મોલ-વ્યાપારી સંકૂલોમાં પાર્કિંગ ફી લઇ શકાશે; હાઇકોર્ટનો ચુકાદો રદ

સુપ્રીમ કોર્ટે મોલ અને વ્યાપારી સંકુલોમાં મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ફી વસૂલવા પર ગુજરાત હાઈકોર્ટે 2019માં લગાવેલો પ્રતિબંધ રદ કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે…

સુપ્રીમ કોર્ટે મોલ અને વ્યાપારી સંકુલોમાં મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ફી વસૂલવા પર ગુજરાત હાઈકોર્ટે 2019માં લગાવેલો પ્રતિબંધ રદ કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હવે ગુજરાત સરકાર કે સક્ષમ સત્તામંડળ મોલ, વ્યાપારી સંકુલ અને અન્ય જાહેર-વ્યાપારી સ્થળોએ વાહનોના પાર્કિંગ માટે નિયમો, દર અને નીતિ નક્કી કરી શકશે.

ન્યાયમૂર્તિ સતીશ ચંદ્ર શર્મા અને ન્યાયમૂર્તિ એન. કોટિસ્વર સિંહની બેન્ચે સુરતના રાહુલ રાજ મોલ કો-ઓપરેટિવ સર્વિસ સોસાયટી લિમિટેડની અપીલ પર આ આદેશ આપ્યો છે. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે અગાઉ ચુકાવ્યું હતું કે મોલ અને અન્ય વ્યાપારી સંસ્થાઓના મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ફી લઈ શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પાર્કિંગની વ્યવસ્થા હવે અમદાવાદ પાર્કિંગ પોલિસી-2021 અને ભવિષ્યમાં સક્ષમ સત્તામંડળ દ્વારા ઘડાતી પાર્કિંગ નીતિઓ અનુસાર ચાલશે. કોર્ટે અરજદારોને 2021ની પાર્કિંગ પોલિસીનું પાલન કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

બેન્ચે નોંધ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાનૂની સત્તામંડળે વ્યાપક પાર્કિંગ નીતિ પહેલેથી જ તૈયાર કરી છે. આ વિકાસને ધ્યાનમાં લઈને હાઈકોર્ટના જૂના હુકમને યથાવત રાખવાનું કોઈ કારણ બચતું નથી. હાઈકોર્ટના 10 જુલાઈ, 2019ના હુકમથી અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં મોલ અને વ્યાપારી સંકુલો મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ફી વસૂલી શકતા ન હતા. સુપ્રીમ કોર્ટના આ નવા આદેશથી તે કાનૂની અવરોધ દૂર થયો છે. જોકે, કોર્ટે ખાનગી મોલ કે વ્યાપારી સંકુલ માટે કોઈ એકસરખો પાર્કિંગ દર નક્કી કર્યો નથી.
સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પાર્કિંગ નીતિઓ કોર્ટ સમક્ષ મૂકી હતી. આ નીતિઓ મુખ્યત્વે જાહેર સ્થળોએ પાર્કિંગને આવરી લે છે. ખાનગી મોલ અને વ્યાપારી સંકુલ માટે અલગ રાજ્યવ્યાપી નીતિ સરકારે રજૂ કરી ન હતી. તેથી આવા સ્થળોએ પાર્કિંગના દર અને શરતો સંબંધિત પોલિસી હેઠળ સક્ષમ સત્તામંડળ નક્કી કરશે.

સુરતના રાહુલ રાજ મોલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને તેની પાર્કિંગ સુવિધાને ‘પે એન્ડ પાર્ક’ તરીકે ગણાવી છે. મોલને પાર્કિંગ સુવિધા પર વાર્ષિક આશરે 4.50 લાખ રૂૂપિયાનો કર ભરવો પડે છે અને સ્ટાફ રાખવાનો ખર્ચ પણ થાય છે. તેથી મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ફી લેવાની પરવાનગી માંગી હતી અને હાઈકોર્ટના હુકમને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે સંબંધિત પાર્કિંગ નીતિઓ રેકોર્ડ પર આવી ગયા બાદ અપીલોનો નિકાલ કરી દીધો છે. હવે મોલ અને વ્યાપારી સંકુલમાં પાર્કિંગ ફી વસૂલવાનો માર્ગ ખુલ્યો છે, પરંતુ દર અને નિયમો સરકાર કે સક્ષમ સત્તામંડળની નીતિ અનુસાર જ લાગુ થશે.

સરકારે અમદાવાદ-સુરતની પોલીસી કોર્ટમાં રજૂ કરી દીધી
આ કેસમાં સરકારી પક્ષ તરફથી કોઈ રાજ્યવ્યાપી પાર્કિગ પોલિસી રજૂ ન કરાઈ. અમદાવાદ કોર્પોરેશન અને સુરત મહાનગર પાલિકાની જાહેર જગ્યા માટેની પાર્કિગ પોલિસી રજૂ કરાઈ. અન્ય વચગાળાના આદેશથી ડાયરેક્શન આપવામાં આવ્યું. આ કેસમાં સરકારે પોતાની કોઈ પાર્કિગ પોલિસી બનાવીને રજૂ ન કરી. પણ અમદાવાદ તથા સુરત મહાનગર પાલિકાની જાહેર જગ્યા માટે પાર્કિગ પોલિસી રજૂ કરી દેવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *