જૂન 2025 દરમિયાન થયેલી અતિવૃષ્ટિના કારણે સાવરકુંડલા તાલુકાના 15 ગામોમાં ખેતીની જમીનમાં મોટા પાયે ધોવાણ થયું હતું, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ખેડૂતોને રાહત મળે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાવરકુંડલા તાલુકાના પ્રભાવિત ગામોના અગ્રણીઓ અને સરપંચોએ ખેડૂતોની સમસ્યા અંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સંવેદનશીલતા દાખવી જરૂૂરી નિર્ણય કર્યો છે.
તેના અનુસંધાનમાં અમરેલી જિલ્લાના કલેક્ટરએ આદેશ આપતા સાવરકુંડલા તાલુકાના અતિવૃષ્ટિથી પ્રભાવિત ભુવા,જુના સાવર, આંકોલડા, ફાચરીયા,ખાલપર-કુકાવાવ, મેકડા, ફીફાદ, ઘોબા, પીપરડી, હિપાવડલી, મોટા ભમોદ્રા ,શેલણા,કેરાળા,તથા પીયાવા 15 ગામોના ખેડૂતોને પોતાના ખેતરોમાં થયેલ ધોવાણ ભરવા માટે માટી લેવાની મંજૂરી આપવામાં આવી છે. જે ખેડૂતોના ખેતરોમાં જમીન ધોવાણ થયું હોય તેઓ સાદી અરજી કરીને સિંચાઈ પેટા વિભાગ સાવરકુંડલા ખાતે અરજી કરશે તો તેમને એક જ દિવસમાં મંજૂરી આપવામાં આવશે, જેથી તેઓ પોતાના ખેતરોનું સમતલીકરણ અને પુન:સ્થાપન કરી શકશે. માટી ઉપાડવાની મંજૂરી મેળવવા માટે 1. નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી,સિંચાઈ પેટા વિભાગ, હાથસણી રોડ, આંખની હોસ્પિટલ સામે, સાવરકુંડલા, મોબાઈલ નં.: 097379 34545 2. નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી,સિંચાઈ પંચાયત પેટા વિભાગ,રેલવે સ્ટેશન સામે,સાવરકુંડલા, મોબાઈલ નં.: 076000 57170 નો સંપર્ક કરવા જણાવાયું છે.
