રાજકુમારના મોત મામલે ગમે ત્યારે હાઇકોર્ટમાં પીટીશન

કેસ અકસ્માતનો છે તો કાગળો કેમ પૂરતા નથી આપી રહ્યા: વકીલ દિનેશ પાતર કુવાડવા પીઆઇ રજિયાએ જરૂરી કાગળો આપવાની મૃતકના વકીલને ના પાડી દીધી મૂળ…

કેસ અકસ્માતનો છે તો કાગળો કેમ પૂરતા નથી આપી રહ્યા: વકીલ દિનેશ પાતર

કુવાડવા પીઆઇ રજિયાએ જરૂરી કાગળો આપવાની મૃતકના વકીલને ના પાડી દીધી

મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં. મૃતક રાજકુમાર યુપીએસસીની તૈયારી કરતો હતો.યુવક ગુમ થયાના 6 દિવસ બાદ એટલે કે, 9 માર્ચના રોજ રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીકના તરઘડિયા ઓવરબ્રિજ ઉપર રાત્રિના સમયે ઈજાગ્રસ્ત હાલતમાં 108 રાજકુમારને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન 3:42 વાગ્યે તેનું મોત નીપજ્યું હતું.

આ મામલો હવે હાઈકોર્ટમાં પહોંચવાની તૈયારીમાં છે. ટૂંક સમયમાં હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવે તેવી માહિતી મળી છે.રાજકુમારનું મહાસાગર ટ્રાવેલ્સની બસે હડફેટે લેતાં મોત નિપજયાનું પોલીસે જાહેર કરી દીધું હોવા છતાં મોતના કારણ અંગે અનેકવિધ ચર્ચાઓ થઈ રહી છે. રાજકુમારના પિતા રતનલાલ પુત્રની હત્યા થયાનો આક્ષેપ કરી રહ્યા છે. એટલું જ નહીં પોલીસ તપાસ સામે પણ અનેક શંકા ઉઠાવી રહ્યા રહ્યા છે.

ગુજરાત અને રાજસ્થાનમાં ભારે ચર્ચાસ્પદ બનેલો આ કેસ હવે હાઈકોર્ટમાં પહોંચવાની તૈયારીમાં છે ત્યારે આ કેસમાં કાનૂની જંગ જામે તેવા એંધાણ મળી રહ્યા છે.મૃતક રાજકુમાર જાટના પિતા રતનલાલે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ સામે આક્ષેપો કર્યા છે. બીજી તરફ રતનલાલના એડવોકેટ દિનેશ પાતરે કુવાડવા પોલીસ જરૂૂરી દસ્તાવેજો નહીં આપતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

તેણે જણાવ્યું કે પોલીસે અત્યાર સુધીમાં એફઆઈઆરની ખરી નકલ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રીપોર્ટ, સ્થળ પંચનામું એમ ત્રણ દસ્તાવેજો આપ્યા છે. જયારે કુવાડવા પોલીસ પાસે બોડી ઈન્કવેસ્ટ પંચનામાની નકલ અને પ્રથમ વખત થયેલા પોસ્ટમોર્ટમની નકલ માંગવામાં આવી છે.પરંતુ કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ રજીયા આ બંને નકલો આપતા નથી અને જુદા-જુદા બહાના કાઢે છે. એમ કહે છે કે સરકારી વકીલને પૂછવું પડશે, હું કામમાં છું. જયારે સરકારી વકીલ આ દસ્તાવેજો મળવાપાત્ર હોવાનું કહી રહ્યા છે. આમ છતાં કુવાડવા રોડ પોલીસ આ દસ્તાવેજ આપવા કે નહીં તે અમારે જોવાનું છે તેમ કહી રહી છે.આખો કેસ એક્સિડન્ટનો છે તો શા માટે કાગળો પૂરતા નથી આપી રહ્યા? તે સમજાતું નથી. ફોરેન્સિક રિપોર્ટમાં જે સામે આવ્યું ત્યારબાદ પોલીસ ગભરાઈ ગઈ છે. હવે અમને પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવામાં આવે એવી માંગ લેખિતમાં કરવામાં આવી છે. જો પોલીસ અમને નહી આપે તો અમે હાઇકોર્ટમાં જઈશું અને કોર્ટમાં રિપોર્ટ માંગીશું.ઉલ્લેખનીય છે કે રાજકુમારના મોતનો મામલો લોકસભામાં પણ ઉઠયો હતો અને આ કેસની સીબીઆઈ પાસે તપાસ કરાવવાની માંગણી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *