ઇન્ડસ્ટ્રીયલ વપરાશ માટે ભૂગર્ભ જળ કાઢતા પહેલા પરવાનગી ફરજિયાત

ગુજરાત સરકાર ભૂગર્ભ જળના ઉપયોગને નિયમિત કરવા માટે નવા કાયદાની તૈયારી કરી રહી છે. સૂત્રો અનુસાર, ‘ગુજરાત ગ્રાઉન્ડવોટર બિલ, 2026’ આગામી મહિને વિધાનસભામાં રજૂ કરવામાં…

ગુજરાત સરકાર ભૂગર્ભ જળના ઉપયોગને નિયમિત કરવા માટે નવા કાયદાની તૈયારી કરી રહી છે. સૂત્રો અનુસાર, ‘ગુજરાત ગ્રાઉન્ડવોટર બિલ, 2026’ આગામી મહિને વિધાનસભામાં રજૂ કરવામાં આવી શકે છે. આ કાયદો ભૂગર્ભ જળને ખાનગી મિલકત નહીં પરંતુ સમગ્ર સમાજની સામૂહિક સાર્વજનિક સંપત્તિ તરીકે ગણશે. આ અંતર્ગત ઉદ્યોગગૃહોને ભુગર્ભ જળ કાઢતા પહેલા પરવાનગી લેવી ફરજીયાત કરાશે.

રાજ્યમાં ભૂગર્ભ જળની સપાટી સતત ઘટી રહી હોવાના પૃષ્ઠભૂમિમાં આ કાયદો લાવવામાં આવી રહ્યો છે. તેમાં પીવાના પાણી, ખેતી અને આજીવિકા માટેના ઉપયોગને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે.
સરકાર ગુજરાત સ્ટેટ ગ્રાઉન્ડવોટર રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરશે, જે રાજ્યભરમાં ભૂગર્ભ જળના ટકાઉ ઉપયોગ માટેની નીતિઓ અમલમાં મૂકશે. આ કાયદા હેઠળ ઇકોલોજિકલી સંવેદનશીલ વિસ્તારોને ભૂગર્ભ જળ સંરક્ષણ ઝોન તરીકે જાહેર કરી શકાશે. આવા વિસ્તારોમાં પાણી કાઢવા અને વાપરવા પર કડક નિયંત્રણો લાદવામાં આવશે, જેથી ભૂગર્ભ જળના સ્ત્રોતો સુકાઈ ન જાય.

કાયદામાં વિકેન્દ્રિત વ્યવસ્થાની પણ જોગવાઈ છે. ગામ, તાલુકા, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા સ્તરે સમિતિઓની રચના કરવામાં આવશે, જે ભૂગર્ભ જળના મોનિટરિંગ અને વ્યવસ્થાપનનું કામ કરશે. દરેક ગ્રામ પંચાયત, તાલુકા, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા માટે ભૂગર્ભ જળ સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવશે.

રેઈન વોટર હાર્વેસ્ટિંગ અને પાણીના રિસાયક્લિંગને ફરજિયાત બનાવવામાં આવશે. બિલ્ડિંગ પ્લાનમાં પાણી સંગ્રહની જોગવાઈ કર્યા વગર મંજૂરી આપવામાં આવશે નહીં. સરકારી અધિકારીઓનું કહેવું છે કે આ કાયદો ભૂગર્ભ જળના ટકાઉ વ્યવસ્થાપન અને ભવિષ્યની પેઢીઓ માટે પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેનું મહત્વનું પગલું છે.

 

રૂપિયા 10 લાખ સુધીના દંડની જોગવાઇ
ઉલ્લંઘનકર્તાઓ માટે સખત દંડ અને જેલની જોગવાઈ કરવામાં આવી છે. ભૂગર્ભ જળને પ્રદૂષિત કરનારાઓને એક લાખ રૂૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. સંરક્ષણ ઝોનમાં ગેરકાયદેસર રીતે પાણી કાઢનારાઓને 10 લાખ રૂૂપિયા સુધીનો દંડ અને જેલની સજા પણ થઈ શકે છે. વરસાદી પાણી સંગ્રહ (રેઈન વોટર હાર્વેસ્ટિંગ) સિસ્ટમ ન લગાવનારાઓને પણ દંડ અને જેલની સજા થઈ શકે છે. ઔદ્યોગિક એકમોને ભૂગર્ભ જળ કાઢતા પહેલા પરવાનગી લેવી ફરજિયાત રહેશે. ઔદ્યોગિક અને મોટા વપરાશકારો પર પાણીના ચાર્જ લાદવામાં આવશે. જોકે, ખેતીને આ નિયમનમાંથી બાકાત રાખવામાં આવી છે. વસૂલાત થયેલી આવકને પાણી સંરક્ષણના કામોમાં વાપરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *