પોલીસ ભરતીમાં ટ્રાન્સજેન્ડર માટે અલગ કેટેગરી ઉભી કરવા હાઇકોર્ટમાં અરજી

ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે ગૃહ વિભાગ અને ડીજીપીને નોટિસ પાઠવી છે. એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિએ ચાલુ પોલીસ ભરતીમાં ક્લાસ-3ની જગ્યા માટે ત્રીજી જાતિની અલગ શ્રેણી બનાવીને નોકરી…

ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે ગૃહ વિભાગ અને ડીજીપીને નોટિસ પાઠવી છે. એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિએ ચાલુ પોલીસ ભરતીમાં ક્લાસ-3ની જગ્યા માટે ત્રીજી જાતિની અલગ શ્રેણી બનાવીને નોકરી આપવા અરજી કરી છે.
વકીલ હન્નાન કુરેશી મારફતે દાખલ અરજીમાં જણાવાયું છે કે અરજદારે અનઆર્મ્ડ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જગ્યા માટે અરજી કરી હતી. ત્રીજી જાતિ હોવાથી કઈ શ્રેણીમાં અરજી કરવી તે અંગે ડીજીપી કચેરીએ પૂછતાં આધારકાર્ડમાં દર્શાવેલી જાતિ મુજબ અરજી કરવાનું કહેવામાં આવ્યું. તેથી તેમણે મહિલા શ્રેણીમાં અરજી કરી.

શારીરિક માપદંડ અને શારીરિક કાર્યક્ષમતા કસોટી પસાર કર્યા બાદ લેખિત પરીક્ષામાં 94 ગુણ મળ્યા. એસઈબીસી મહિલા શ્રેણીનો કટઓફ 98.5 ગુણ હતો. 11 જુલાઈએ મેરિટ યાદી જાહેર થયા બાદ તેમણે ત્રીજી જાતિની શ્રેણીમાં વિચારણા કરવા રજૂઆત કરી હતી.

જવાબની રાહ જોતાં હાઈકોર્ટમાં અરજી કરીને ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે અલગ અને બંધારણીય રીતે યોગ્ય કટઓફ/પસંદગી માપદંડ લાગુ કરવા તથા સુપ્રીમ કોર્ટના એનએએલએસએ ચુકાદાના આદેશો અમલમાં મૂકવાની માંગ કરી છે.

અરજદારનું કહેવું છે કે વર્તમાન ભરતી માત્ર પુરુષ અને મહિલા શ્રેણી માટે છે, જે બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે. સામાજિક કલંક અને મુશ્કેલીઓને કારણે ભરતીમાં અલગ આરક્ષણ જરૂૂરી છે. ત્રીજી જાતિ માટે અલગ કટઓફ મેરિટ પ્રસિદ્ધ ન કરવી જાતિના આધારે ભેદભાવ છે. વકીલે અન્ય રાજ્યોના દાખલા પણ રજૂ કર્યા. 30 સપ્ટેમ્બરે દસ્તાવેજ ચકાસણીમાં ભાગ લેવા મંજૂરી માંગતાં જસ્ટિસ અનિરુદ્ધ માયીએ સત્તાવાળાઓને નોટિસ આપી 29 સપ્ટેમ્બર સુધીમાં જવાબ માંગ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *