હવે ફરિયાદી નહીં આરોપી બનશું: મનોજ પનારા
લોકડાયરા દૂષણ, 50 હજારથી વધુ રકમ ન આપો : ટી. ડી. પટેલ
પાટીદારોએ આંદોલન કર્યુ ત્યારે તમામ સમાજને ફાયદો થયો છે: પી.ડી.કાંજિયા
મોરબીમાં છેલ્લા કેટલાક દિવસોથી દાંડિયા ક્લાસીસ નો વિરોધ ઉઠી રહ્યો છે અને ખાસ કરીને નવરાત્રિના ત્રણ ત્રણ મહિના અગાઉ ચાલતા આવા દાંડિયા ક્લાસીસમાં દીકરીઓને ભોળવીને અમુક તત્વો ખોટા રસ્તે લઈ જાય છે.જેથી તમામ દાંડિયા ક્લાસિસ નામના દૂષણો ને બંધ કરાવવા માટે પાટીદાર સમાજ દ્વારા એક ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે અને આ ઝુંબેશના ભાગરૂૂપે મોરબીમાં પાટીદાર સમાજની જન ક્રાંતિ સભા યોજાઈ હતી જેમાં પાટીદાર સમાજના આગેવાનો ઉદ્યોગપતિઓ અને તમામ પક્ષના રાજકીય નેતાઓને આગેવાનો જોડાયા હતા અને આ સાથે જ હજારોની સંખ્યામાં પાટીદારોની જનમેદની ઉમટી પડી હતી.
આ સભામાં સમગ્ર પાટીદાર સમાજ દ્વારા દાંડિયા ક્લાસિસ માં ન જવા માટે શપથ લીધા હતા અને આગામી સમયમાં મોરબીમાં ક્ધયા છાત્રાલય ખાતે ગરબા ક્લાસિસ શરૂૂ કરવામાં આવશે અને અહીં માત્ર દીકરીઓને ગરબા શીખવવામાં આવશે અને કોઈ પણ પાટીદાર સમાજના યુવક કોઈ પણ જગ્યાએ ફસાઈ ગયો હોય તો તેની મદદ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
આ તકે પાટીદાર આગેવાન મનોજ પનારાએ જણાવ્યું હતું કે મોરબીમાં દાંડિયા ક્લાસિસ સંચાલકોને પ્રેમથી સમજાવ્યા હતા પરંતુ એને સમજાવવા ગયેલા પાટીદાર આગેવાનો ને એ લોકોએ આવારા તત્વો કીધા હતા અને પોલીસ મથકે અરજી કરી હતી.અને અમને અમુક લોકોએ એવું કીધું કે તમે રોટલા પર પાટુ મારો છો ત્યારે માથામાં ધારીયું મારવાની અમારી તૈયારી છે જો અમારી દીકરી પર કોઇ આંખ ઊંચી કરી છે.સમાજના યુવાનો સૈનિકો છે તે આવશે કોઈને ત્યાં પહોંચી જવા,તોડફોડ કરવા ટાંટિયા ભાંગી નાખવા ભલે કેસ થાય જેલમાં જવું પડે કાયમી આપડે ફરિયાદી નથી બનવાનું હવે આરોપી બનીશું.અમારી પાસે ઘણા છોકરાઓ છે.કોઈ લૂખા ને એમ હોય કે ફરિયાદ કરશે અને જેલમાંથી જામીન પર છૂટી જશે તો હવે અમે ફરિયાદ નહીં કરી આરોપી બનીશું.
ત્યારે પાટીદાર આગેવાન ટી. ડી.પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દાંડિયા ક્લાસિસ વાળાએ પાટીદાર આગેવાનોને અમસાજિક તત્વો કહીને રજૂઆત કરી છે કે જબરદસ્તી થી દાંડિયા ક્લાસિસ બંધ કરાવી બાપ ની ધોરાજી ચલાવે છે તો તેને કહું છું કે આ વિસ્તાર અમારા બાપુજીનો છે અને અમારા બાપુજીની ધોરાજી જ ચાલશે.જરા પણ ઓવરટેક કરી સામે થશો તો મોરેમોરો આપી દઈશુ.આ વિસ્તારમાં અમે નક્કી કરીશું તે જ ચાલશે,અમે જે ચલાવવા માંગતા હોય તેને જ ચલાવવા દઈશું,કોઈ કહે કે ના અમે જબરદસ્તી થી ચલાવી લઈશું તો આવતા રહો અમે તૈયાર છીએ.
તેમજ લોકડાયરા ને દૂષણ ગણાવતા પાટીદાર અગ્રણી ટી.ડી. પટેલ એ કહ્યું કે લોકડાયરામાં ગમે તે ચમરબંધી કલાકાર આવે પાંચ પાંચ લાખ દેવાનું બંધ કરો 50 હજારથી એક રૂૂપિયો વધારે દેવાનો નથી.અહીં આવીને દોઢ કલાક બંબા મારીને પાંચ લાખ રૂૂપિયા લઈ જાય છે એ રૂૂપિયાનું સમાજને દાન કરો.
તેમજ મહિલાઓએ અને યુવતીઓએ પણ દાંડિયા ક્લાસિસ બંધ કરાવવા મુદે સહમતિ દર્શાવી હતી અને આવા દાંડિયા ક્લાસિસ માં ન જવા માટે તૈયારી દર્શાવી છે સાથે જ જો કોઈ લૂખા ઓ હેરાન કરે તો ઝાંસી ની રાણી ની જેમ તલવાર ઉઠાવવાની પણ તૈયારી દર્શાવી છે.
ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું કે હજારો વર્ષથી નવરાત્રી ઉજવાય છે. પણ કોઈને શીખવા જવું પડ્યું નથી. સિટીમાં આવી ગરબાની ટ્રેનિંગ લેવા જવુ શરમજનક કહેવાય. આજથી નક્કી કરો કે આપણા દીકરી – દીકરા ટ્રેનિંગ લેવા ન જાય. કોઈ પણ દુષણ હોય એમાં ક્યારેય પાછી પાની કરવાની ન હોય. લોકો જાતે જ નિયમ કરે કે તેઓ દાંડિયા રાસ ક્લાસમાં જાય જ નહીં અને ઘરે જ દીકરા દીકરીને શીખડાવે ગરબા શીખવે.
સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ પટેલે જણાવ્યું કે દાંડિયા ક્લાસિસોમાં આપણી દીકરીઓ ભોગ બને છે. પણ સામે આવતું નથી. પડદા પાછળ ગેમ રમાઈ છે. ગયા વર્ષે પણ આ મુહિમ ઉપાડી હતી. પણ લોકોની સંખ્યા ઓછી હતી. પણ હવે લોકો જાગૃત થયા છે. માતાજીના ગરબાએ આપણી સંસ્કૃતિ છે. તે મુજબ જ ધામધૂમથી પર્વ મનાવવો જોઈએ. સમાજના વડીલોએ સમજવાની જરૂૂર છે.
આપણી બહેન દીકરીઓને રાત્રે 11થી 12 વાગ્યા સુધી કોઈકના ભરોશે મુકવામાં ન આવે. સ્વૈચ્છિક નિયમ લઈએ કે મારી બહેન-દીકરીને દાંડિયા ક્લાસમાં મોકલીશું નહિ. જે શીખવાડે એ શિક્ષક હોય, પણ લાંબા વાળ અને રોમિયોગીરી કરતા હોય એ શિક્ષક નથી. તેના વિડીયો જોવો એટલે ખ્યાલ આવે કે આપણે દીકરીને ત્યાં ન મૂકાય.
સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ સુખદેવભાઈએ જણાવ્યું કે અત્યારે જે દિશામાં જઈ રહ્યા છીએ આનાથી દુ:ખ જ મળવાનું છે. દાંડિયા ક્લાસિસ બંધ કરાવતા સમાજને આવડે છે. આ લોકો સીનસપાટા નાખી દીકરીઓને ભોળવવાનો પ્રયાસ કરે છે. આપણી દીકરી ભણેલી છે.સમજણ શક્તિ વધુ છે. તેને પોતાને ક્યાં જવું અને ક્યાં ન જવું તે તેની ખબર હોવી જોઈએ. સમાજ કેટલું સારું કામ કરે છે. નાના પરિવારના લગ્ન કરાવવા હોય, તો એબીજા જ દિવસે જ કરાવી આપે છે. કરીયાવર આપે છે. આપણા સંસ્કાર અને આપણી સંસ્કૃતિ ન જાય એટલે આપણે ભેગા થયા છીએ.
આપણી દીકરીને ફસાવી દયે અને માવતરને નીચું જોવું પડે તેવું ન થવું જોઈએ. માવતરને દુ:ખ પહોંચે તેવુ કામ ન કરવા માટે દીકરીને અપીલ કરું છું.નવયુગ શૈક્ષણિક સંકુલના પી.ડી.કાંજીયાએ જણાવ્યું કે ઇતિહાસ સાક્ષી છે. જ્યારે પાટીદારોએ આંદોલન કર્યું ત્યારે ફાયદા બધાને થયા છે. અનામત તમામ સવર્ણોને મળ્યું છે. આપણે ક્યારેય કટ્ટર જ્ઞાતિવાદ થયા નથી. સર્વ સમાજને કઈકને કઈક આપવાની આપણી નીતિ છે. માત્ર દાંડિયા ક્લાસની વાત નથી. આની સાથે ઘણી વ્યથાઓ સંકળાયેલી છે એટલે આટલા લોકો ભેગા થયા છીએ. એટલે હવે આવા ક્લાસમાં જવાનું દીકરીઓ બંધ કરવુ પડશે.
આગેવાનોને લુખ્ખા કહેવાવાળાઓને મારીને આવજો, હું બેઠો છું: કાંતિલાલ અમૃતિયા
ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું કે સમાજના આગેવાનોને લુખ્ખા કહેવાવાળાઓને મારીને આવજો. હું બેઠો છું. આ વેપારીઓનું શહેર છે. ગોળ હોય ત્યાં કીડી આવે. તેઓએ કહ્યું કે મારે ગોળીથી મરવાનું છે. દવાથી નહી. આપણી દીકરી કે દીકરો ગ્રેજ્યુએટ હોય એટલે 10 વાગ્યા પછી ફોનના ગુલામ તેને થવા ન દયો. 10 વાગ્યા પછી ફોનનો કાળા કામ માટે ઉપયોગ થાય છે. મારા નંબર 98253 96544 છે. ક્યાંય કાળા કામ ચાલતા હોય મને ફોન કરજો. પોલીસ નહિ આવે તોય અમે આવીશું. અમે જાહેર જીવનમાં ભજન ગાવા નથી આવ્યા, લડવા આવ્યા છીએ. પ્રેમ લગ્ન થાય પછી થોડા સમય પછી ખબર પડે કે ફસાઈ ગઈ છું. પછી અમને રાવ આવે. તમામ સમાજે ચેતવાની જરૂૂર છે.
