સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સંવેદનશીલતાને કારણે એક વિકલાંગ દંપતી વ્યાજખોરીના વિષચક્રમાંથી મુક્ત થયું છે. એસ.પી.એ દંપતીને તેમના ગીરવે મૂકેલા મકાનના દસ્તાવેજો કલાકોમાં પરત અપાવ્યા હતા. જ્યોતિનગરમાં રહેતા સુરેશભાઈ બાબુભાઈ પટેલ અને તેમના પત્ની બંને વિકલાંગ છે. તેઓ ફરસાણની ફેરી કરીને ગુજરાન ચલાવે છે. ઘરખર્ચ અને લોન ભરવા માટે તેમને પૈસાની જરૂૂર હતી.
આશરે પાંચ-છ મહિના પહેલા, દંપતીએ કિશોરભાઈ સામજીભાઈ હડીયલ પાસેથી કટકે-કટકે ₹6,70,000 ઉછીના લીધા હતા. આ રકમ સામે તેમણે પોતાના મકાનનો અસલ દસ્તાવેજ અને સહી કરેલા ચાર કોરા ચેકો ગીરવે આપ્યા હતા. જ્યારે સુરેશભાઈએ ₹6,70,000 પરત આપીને મકાનના દસ્તાવેજ માંગ્યા, ત્યારે કિશોરભાઈએ ₹10,00,000 ની માંગણી કરી દસ્તાવેજ પરત આપવાનો ઇનકાર કર્યો. આટલી મોટી રકમ ચૂકવવાની ક્ષમતા ન હોવાથી દંપતી અસહાય બન્યું હતું.
ન્યાયની આશાએ, વિકલાંગ દંપતી જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યું. તેમની વ્યથા અને પરિસ્થિતિ જોઈને એસ.પી. પ્રેમસુખ ડેલુ પોતે પોતાની ઓફિસમાંથી નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા હતા. એસ.પી. ડેલુએ અત્યંત સંવેદનશીલતા સાથે દંપતીની રજૂઆત સાંભળી. તેમણે મામલાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક સુરેન્દ્રનગર સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને અરજીનો નિકાલ કરવા સૂચના આપી. પોલીસે સામાવાળા પક્ષ કિશોરભાઈ હડીયલને બોલાવી કાયદાકીય સમજ આપી. પોલીસની હાજરીમાં, કિશોરભાઈએ સુરેશભાઈના મકાનનો અસલ દસ્તાવેજ અને ચાર કોરા ચેકો પરત સોંપ્યા.
વ્યાજખોરીના ડર અને દસ્તાવેજ ગુમાવવાના ભયમાંથી મુક્ત થયેલા સુરેશભાઈ અને તેમના પત્નીએ રાહતનો શ્વાસ લીધો. તેમણે જિલ્લા પોલીસ વડા અને બી-ડિવિઝન પોલીસની આ કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો.
