આંબેડકરનું નામ જપવાના બદલે ભગવાનનું નામ લીધું હોત તો સાત જન્મ સુધી સ્વર્ગ મળત
બંધારણ પરની ચર્ચાના જવાબમાં વિપક્ષોને આવો જવાબ આપીને ગૃહપ્રધાન સલવાયા: કોંગ્રેસ દ્વારા માફીની માગણી
બાબા સાહેબ ભીમરાવ આંબેડકર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈને મોટો રાજકીય ખળભળાટ મચી ગયો છે. રાજ્યસભામાં પોતાના ભાષણ દરમિયાન અમિત શાહે આંબેડકરના નામના ઉપયોગને ફેશન ગણાવ્યો હતો. આના પર કોંગ્રેસે શાહ પર બંધારણના નિર્માતાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે ભાજપે કોંગ્રેસ પર ક્લિપ્ડ વીડિયો શેર કરીને સસ્તી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. વિપક્ષના સાંસદોએ સંસદમાં આંબેડકરની તસવીરો લઈને શાહની માફીની માંગ કરી હતી. આ સમગ્ર મામલાએ જોર પકડ્યું છે. આજે આ મામલે સંસદમાં હોબાળો થયો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શાહનું રાજીનામું માંગ્યું છે. સંસદમાં આ મામલે ધમાલ ચાલુ રહેતા બન્ને ગૃહોની બેઠક સ્થગીત કરાઇ હતી. અગાઉ કોંગ્રેસ સાંસદ મણિકમ ટાગોરે આ મામલે લોકસભામાં ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવની નોટીસ આપી હતી.
બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર રાજ્યસભામાં ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું કે આંબેડકરનું નામ લેવું એ આજકાલ એક ફેશન બની ગઈ છે. તેમણે કહ્યું, હવે તે એક ફેશન બની ગઈ છે – આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર. જો તમે આટલું જ ભગવાનનું નામ લીધું હોત, તો તમે સાત જન્મો માટે સ્વર્ગમાં ગયા હોત. શાહે વધુમાં કહ્યું હતું કે, સો વખત તેમનું નામ લો, પણ મારે જાણવું છે કે તમને તેમના પ્રત્યે શું લાગણી છે?
તેમણે કહ્યું કે જવાહરલાલ નેહરુની સરકાર સાથે મતભેદને કારણે આંબેડકરને પહેલા કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.
શાહે કહ્યું, આંબેડકરજીએ ઘણી વખત કહ્યું હતું કે તેઓ અનુસૂચિત જાતિ અને જનજાતિને આપવામાં આવતી સારવારથી સંતુષ્ટ નથી. તેમણે એમ પણ કહ્યું કે આંબેડકર સરકારની નીતિઓ અને કલમ 370 પરના તેના વલણથી ખુશ નથી. શાહે કહ્યું, તેઓ (કેબિનેટમાંથી) રાજીનામું આપવા માગતા હતા, તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું, અને જ્યારે ખાતરી પૂરી ન થઈ ત્યારે તેઓએ રાજીનામું આપ્યું.
ગૃહમંત્રીના આ નિવેદન પર કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટોણો મારતા કહ્યું, મનુસ્મૃતિનું પાલન કરનારાઓને સ્વાભાવિક રીતે જ આંબેડકર સાથે સમસ્યા હશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ શાહ પર નિશાન સાધતા કહ્યું કે, ગૃહમંત્રી દ્વારા આજે ગૃહમાં બાબાસાહેબના અપમાનથી ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે ભાજપ-આરએસએસ તિરંગાની વિરુદ્ધ હતા.
શાહે રજુ કરેલા તથ્યોથી ડરેલી કોંગ્રેસ હવે ડોળ કરે છે: મોદીનું હલ્લાબોલ
બીઆર આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહે આપેલા નિવેદનને લઈને દેશમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દે ભાજપ પાસેથી માફી માંગે તેવી માંગ કરી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંબેડકરના મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસે આંબેડકરનું જે અપમાન કર્યું છે તેને છુપાવી શકતું નથી. એક વંશના નેતૃત્વમાં પાર્ટીએ આંબેડકરના વારસાને ભૂંસી નાખવાની ચાલ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને કોંગ્રેસે ચૂંટણીમાં પંડિત નેહરુને હરાવવા માટે ગંદી યુક્તિ રમી હતી અને તેમની હારને સંસદની પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી દીધો હતો. પીએમ મોદીએ કહ્યું, સંસદમાં, અમિત શાહે ડો. આંબેડકરનું અપમાન કરવા અને એસસી/એસટી સમુદાયોની અવગણના કરવાના કોંગ્રેસના કાળા ઈતિહાસનો પર્દાફાશ કર્યો. તેમના દ્વારા રજૂ કરાયેલા તથ્યોથી કોંગ્રેસ ડરી ગઈ છે અને તેથી હવે તે ડોળ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે શાહની આંબેડકર વિશે ટિપ્પણીઓ મામલે આજે સંસદમાં ધમાલ થઇ હતી એ પછી શાહ મોદી ઉપરાંત ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને પિયુષ ગોયેલને મળ્યા હતા.
