મોરબીમાં ખેડૂત આંદોલનના અગ્રણીને પોલીસની નોટિસ

મોરબી તાલુકામાં એક હિટાચી મશીનમાં તોડફોડ અને આગ ચાપવામાં આવી હોવાના કેસમાં મોરબી તાલુકા પોલીસે આ મામલે નિલેશ એરવાડિયાને નોટિસ આપી પૂછપરછ માટે બોલાવ્યા છે.…

મોરબી તાલુકામાં એક હિટાચી મશીનમાં તોડફોડ અને આગ ચાપવામાં આવી હોવાના કેસમાં મોરબી તાલુકા પોલીસે આ મામલે નિલેશ એરવાડિયાને નોટિસ આપી પૂછપરછ માટે બોલાવ્યા છે. નિલેશ એરવાડિયાએ આક્ષેપ કર્યો છે કે ખેડૂત આંદોલનને દબાવવા માટે આ પ્રયાસો થઈ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 17 જૂન 2026 ના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. મહેશભાઈ દામજીભાઈ પરેચા (ઉંમર 47, વ્યવસાયે ટ્રાન્સપોર્ટની માલિકીનું વોલ્વો ઇકઈ-210 મોડલનું હિટાચી મશીન 16 જૂન 2026 ની રાત્રે 2:30 વાગ્યાની આસપાસ નંબર પ્લેટ વગરની બોલેરો કારમાં આવેલા 5 થી 6 અજાણ્યા શખ્સોએ નિશાન બનાવ્યું હતું. આ શખ્સોએ મશીનમાં લાકડાના ધોકા વડે નુકસાન પહોંચાડી, પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી અને ત્યાંથી નાસી ગયા હતા.

નોટિસમાં જણાવ્યા અનુસાર આ કેસની તપાસ દરમિયાન પોલીસને નિલેશ એરવાડિયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો જોવા મળ્યો હતો. આ વીડિયોમાં તેઓ ખેડૂત આંદોલન દરમિયાન એવી ધમકી આપતા સંભળાય છે કે જો કોઈ હિટાચી મશીન, થાંભલા કે અન્ય સાધન સામગ્રી જેતપર વિસ્તારમાં આવશે તો તેને રાતોરાત ઉખાડી ફેંકી દેવામાં આવશે અને 36 રૂૂપિયા કિલો લેખે ભંગારમાં વેચી દેવામાં આવશે. આ વાયરલ વીડિયોમાં આપવામાં આવેલી ગુનાહિત ધમકીના અનુસંધાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ. એસ. તિવારી દ્વારા નોટિસ ફટકારી પૂછપરછ માટે આવવા જણાવાયું હતું.

નિલેશ એરવાડિયાએ વાતચીતમાં પોતાનો પક્ષ રજૂ કર્યો છે. નિલેશ એરવાડિયાએ આક્ષેપ કર્યો છે કે આ નોટિસ આંદોલનને ડેમેજ કરવા અને તેમને બદનામ કરવાના ઇરાદાથી આપવામાં આવી છે. લાંબા સમયથી તેમને ખોટા કેસમાં ફસાવીને આંદોલનને નબળું પાડવાનું કાવતરું ચાલી રહ્યું હતું.

નિલેશ એરવાડિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જે ઘટના બની છે તે સમયે તેઓ જેતપર ગામે હતા. રાતના 2 થી 2:30 વાગ્યા સુધી તેઓ મંત્રીના ભાઈ કારૂૂકાકા (રાકેશભાઈ) સાથે હતા. અમદાવાદ ટ્રેક્ટર રેલીમાં ગયેલા ખેડૂતો પરત ફરી રહ્યા હોવાથી તેમની રાહ જોતા તેઓ બંને મોડે સુધી પેટ્રોલ પંપ પર બેઠા હતા. ત્યારબાદ જેતપર નજીક અણિયારી ચોકડી ખાતે હોમગાર્ડના જવાનો સાથે 1 થી 1.5 કલાકનો સમય વિતાવ્યો હતો. આ તમામ સ્થળોએ, જેમાં જેતપર પાદર અને અણિયારી ચોકડીનો સમાવેશ થાય છે, ત્યાં CCTV કેમેરા હોવાનું અને તેમાં ફૂટેજ પણ ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું છે.

વધુમાં નિલેશ એરવાડિયાએ જણાવ્યું કે જો આ મામલામાં તેમની સામે ખોટી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી હોય, તો કારૂૂભાઈ અમૃતિયાનું નામ પણ ફરિયાદમાં હોવું જોઈએ, કારણ કે તેઓ બંને છેક સુધી સાથે જ હતા. ’એકને ગોળ અને એકને ખોળ ના ચાલે’ તેવો કટાક્ષ કરતા તેમણે જણાવ્યું હતું કે નિયમ બધા માટે સરખો હોવો જોઈએ. હાલમાં તબિયત ખરાબ હોવાને કારણે અને સારવાર ચાલુ હોવાથી તેઓ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવા ગયા ન હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *