કાલાવડના હરિપર મેવાસામાં નકલી દૂધ બનાવતી ફેકટરી ઉપર પોલીસનો દરોડો

જામનગર જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો તૈયાર કરી તેનું વેચાણ કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. કાલાવડ તાલુકાના હરિપર…

જામનગર જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો તૈયાર કરી તેનું વેચાણ કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમે દરોડો પાડી રહેણાંક મકાનમાં ચાલતી ભેળસેળયુક્ત દૂધ બનાવવાની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. સ્થળ પરથી 486 લિટર શંકાસ્પદ દૂધ ઉપરાંત 75 કિલો વનસ્પતિ ઘી અને 44 કિલો દૂધનો પાવડર મળી આવતાં ચકચાર જાગી હતી.

રાજકોટ રેન્જના આઈ.જી. નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એસ.ઓ.જી.ના જવાનો બળભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, મયુરરાજસિંહ જાડેજા અને નરપાલસિંહ જાડેજાને સંયુક્ત બાતમી મળી હતી કે, હરિપર મેવાસા ગામના રબારીવાસમાં રહેતા મેરૂૂભાઈ બધાભાઈ વંશ પોતાના રહેણાંક મકાનમાં ભેળસેળયુક્ત દૂધ તૈયાર કરી રહ્યા છે.આ બાતમીના આધારે એસ. ઓ. જી.ની ટીમે મકાનમાં ઓચિંતો દરોડો પાડતાં ત્યાં શંકાસ્પદ દૂધ બનાવવાની પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી આશરે 486 લિટર શંકાસ્પદ દૂધ, 75 કિલો વનસ્પતિ ઘી અને 44 કિલો દૂધનો પાવડર મળી કુલ જથ્થો કબજે કર્યો હતો.

બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસ.ઓ.જી. દ્વારા ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતાં અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. ફૂડ સેફ્ટી ઓફિસરે શંકાસ્પદ દૂધના નમૂના લઈ સીલબંધ કરી કબજે કર્યા હતા. ત્યારબાદ શંકાસ્પદ દૂધ, વનસ્પતિ ઘી અને દૂધના પાવડરના જથ્થાનો યોગ્ય પદ્ધતિથી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી વિભાગે મેરૂૂભાઈ વંશ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *