વિવાદિત પોસ્ટર મામલે કુખ્યાત શખ્સને ઉઠાવી લેતી પોલીસ

અલગ અલગ વિસ્તારોમાં લાગેલા પોસ્ટર અંગે શંકાસ્પદ ભૂમિકા ભજવનાર શખ્સની આગવી ઢબે પૂછપરછ શહેરના દૂધની ડેરી અને ભીલવાસ સહિતના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદ…

અલગ અલગ વિસ્તારોમાં લાગેલા પોસ્ટર અંગે શંકાસ્પદ ભૂમિકા ભજવનાર શખ્સની આગવી ઢબે પૂછપરછ

શહેરના દૂધની ડેરી અને ભીલવાસ સહિતના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદ લખેલા પોસ્ટર્સ લગાવવામાં આવતા વિવાદ થાય તે પૂર્વે પોલીસે આ મામલે લઘુમતી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી વિવાદ વકરે નહી તે માટે તાકીદ કરી હતી આ મામલે તપાસ બાદ ગુજસીટોકના કુખ્યાત શખ્સનું નામ સામે આવતા મહત્વની બ્રાંચે આ શખ્સને ઉઠાવી લઇ તેની આગવી ઢબે પુછપરછ શરુ કરી છે. એક તરફ નવરાત્રીના પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે અન્ય જીલ્લા અને શહેરમાં બનેલી ઘટનાને ધ્યાને લઇ પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ એલર્ટ થઇ છે.

આ પોસ્ટરથી સોશિયલ મીડિયામાં ઉભા થયેલા વિવાદને કારણે યુપી અન ગુજરાતમાં અનેક શહેરોમાં છમકલા થયા હોય સરકારે પણ શાંતિ જાળવવા અપીલ કરી છે. નવરાત્રીના પવિત્ર તહેવારમાં શહેરના દૂધની ડેરી અને ભીલવાસ સહિતના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદ લખેલા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હોય જેના કારણે પોલીસ એલર્ટ બની હતી અને છેલ્લા બે દિવસથી શહેરભરમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે. બીજી તરફ કોઈ વિવાદ ઉભો થાય માટે પોલીસે દ્વારા લઘુમતી સમાજના આગેવાનો સાથે બેઠલ યોજી હતી.

આ પોસ્ટર લાગ્યા બાદ રાજકોટ પોલીસ તંત્ર તાત્કાલિક એલર્ટ થયું હતું અને આ પોસ્ટર પાછળ શંકાસ્પદ ભૂમિકા ભજવનાર ગુજસીટોકના એક કુખ્યાત શખ્સનું નામ સામે આવત મહત્વની બ્રાંચે તેને ઉઠાવી લીધો હતો. પોલીસની આ ત્વરિત કાર્યવાહીના કારણે સંભવિત મોટી અનિચ્છનીય ઘટના ટળી હતી.

શહેરની શાંતિ ડહોળાવવામાં શકાસ્પદ ભૂમિકા ભજવનાર આ કુખ્યાત શખ્સ સામે દુષ્કર્મ સહિતના અનેક ગુના નોંધાયેલ છે અને તે હાલ ગુજસીટોકના ગુન્હામાં જામીન ઉપર છૂટેલો છે. આ વિવાદ માત્ર રાજકોટ પૂરતો સીમિત ન રહેતા રાજ્યભરના અન્ય વિવિધ શહેરોના મુસ્લિમ વિસ્તારોમાં પણ આ પ્રકારના પોસ્ટર્સ લાગ્યા હોવાના અહેવાલો હતા. જોકે સોશિયલ મીડિયા પર આ પોસ્ટર્સનો વીડિયો સામે આવ્યા બાદ સરકાર તરફથી તાત્કાલિક પગલાં લેવા સુચન કરવામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયા ઉપર થી આ પોસ્ટર્સ હટાવી લેવામાં આવી હતી.

નવરાત્રીના પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શહેરની કોમી એકતા જળવાઈ રહે તે માટે પોલીસે શાંતિ સમિતિની બેઠક પણ બોલાવી હતી. રાજકોટ પોલીસે સમયસર અને મક્કમતાથી આ પોસ્ટરને હટાવી લઇ કોઈ વિવાદ ન થાય તે માટે જરૂૂરી કાર્યવાહી કરી હતી.જોકે આ કુખ્યાત શખ્સની ગતિવિધિ ઉપર પોલીસે નઝર રાખી હતી તેમજ રાજકોટ સાઈબર ક્રાઈમની ટીમ સોશિયલ મીડિયાની દરેક પોસ્ટ ઉપર નજર રાખી રહી છે. પોલીસે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં બે દિવસથી પેટ્રોલિંગ પણ વધારી દીધું છે.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ઝોન-1 હેતલ પટેલ, ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચ.એસઓજી સહીત તમામ પોલીસ મથક ના પી.આઈને તેના વિસ્તારમાં પેટ્રોલિંગ અને ફલેગમાર્ચ કર્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *