શ્રીનાથજી અને જીવનદીપ સોસાયટીના લોકોએ વૃક્ષારોપણના નામે ફૂટપાથ દબાવી દેતા હોબાળો

રાજકોટનાં પોષ વિસ્તાર ગણાતા અમીન માર્ગ નજીક શ્રીનાથજી અને જીવનદીપ સોસાયટીનાં રહેવાસી દ્વારા વૃક્ષારોપણનાં નામે ગેરકાયદેસર દબાણ કરાયાના આક્ષેપ સાથે પંચવટી પાર્ક સોસાયટીના રહીશો દ્વારા…

રાજકોટનાં પોષ વિસ્તાર ગણાતા અમીન માર્ગ નજીક શ્રીનાથજી અને જીવનદીપ સોસાયટીનાં રહેવાસી દ્વારા વૃક્ષારોપણનાં નામે ગેરકાયદેસર દબાણ કરાયાના આક્ષેપ સાથે પંચવટી પાર્ક સોસાયટીના રહીશો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. પંચવટી પાર્ક સોસાયટી અંદર પ્રવેશવાના રસ્તે બ્લોક કાઢીને શ્રીનાથજી અને જીવનદીપ સોસાયટીના રહીશો દ્વારા બંને બાજુ 5-5 ફૂટમાં વૃક્ષો રોપી દેવાયા છે. આ ઘટનાને પગલે 4 ઓગસ્ટની મોડીરાત્રે બંને પક્ષના ટોળા એકઠા થતા જ પોલીસ દોડી આવી હતી.

કોર્પોરેશનની કોઈપણ જાતની પરવાનગી લીધા વગર જ આ વૃક્ષારોપણ દબાણનાં બહાને કરવામાં આવ્યું છે, જેથી પંચવટી પાર્ક સોસાયટીમાં રહેતા લોકોની મુશ્કેલીઓ વધી છે. સોસાયટીમાં પ્રવેશવાના મુખ્ય રસ્તા પર બ્લોક ઉખેડીને રસ્તાની બંને બાજુએ 5-5 ફૂટની જગ્યા દબાવી દેવામાં આવી છે. આ ગેરકાયદેસર દબાણથી વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મોડીરાતે હોબાળો થતાં સ્થાનિક કોર્પોરેટર અશ્વિન પાંભરે દોડી આવી બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

આ મામલે પંચવટી પાર્ક સોસાયટીની રહીશ નરેશ પારેખએ જણાવ્યું હતું કે, આ રસ્તા ઉપર ફૂટપાથ બનાવવાની કોઈ જરૂૂર નથી, કારણ કે તેનાથી વાહનોની અવરજવર અટકી જશે. આ 20 ફૂટની શેરીમાં જો બંને બાજુ 5-5 ફૂટની ફૂટપાથ બનાવવામાં આવે તો રસ્તો માત્ર 10 ફૂટનો જ રહેશે, જેના કારણે વાહનો પસાર થઈ શકશે નહીં. આ કામગીરી માટે કોર્પોરેશનની મંજૂરી જરૂૂરી છે. છતાં આવી કોઈપણ મંજૂરી વિના જાહેર રસ્તા પરના બ્લોક ઉખેડી વૃક્ષો રોપી દેવામાં આવ્યા છે. શ્રીનાથજી અને જીવનદીપ સોસાયટીનાં લોકો દ્વારા આ દબાણ કરવામાં આવ્યું હોવાનું જણાવી તાત્કાલિક હટાવવા તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે પંચવટી પાર્ક સોસાયટીમા રહેતા મનપાનાં કર્મચારીઓ પોતાનાં વાહન પાર્ક કરી ન શકે માટે શ્રીનાથજી અને જીવનદીપ સોસાયટીનાં લોકોએ વૃક્ષારોપણ કરી દીધુ હતુ જેને લઇ પંચવટી પાર્કનાં લતાવાસીઓ દ્વારા હોબાળો મચાવવામા આવ્યો હતો . આ મામલે પોલીસ અને કોર્પોરેટર અશ્ર્વિનભાઇ પાંભર ઘટનાં સ્થળે દોડી જતા બંને પક્ષે સમાધાન કરાવતા મામલો થાળે પડયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *