અગાઉ થયેલા ડિમાર્કેશન મુજબ માત્ર એક જ સાઇડ ઢેબર કોલોનીથી ગોપાલનગર શેરી નં.1 સુધી કપાત આવશે : રાજકોટનો સૌથી લાંબો 700 મીટરનો અન્ડરબ્રિજ બનાવાશે : ગુજરાત અર્બન ડેવલપ મેનેજમેન્ટે આપી સૈધ્ધાંતિક મંજૂરી
રાજકોટને ફાટકમુક્ત બનાવવા માટે અન્ડરબ્રિજ-ઓવરબ્રિજ બનાવવા માટે તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઇ રૂૂપાણીએ જાહેરાત કરી હતી. એ પૈકી પીડીએમ કોલેજ સામેના ફાટક પર બ્રિજ બનાવવા માટેની યોજના આજે એક દસકા પછી ફરી એક વખત જીવતી કરવામા આવી છે. ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાએ સતાવાર રીતે એવુ જાહેર કર્યુ છે કે, પીડીએમ સામેના આ ફાટક પર અન્ડરબ્રિજ બનાવવા માટેની ડિઝાઇન રેલવેએ મંજૂર કરી દીધી છે. અહીં રૂૂ.40.86 કરોડના ખર્ચે ‘ઝેડ’ આકારમાં બ્રિજ બનાવવામા આવશે. ટીપી શાખાએ અગાઉ કરેલા ડિમાર્કેશન મુજબ માત્ર ઢેબર કોલોનીથી ગોપાલનગર શેરી નં.1 સુધી 50થી વધુ મિલકતો કપાત કરવામા આવશે. જેની સામે મિલકતધારકોને વળતર પણ મળશે. આ પ્રોજેક્ટ માટે ટુંક સમયમાં જ ટેન્ડર પ્રક્રિયા શરૂૂ કરી સ્ટેન્ડીંગ કમિટીમાં દરખાસ્ત મોકલવામા આવશે.
શહેરના મુખ્ય માર્ગો ગોંડલ રોડ અને ઢેબર રોડને જોડતા પીડીએમ રેલવે ફાટક નીચે રૂૂ.50 કરોડના અંદાજિત ખર્ચે કુલ 700 મીટર લંબાઈનો અંડરબ્રિજ બનાવવાની યોજનાને સરકારના GUDM (ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન) વિભાગે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. આ અંડરબ્રિજ રાજકોટનો સૌથી લાંબો અંડરબ્રિજ બનશે, જે પૂર્વ સીએમ વિજયભાઈ રૂૂપાણીના કાર્યકાળમાં શરૂૂ કરાયેલા ફાટક મુક્ત રાજકોટ અભિયાનને આગળ ધપાવશે. આ અંડરબ્રિજ બનતા હજારો લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે.
આ બ્રિજ માટે પ્રારંભિક સર્વે પૂર્ણ થઈ ગયો છે. મનપાએ બ્રિજની ડિઝાઈન તૈયાર કરવા અને કપાતમાં આવતી મિલકતોનો સર્વે કરવા માટે સલાહકારની નિમણૂક કરી હતી. જેણે પોતાનો પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરી લીધો છે. રિપોર્ટ મુજબ, અંદાજે 50 કરતા વધારે મિલકતોમાં નાની-મોટી કપાત આવી શકે છે. ખાસ કરીને ઢેબર રોડ પર ઢેબર કોલોનીથી ગોપાલનગર શેરી નં. 1 સુધીની મિલકતો કપાત હેઠળ આવી શકે છે. મનપાએ ઢેબર રોડ પરની આ મિલકતોને ’લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ’ (LOP) હેઠળ મૂકી છે એટલે કે જાહેર હિતમાં મનપા દ્વારા આ મિલકતોના અમુક ભાગની કપાત કરવામાં આવશે.
પ્રાથમિક જાણકારી મુજબ રોડની એક જ બાજુએ કપાત આવે એવી શક્યતા છે. રેલવે તંત્રએ પણ મનપાને સંપૂર્ણ સહયોગ આપવા ખાતરી આપી છે. આ ફાટકનો ઉપયોગ ST બસો સહિતના ભારે વાહનો દ્વારા થતો હોવાથી 700 મીટરની મોટી લંબાઈનો બ્રિજ બનાવવાની જરૂૂરિયાત છે. હવે LOP હેઠળ આવતી તમામ કપાતની મિલકતોનો સર્વે TP વિભાગ દ્વારા કરવામાં આવશે.
આ સાથે જ રેલવેની મંજૂરી અને ટેન્ડર પ્રક્રિયા સહિત જરૂૂરી કામગીરી હાથ ધરવામાં આવશે. ટૂંક સમયમાં કપાતમાં આવતી 50થી વધુ મિલકતોને નોટિસ પણ આપવામાં આવશે.
બે વર્ષ પહેલા જ સરકારે 40 કરોડની ગ્રાન્ટ ફાળવી દીધી છે
રાજકોટ મહાનગરપાલિકા અને રેલવે વિભાગે શહેરની મધ્યમાં આવતા આ રેલવે ફાટક પર ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે આ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપી છે. આ પ્રોજેક્ટ માટે ગત વર્ષે રાજ્ય સરકારે 40 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. ધારાસભ્ય રમેશ ટીલાળાએ પણ આ અંડરબ્રિજ ઝડપથી બનશે એવી જાહેરાત કરી હતી. ત્યારે હવે GUDM વિભાગની સૈદ્ધાંતિક મંજૂરી બાદ પ્રોજેક્ટને આગળ વધારવાની તૈયારીઓ શરૂૂ થઈ ગઈ છે.
