હીરાના કારખાનામાં મજૂરી દરનો સર્વે કરાવવા માંગ

દેશ અને દુનિયાને હીરાની અનોખી ચમક આપનારા સુરત સહિત સમગ્ર ગુજરાતના લાખો રત્નકલાકારો હાલ કારમી મોંઘવારી સામે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. લાંબી વૈશ્વિક મંદી…

દેશ અને દુનિયાને હીરાની અનોખી ચમક આપનારા સુરત સહિત સમગ્ર ગુજરાતના લાખો રત્નકલાકારો હાલ કારમી મોંઘવારી સામે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. લાંબી વૈશ્વિક મંદી દરમિયાન કારખાનેદારો દ્વારા કાપી નખાયેલા મજૂરીના દરો હવે બજારમાં સુધારો આવ્યા છતાં પૂર્વવત કરવામાં આવ્યા નથી.હાલ રિયલ અને લેબગ્રોન હીરાની નવી માંગ ખૂલતાં જ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સમક્ષ કારીગરોની મજૂરીમાં તાત્કાલિક વધારો અપાવવા રજૂઆત કરી છે.

કાઉન્સિલના ચેરમેનને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે,સૌરાષ્ટ્ર અને સુરતમાં તૈયાર થતો માલ વૈશ્વિક સ્તરે કરોડો ડોલરનું હૂંડિયામણ રળી આપે છે, છતાં તેનો પાયો ગણાતા કારીગરોને શ્રમ કાયદા હેઠળ મળવાપાત્ર એકપણ લાભ આપવામાં આવતો નથી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ચાલતા હીરાના કારખાનાઓમાં કારીગરોનું વ્યાપક શોષણ ચાલી રહ્યું છે અને સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલા લઘુતમ વેતન કરતાં પણ ઓછી મજૂરી ચૂકવવામાં આવી રહી છે.

કેન્દ્રિય વાણિજ્ય મંત્રાલય અને GJEPC બંને સંયુક્ત રીતે આગળ આવી સમગ્ર ગુજરાતમાં કારીગરોની વાસ્તવિક સ્થિતિ અને મજૂરીના દરો અંગે એક વિશેષ સર્વે હાથ ધરીને ન્યાયિક ભાવવધારો અપાવે તેવી પત્રમાં સ્પષ્ટ માંગ કરાઈ છે.ભાવ વધારા મુદ્દે તાજેતરમાં જ ગઢડા,તળાજા અને પાલીતાણાના કારીગરો હડતાળ પર ઉતર્યા હતા, જેમાં સમાધાન બાદ પણ પ્રશ્ન વણઉકેલાયેલો છે.સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ અને જૂનાગઢ જેવા કેન્દ્રોમાં કામદારોને કાયદેસરના ન્યૂનતમ વેતન કરતાં પણ ઓછા દરો ચૂકવાય છે. કારીગરોને આર્થિક પાયમાલીમાંથી ઉગારી આત્મહત્યાના કિસ્સાઓ અટકાવવા માટે સમયસર પગલાં લેવા વહીવટી તંત્રને ચીમકી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *