ગૃહમંત્રીની શિખામણના 24 કલાકમાં જ પોલીસની આબરૂને બટ્ટો લગાડતી બે ઘટના
અમદાવાદમાં ચાર રસ્તા પર સરાજાહેર બનેલી ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસ કર્મચારી તાબડતોબ સસ્પેન્ડ
ફરિયાદ નોંધાવવા ગયેલી યુવતીને ફોજદારે ધમકાવી, મહિલા પી.આઇ.એ સામી ફરિયાદ થશે તેમ કહી બહાર મોકલી દીધા
ગુજરાતમા ગૃહ વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હજુ બે દિવસ પહેલા ખાખી ભવનના લોકાર્પણ પ્રસંગે પોલીસને પ્રજા સાથે મૈત્રી ભર્યુ વર્તન કરવા અને ફરિયાદ નોંધવામા હેરાનગતી નહીં કરવાની સલાહ આપી હતી ત્યાં પોલીસ સામે લોકોમા આક્રોશ ફેલાય તેવી બે ઘટના સુરત અને અમદાવાદમા બની છે.
એક ઘટના અમદાવાદના વાસણા વિસ્તારમા ગઇકાલે શુક્રવારે સાંજે 6-30 વાગ્યે બની હતી જેમાં ચાર રસ્તા પર સિગ્નલ ક્રોસ કરતી વખતે બંસરી ઠકકર નામની યુવતીને ટ્રાફિક પોલીસે રોકીને લાઇસન્સ માંગ્યુ હતુ અને લાયસન્સ આપ્યા બાદ બંસરીબેને પોલીસને સાઇડમાં ઉભા રહેવા વિનંતી કરતા ટ્રાફિક પોલીસ કર્મચારીએ ઉશ્ેકરાઇ જઇ યુવતીને તમાચો ચોડી દીધો હતો.
આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા ગુજરાતભરમા પોલીસની આબરૂના ધજાગરા થયા છે અને સરકાર પણ તાબડતોબ પગલા લઇ જવાબદાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધો છે.
ઉશ્કેરાટમાં વાત કરતા પોલીસમેન પાસે યુવતીએ આઇ.ડી. માંગતા પોલીસ કર્મીએ આઈડી આપ્યું હતું જે જોઈને બંસરીબેને પરત આપી રહ્યા હતા ત્યારે આઈડી નીચે પડી ગયું હતું.આઈડી નીચે પડતા પોલીસ કર્મી ગુસ્સે થઈ ગયા અને આક્રોશમાં આવીને બંસરીબેનનો હાથ ખેંચી તેમના વાહનને લાતો મારીને કહેવા લાગ્યા હતા કે કાર્ડ ઉપાડીને આપ.
યુવતીએ કરેલી ફરિયાદ મુજબ પોલીસ કર્મચારીએ અસભ્ય વર્તન કરી અસભ્ય ભાષાનો ઉપયોગ કર્યો હતો.એટલું જ નહીં પોલીસ કર્મચારીએ બંસરીબેનને સતત લાફા માર્યા હતા, જેનાથી આંખો પર લોહી નીકળવા લાગ્યું હતું. તેમના કાન, ગાલ પર ઇજાઓ પણ થઈ હતી જેથી તેમને ગભરાઈને 112 નંબર પર કોલ કર્યો હતો.ત્યારબાદ તેઓ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઇએ ધમકાવીને ફરિયાદ લેવાની ના પાડી હતી.જે બાદ તેઓ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશનના મહિલા અધિકારી સમક્ષ રજૂઆત કરવા ગયા ત્યારે મહિલા પીઆઈએ પણ તેમને ક્રોસ ફરિયાદ થશે તેમ કહીને ધમકાવીને બહાર મોકલી દીધા હતા.બંસરીબેન રાત્રે 11:50 વાગ્યે પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી હતી.
આ અંગે પાલડી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એન પારેવડાએ જણાવ્યું હતું કે આ મુદ્દો ટ્રાફિકનો હતો એટલા માટે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું કહ્યું હતું અને ક્રોસ ફરિયાદનું એટલા માટે કહ્યું હતું કે બંને વચ્ચે ઘર્ષણ થયું હતું.જેથી સામસામે ફરિયાદ થાય તેવી સ્થિતિ હતી.
સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે તેમાં જોઇ શકાય છે કે , મહિલા પોતાના વાહન પર બેસેલી છે અને મોબાઇલથી વીડિયો બનાવી રહી છે. આ દરમિયાન પોલીસ કર્મચારી પર્સમાં આઇકાર્ડ મૂક્યા બાદ અચાનક જ મહિલાને લાફો મારે છે. અચાનક થયેલા હુમલાથી હેબતાઈને મહિલા તરત જ વાહન પરથી ઉતરીને સાઇડમાં જતી રહે છે. આ બનાવમા મહિલા વાહન પરથી ઉતરીને વીડિયો બનાવવાનું ચાલું રાખે છે. સાથે જ બાજુમાં અન્ય કોઈને કઇંક કહેતી નજરે ચડે છે. આ દરમિયાન પોલીસ કર્મચારી નીચે રોડ પરથી કઇંક લેતો નજરે ચડે છે. આ દરમિયાન તે ભારે ગુસ્સામાં કઇંક કહેતો નજરે ચડે છે. અને અન્ય કર્મી પાસેથી દંડો લેવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. આ દરમિયાન અન્ય પોલીસ કર્મચારી તેને રોકતા પણ નજરે ચડે છે.
આ ઘટના બાદ મહિલા અન્ય લોકો સાથે પાલડી સ્ટેશન ફરિયાદ કરવા પહોંચે છે ત્યારે ત્યાં હાજર પોલીસકર્મી ફરિયાદ લેવાની ના પાડતા નજરે ચડે છે. ઉલ્ટાનું મહિલા સાથે આવેલો એક યુવક વીડિયો ઉતારતો જ્યારે ફરિયાદ લેવા માટે કહે છે ત્યારે પોલીસકર્મી તે યુવાનને સીડી પરથી ઉતારીને ચલો ગાડીમાં બેસી જાવ કહી ગાડીનો દરવાજો ખોલતો જોવા મળે છે.
ગૃહ રાજય મંત્રીના હોમ ટાઉનમાં જ કોન્સ્ટેબલે વેપારીને ફડાકા ઝીંકયા
પોલીસની છબી બગાડતી બીજી ઘટના ગૃહમંત્રીના શહેર સુરતમાં બની છે . સુરતના કિસ્સામાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નરહરદાન ગઢવીનો એક ચોંકાવનારો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એક દુકાનદારને બેફામ માર મારતા નજરે પડે છે. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસ વિભાગની છબી ખરડાઈ છે. વીડિયોમાં કોન્સ્ટેબલની દાદાગીરી સ્પષ્ટપણે જોઈ શકાય છે, જેને પગલે હવે પોલીસ બેડામાં પણ ચર્ચાઓ શરૂૂ થઈ છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસનો દોર શરૂૂ કરવામાં આવ્યો છે. મોડી રાત્રે દૂકાન ખુલ્લી હોવાથી પોલીસમેને રોફ જમાવી ધોલધપાટ કર્યાનું પ્રાથમિક રીતે બહાર આવ્યુ છે.
