અમેરિકા સ્થિત આતંકવાદી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાની યુએસ ઈમિગ્રેશન વિભાગે ધરપકડ કરી છે. તે છેલ્લા છ મહિનામાં પંજાબમાં 14 આતંકવાદી હુમલા માટે જવાબદાર હોવાનું કહેવાય છે.
સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે આ આતંકવાદી ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાંનો એક હતો અને તેના પર પાંચ લાખ રૂૂપિયાનું ઈનામ હતું. તે હાલમાં ICE (ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ) કસ્ટડીમાં છે.
સુરક્ષા દળોના સૂત્રોએ જણાવ્યું કે હેપ્પી પાસિયાએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે મળીને આતંકી હુમલા કર્યા હતા.
હેપ્પી પાસિયાએ પંજાબમાં પોલીસ મથકો પર અનેક આતંકી હુમલા કર્યા હતા અને સોશિયલ મીડિયા પર તેની જવાબદારી લીધી હતી. નવેમ્બર 2024 થી અમૃતસરમાં પોલીસ મથકોને નિશાન બનાવતા શ્રેણીબદ્ધ વિસ્ફોટો પછી સુરક્ષા એજન્સીઓએ તેને શોધવાનું શરૂૂ કર્યું હતું.