જામનગર શહેરના પ્રદર્શન મેદાન ખાતે તા. 01-09-2026 થી 11/9/26 સુધી યોજાનારા લોકમેળા-2026 ના આયોજનમાં ચાલી રહેલી ગંભીર વહીવટી બેદરકારી સામે પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ માં સામાજિક કાર્યકર કલ્પેશભાઈ આશાણી દ્વારા દાખલ કરવામાં આવેલા રેગ્યુલર દીવાની મુકદ્દમા ને અદાલતે ગ્રાહ્ય રાખી, સરકારી ખાતા ને આપેલ નોટિસ પિરિયડ તાત્કાલિક માફ (ઠફશદય) કરીને તમામ ને કારણ દર્શક નોટિસ ફટકારી હતી. જેમાં આજે દલીલો થયા બાદ મેળા સામેના સ્ટે ની માંગણી ના મંજૂર કરી હતી.
વાદી કલ્પેશભાઈ આશાણી એ તેમના એડવોકેટ મારફતે અદાલત સમક્ષ દસ્તાવેજી પુરાવાઓ સાથે રજૂઆત કરી છે કે મંજૂરી વિના ગેરકાયદેસર ટેન્ડરિંગ , પ્રદર્શન મેદાન સરકારી માલિકીનું હોઈ, પ્રાંત અધિકારી (શહેર) ના 1 ઓગસ્ટ 2026 ના પત્ર મુજબ જમીન ફાળવણી ની પ્રક્રિયા હજી વહીવટી વિચારણા હેઠળ છે. આમ છતાં, જામનગર મહાનગરપાલિકાએ કાયદાને નેવે મૂકી ને સત્તાવાર જમીન ફાળવણી પહેલાં જ 31 જુલાઈ એ ટેન્ડર બહાર પાડી વેપારી ઓ પાસે થી લાખો રૂૂપિયાની વસૂલાત શરૂૂ કરી દીધી છે.
મેળો યોજવા માટે લાલ બંગલો થી સાત રસ્તા સુધીનો મુખ્ય હાઈવે બંધ કરવાની સત્તા જામનગર મહાનગરપાલિકા પાસે નથી. મોટર વ્હીકલ એક્ટની કલમ મુજબ, પૂરતી પાર્કિંગ વ્યવસ્થા વિના અને ટ્રાફિક પોલીસ/કલેક્ટર ની સત્તાવાર મંજૂરી વિના રસ્તાઓ બંધ કરી શકાય નહીં. પ્રદર્શન મેદાન ખાતે લાખોની મેદની માટે પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી, જેનાથી કટોકટીના સમયે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ પણ ફસાઈ જશે.
મેંદાનના 30 ટકા ભાગમાં એસ.ટી. બસ ડેપો કાર્યરત છે. બાકીની સાંકડી જગ્યામાં વર્ષ 2024 ની ગુજરાત સરકાર ની કડક રાઇડ્સ સેફ્ટી એસઓપીનું પાલન કરવું અશક્ય છે. નજીકમાં જ જજીસ બંગલો, શાળાઓ અને કોર્ટ આવેલી હોઈ આ આયોજન જામનગર ની જનતા માટે જીવતું જોખમ છે.
સિવિલ કોર્ટે કેસ ની ગંભીરતા જોઈને તમામ વહીવટી વડાઓને નોટિસ પાઠવી અદાલતમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો. આ કેસમાં વાદી તરફ થી પ્રદર્શન મેદાન પર યોજાનારા મેળા, પ્લોટ ફાળવણી અને ગેરકાયદેસર ટેન્ડર પ્રક્રિયા પર તાત્કાલિક વચગાળાનો મનાઈહુકમ મેળવવા માંગણી કરાઈ હતી.
તેમજ આ લોકમેળો શહેર વિસ્તાર બહાર વિશાળ જગ્યાએ યોજાય અને એસઓપીનુ પાલન કરી શકાય .આજ રોજ આ અંગે અદાલતમાં દલીલો હાથ ધરવામાં આવી હતી . અને મેળા સામેના સ્ટે ની માંગણી નામંજૂર કરી હતી. જેથી હવે શ્રાવણી મેળા યોજવા માટેનો માર્ગ મોકળો બન્યો છે, અને આવતીકાલથી શ્રાવણી મેળા નો પ્રારંભ થઈ જશે તેમ જાણવા મળી રહ્યું છે.
લોકમેળાને લગતા રૂા.14.91 લાખના ખર્ચને મંજૂરી
જામનગર મહાનગરપાલિકાની તા.1 સપ્ટેમ્બરના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં વધુ પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના નવા બિલ્ડીંગ બનાવવાની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત પ્રદર્શન મેદાન ખાતે યોજાનારા મેળાને લગતા કુલ રૂૂ.14.91 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. ગણેશોત્સવ નિમિત્તે મૂર્તિઓના વિસર્જન માટે શહેરમાં બે સ્થળોએ કૃત્રિમ કુંડ બનાવવાની દરખાસ્તને પણ બહાલી આપવામાં આવી હતી.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા સહિત કમિટીના સભ્યો અને મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જીઆઈડીસી, કામદાર કોલોની, પાણાખાણ, બેડીબંદર અને ગોમતીપુર વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે પાંચ નવા બિલ્ડીંગ બનાવવાની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.
