ગુજરાતમાંથી ડ્રગ્સના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે રાજ્ય પોલીસે હવે નશાના સોદાગરો સામે આરપારની લડાઈ છેડી છે. રાજ્યમાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વોની કમર તોડી નાખવા માટે પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ અને આક્રમક પહેલ હાથ ધરવામાં આવી છે.
જે અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સના વેચાણ સાથે સંકળાયેલા જૂના, જાણીતા અને હાલમાં સક્રિય પેડલરોની સંપૂર્ણ ગુનાહિત માહિતી એકત્ર કરીને તેમનું એક અદ્યતન ’ડોઝિયર’ (કુંડળી) તૈયાર કરવામાં આવી રહ્યું છે.ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક આ ઝુંબેશને વેગ આપવા માટે ગુજરાતના રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાંથી નશીલા પદાર્થોના દૂષણને નાથવા, ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીને વધુ સઘન બનાવવા તેમજ ’નશામુક્ત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવા માટે હાલમાં ચાલી રહેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ષ 2028 સુધીમાં સમગ્ર ગુજરાતને સંપૂર્ણપણે ડ્રગ્સમુક્ત બનાવવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો છે.
આ રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા નશાના કાળા કારોબાર સામે લડત તેજ બનાવવામાં આવી છે. અત્યાર સુધી પોલીસની કામગીરી મુખ્યત્વે દરોડા પાડવા અને ધરપકડ કરવા પૂરતી મર્યાદિત રહેતી હતી, પરંતુ હવે રણનીતિમાં મોટો બદલાવ લાવીને પેડલરોની સંપૂર્ણ ગુનાહિત પ્રવૃત્તિઓ, તેમના સંપર્કો અને નાણાકીય વ્યવહારો પર સતત વોચ રાખવાની દિશામાં પોલીસ આગળ વધી રહી છે.
રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની સૂચનાથી અમદાવાદ પોલીસે ડ્રગ્સ પેડલરોનું ડોઝિયર તૈયાર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂૂ કરી દીધી છે. જેના ભાગરૂૂપે અમદાવાદના 900 તથા સુરતમાં 600થી વધુ ડ્રગ્સ પેડલરો અને સપ્લાયરોની આગવી ઢબે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
પોલીસની નવી રણનીતિ મુજબ, આ ડોઝિયરના આધારે ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા શખ્સોની દરેક ગતિવિધિઓ પર બાજનજર રાખવામાં આવશે અને તેમને નિયમિતપણે પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
હવે ડ્રગ્સ ખરીદનારાઓની પણ ખેર નથી ગુજરાત પોલીસની આ નવી કાર્યપદ્ધતિની સૌથી મહત્વની બાબત એ છે કે હવે માત્ર ડ્રગ્સ વેચનારા પેડલરો જ નહીં, પરંતુ તેમની પાસેથી માદક પદાર્થો ખરીદનાર ગ્રાહકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પગલાથી ડ્રગ્સની માંગ અને પુરવઠાની આખી સાંકળ તોડવામાં મોટી સફળતા મળશે તેવું મનાઈ રહ્યું છે.
પોલીસના આ અદ્યતન ડોઝિયર અને સતત દેખરેખની નીતિને કારણે નશાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી સમયમાં આ પહેલ રાજ્યમાંથી ડ્રગ્સના નેટવર્કને નેસ્તનાબૂદ કરવામાં અત્યંત અસરકારક સાબિત થશે તેવી પૂરી આશા સેવાઈ રહી છે.
લોકોનો સહયોગ માંગતી પોલીસ
ડ્રગ્સ સામેની આ લડાઈમાં પોલીસે જાહેર જનતાનો પણ સહયોગ માંગ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં જો કોઈ નવા ડ્રગ્સ પેડલરો સક્રિય થયા હોય અથવા કોઈ વ્યક્તિ નશીલા પદાર્થોનું વેચાણ કરતી હોવાની માહિતી મળે, તો તુરંત પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. પોલીસે ખાતરી આપી છે કે માહિતી આપનાર જાગૃત નાગરિકનું નામ અને ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. નાગરિકો તરફથી મળતી બાતમીના આધારે નવા તત્વોની વિગતો એકત્ર કરી તેમને પણ પોલીસના ડોઝિયરમાં સામેલ કરવામાં આવશે.
