રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની અધ્યક્ષતામાં ગોંડલ ખાતે યોજાયેલા લોકદરબાર બાદ પોલીસ વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. આ લોકદરબારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ટ્રાફિક સમસ્યા, વાહનો પર કાળા કાચ (બ્લેક ફિલ્મ) અને માંસ-મટનના ગેરકાયદેસર હાટડાઓ સામે રજૂઆતો કરવામાં આવી હતી.
બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યોજાયેલા સંવાદ બાદ પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં કડક ચેકિંગ ઝુંબેશ શરૂૂ કરી. આ ઝુંબેશ અંતર્ગત વાહનો પર લાગેલી બ્લેક ફિલ્મ સ્થળ પર જ દૂર કરવામાં આવી હતી. નંબર પ્લેટ વગરના વાહનો સામે પણ કડક કાર્યવાહી કરાઈ હતી. આવા વાહનચાલકોને ઓનલાઈન અને ઓફલાઈન મેમો આપી રોકડ દંડ ફટકારવામાં આવ્યો હતો.
પોલીસે કડીયા લાઇન અને કોર્ટ નજીક ચાલતા નોનવેજના હાટડાઓ પર પણ ચેકિંગ હાથ ધર્યું. ફૂટપાથ અને જાહેર માર્ગો પર દબાણ કરનારાઓને કડક સૂચનાઓ અપાઈ હતી. કડીયા લાઇન અને બજાર વિસ્તારમાં ફૂટપાથ પર રાખવામાં આવેલા મોટા જાહેરાતના બોર્ડ હટાવવા અને વાહનો વ્યવસ્થિત પાર્ક કરવા વેપારીઓને તાકીદ કરવામાં આવી છે.
ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે પોલીસ અને નગરપાલિકા સંયુક્ત રીતે કાર્ય કરશે. આગામી દિવસોમાં શહેરના મુખ્ય માર્ગો પર સફેદ અને પીળા પટ્ટા દોરવામાં આવશે. વાહનચાલકોએ નિર્ધારિત પટ્ટાની અંદર જ વાહન પાર્ક કરવાના રહેશે. નિયમભંગ કરનારા વાહનોને ડિટેન કરવામાં આવશે અને ભારે દંડની જોગવાઈ પણ અમલી બનશે.
ગોંડલના નાની-મોટી બજાર, માંડવી ચોક, બસ સ્ટેન્ડ રોડ અને જેલ રોડ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. પોલીસ વિભાગે જણાવ્યું કે, બિનઅધિકૃત પાર્કિંગ હવે સહન કરવામાં આવશે નહીં.
