોર્સ રીંગ રોડ કે શ્રોફ રોડ તરફ આસાની થી જઈ શકતા થા હવે તેમણે ફોગટ નો ફેરો વધ્યો છે અને સમય અને ઈંધણનો બગાડ બચાવવા માટે અનેક વાહનચાલકો મોરબી હાઉસ પાસેથી રૂડા બિલ્ડિંગ સુધી જોખમી રીતે રોંગ સાઇડ વાહનો હંકારી રહ્યા છે. પોલીસના એક નાનકડા અખતરાએ આ આખા પટ્ટાને અકસ્માતના ઝોનમાં ફેરવી નાખ્યો છે.

બીજો અખતરો સાંઢિયા પુલ ખુલ્યો ખરો, પણ સગવડને બદલે અગવડની ભેટ મળી
રાજકોટવાસીઓ જેની લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે જામનગર રોડ તરફનો નવનિર્મિત ’સાંઢિયા પુલ’ તાજેતરમાં જ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. લોકોને આશા હતી કે બ્રિજ શરૂ થતાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે, પરંતુ અહીં પણ તંત્રની અણઆવડત આડે આવી છે. બ્રિજ ખુલતાની સાથે જ સગવડને બદલે અગવડતાનો નવો અધ્યાય શરૂ થયો છે.

સાંજ પડતાં જ સાંઢિયા પુલ પર વાહનોની લાંબી કતારો અને ટ્રાફિક જામના દ્રશ્યો રોજિંદા બની ગયા છે. રેલનગર અંડરબ્રિજ તરફના જતા અને રેલનગર અને જામનગર રોડ થી ભોમેશ્વર મંદિર તરફ જતા વાહન ચાલકો માટે મુશ્કેલી ઉભી થઇ છે. બન્ને ભાગમાં ટ્રાફિક બેરિકેડ મૂકીને વાહનોને આડેધડ ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જે આ જામનું મુખ્ય કારણ છે. વધુમાં, જામનગર રોડ પરથી ભોમેશ્વર મંદિર તરફ જવા માટે સાંઢિયા પુલ પહેલાં એક ટર્ન (વળાંક) આવે છે. વર્ષો જૂના આ વળાંકને પણ તંત્ર દ્વારા બેરિકેડ લગાવીને કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે. પરિણામે, ભોમેશ્વર વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીસો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ટૂંકો રસ્તો બંધ થતાં લોકોને કિલોમીટરોનો લાંબો ફેરો ફરવાની ફરજ પડી રહી છે.

ત્રીજો અખતરો કોટેચા ચોક પણ બંધ થતા કાલાવડ રોડના વાહનચાલકોને હાલાકી

પોલીસના આ પ્રયોગો માત્ર જામનગર રોડ પૂરતા સીમિત નથી. પશ્ચિમ રાજકોટના હૃદય સમાન કોટેચા ચોકમાં પણ પોલીસે આવો જ એક આંચકાજનક નિર્ણય લીધો છે. કોટેચા ચોક વિસ્તારમાં અચાનક બેરિકેટિંગ કરીને એક તરફનો આખો રસ્તો બંધ કરી દેવાયો છે. હવે કાલાવડ રોડ તરફ જવા ઈચ્છતા વાહનચાલકોને મહિલા કોલેજ અંડરબ્રિજ મારફતે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝનને કારણે પીક આર્સ (વ્યસ્ત સમય) દરમિયાન મહિલા કોલેજ અંડરબ્રિજ આસપાસ ટ્રાફિકનું ભારણ અસહ્ય બની જાય છે.ટ્રાફિકથી ધમધમતા કોટેચા ચોકમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે સર્કલ નાનું કરવામાં આવ્યું હોય જેને કારણે ટ્રાફિક જામ ઓછો થયો હતો ત્યારે ફરી વખત કોટેચા ચોકમાં વગર વિચારે બેરિકેડ્સ ખડકી દેવાતા ભારે ટ્રાફિક જામ થાય છે જેના કારણે વાહનચાલકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં ટ્રાફીક સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે વર્ષોથી ટ્રાફીક સમસ્યા હલ કરવા અને તેનો ઉકેલ લાવવા માટે પોલીસ અધિકારીઓ અવનવા નિર્ણયો લે છે. અગાઉ જ્યારે ટ્રાફીક સમસ્યા ઉકેલવાની વાત આવે ત્યારે રસ્તા ઉપરના ડાયવર્ઝન કે રસ્તા બંધ કરવા તે સહિતની બાબતો ઉપર અગાઉના પોલીસ અધિકારીઓ તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નાગરિકોના મંતવ્યો લેવામાં આવતાં હતાં તેમજ સ્થળ ઉપર જે ગ્રાઉન્ડ ઝીરો અંગેની તપાસ કરી આ રસ્તા બંધ કરવાથી ટ્રાફીક અવરજવર અને નિયમનમાં શું મુશ્કેલીઓ આવશે કે પછી આ રસ્તા પરના ટ્રાફીકને બંધ કરવાથી ટ્રાફીક સમસ્યા કેટલીક હળવી બનશે તે સહિતની બાબતો ઉપર ધ્યાન આપવામાં આવતું હતું. પરંતુ હાલ કોઈપણ જાતના સ્થળ તપાસ કે લોકોના મંતવ્યો લેવાના બદલે સીધા જ રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે કોઈપણ જાતના જાહેરનામા કે જાહેર જનતાને જાણ થાય તેવી જાહેરાત વગર આવા અણઘડ નિર્ણય અને આવા અવનવા અખતરાના કારણે તેનો ભોગ રાજકોટનાં શહેરીજનો બની રહ્યાં છે.

‘દિશાહીન’ ડાયવર્ઝનથી પ્રજા ત્રાહિમામ નાગરિકોનો સવાલ: આ કેવું આયોજન?
આ મામલે શહેરના સ્થાનિક લોકો અને વાહનચાલકો સાથે વાત કરી, ત્યારે તેમનો આક્રોશ સાફ જોવા મળ્યો. લોકોનું કહેવું છે કે, “પોલીસ એરકન્ડિશન્ડ ઓફિસોમાં બેસીને નકશા પર લીટા તાણીને ડાયવર્ઝન નક્કી કરી લે છે, પણ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ હોય છે.” ટ્રાફિક શાખાના આ અખતરાથી અકસ્માતનો ભય વધ્યો છે, લોકોનો સમય બગડી રહ્યો છે અને રોડ સેફ્ટીના લીરેલીરા ઊડી રહ્યા છે. રાજકોટના નાગરિકો હવે ઉચ્ચ અધિકારીઓ પાસે માંગ કરી રહ્યા છે કે આ અણઘડ અખતરાઓ તાત્કાલિક બંધ કરવામાં આવે અને જે રસ્તાઓ વર્ષોથી સુચારૂૂ ચાલતા હતા તેને પૂર્વવત કરવામાં આવે. જો વહેલી તકે યોગ્ય નિર્ણય નહીં લેવાય, તો આગામી દિવસોમાં આ અંધાધૂંધી વધુ ઘેરી બનશે તે નક્કી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *