હળવદના ચરાડવા ગામે રહેતા અને ચલાડવા ગામે પીજીવીસીએલ ઓફિસે ફરજ બજાવતા આધેડનું બીપી વધી જતા મગજની નસ ફાટી ગઈ હતી. જેના કારણે બેભાન હાલતમાં મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ હળવદના ચરાડવા ગામે રહેતા ભુપતભાઈ લાભુભાઈ થરેસા નામના 50 વર્ષ આધેડ ગત તા.24 ના રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ચરાડવા પીજીવીસીએલ ઓફિસે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે ચરાડવા અને મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ભુપતભાઈ થરેસાનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછ ભુપતભાઈ થરેસા ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે ભુપતભાઈ થરેસા સફાઈ કર્મી હતા અને તેમનું બીપી વધી જતા મગજની નસ ફાટી જતા બેભાન હાલતમાં સારવાર માટે દાખલ કરાયા હતા પરંતુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.