અકસ્માતનું એક કારણ ઓવરલોડિંગ: ચેકિંગમાં ઘટસ્ફોટ

દુર્ઘટના બાદ મનપાએ બનાવેલ કમિટીએ સિટી બસમાં ચેકિંગ કરતા એજન્સી દ્વારા નિયમોનો ઉલાળિયો થતો હોવાનું બહાર આવ્યું ઈન્દિરા સર્કલ સીટીબસ દૂર્ઘટના બાદ તંત્ર દ્વારા અનેક…

દુર્ઘટના બાદ મનપાએ બનાવેલ કમિટીએ સિટી બસમાં ચેકિંગ કરતા એજન્સી દ્વારા નિયમોનો ઉલાળિયો થતો હોવાનું બહાર આવ્યું

ઈન્દિરા સર્કલ સીટીબસ દૂર્ઘટના બાદ તંત્ર દ્વારા અનેક જાતના પગલાઓ લેવાની શરૂઆત કરવામાં આવી છે. અકસ્માતના પ્રમામો વધતા તેનું કારણ શોધવા માટે અને અકસ્માતો રોકવા મ્યુનિસિપલ કમિશનરે ડેપ્યુટી કમિશનર સહિતનાને જવાબદારી સોંપી અલગ અલગ કમીટીઓ બનાવી આજથી સીટીબસમાં ચેકીંગ કામગીરી શરૂ કરી છે. જેમાં આજે પ્રથમ દિવસે અનેક સીટી બસોમાં વધુ પેસેન્જર હોવાનું જાણવા મળ્યું છે. નિયમ મુજબ એક સીટીબસમાં 47 સીટીંગ અને 11 લોકો ઉભા રહી શકે છે આમ 58ની સામે અમુક રૂટ ઉપર 70થી વધુ પેસેન્જરો ભરીને બસો દોડતી હોવાનું જાણવા મલેલ છે. અને જેના લીધે અકસ્માતનું ઓવરલોડીંગ પણ એક કારણ હોઈ શકે છે. તેમ જાણકારો કહી રહ્યા છે.

સીટીબસ દૂર્ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનરે ડ્રાઈવરોનો ફિટનેસ ટેસ્ટ તેમજ લાયસન્સ ચકાસણી સહિતના મુદ્દે તપાસ આરંભી છે. અને સાથો સાથ ગઈકાલે મહાનગરપાલિકાના તમામ વિભાગમાં દોડતા વાહનો માટો પણ નવી ગાઈડલાઈન જાહેર કરી આ બનાવ અંતર્ગત કમિટિની રચના કરવામાં આવી છે. જેમાં ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. કમિટિએ આજે શહેરના અલગ અલગ રૂટ ઉપર દોડતી સીટીબસમાં ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. જેમાં રેવન્યુ લાયસન્સ તેમજ બસની હાલત સહિતનું ચેકીંગ કરવાની સાથો સાથ બસમાં મુસાફરોની સંખ્યા કેટલી હોવી જોઈએ તે અંગે પણ ચકાસણી કરતા અમુક બસોમાં નિયમ કરતા વધુ પેસેન્જરો હોવાનું જાણવા મળેલ છે. મનપાના ટ્રાન્સપોર્ટ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ સીટીબસમાં 47 પેસેન્જરનૂુ સીટીંગ તેમજ 11 પેસેન્જરો ઉભા રહેતા 58 પેસેન્જર ભરવાની ક્ષમતા હોય છે. જેની સામે અમુક બસોમાં 70થી વધુ પેસેન્જરો મુસાફરી કરતા હોય ઓવરલોડીંગના કારણે ડ્રાયવર દ્વારા બસના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવવો તેમજ સમયસર ઝડપી બ્રેક ન લાગવી સહિતની ઘટનાઓ બની શકે છે. આથી કંડક્ટરને સુચના આપી નિયમ મુજબના પેસન્જરો બેસાડવાના આદેશ આપવામાં આવ્યા હતાં.

મનપાના અધિકારીઓની ટીમ દ્વારા આજે અલગ અલગ રૂટ ઉપર દોડતી સીટીબસમાં ચેકીંગ કામગીરી સવારથી શરૂ કરવામાં આવી હતી. ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીઓ દ્વારા ચકાસણી હાથ ધરી રિપોર્ટ તૈયાર કરવામાં આવેલ જેમાં અકસ્માતનું એક કારણ બસમાં વધુ પેસેન્જર એટલે કે ઓવરલોડાીંગ હોવાનું જાણવા મળેલ છે. એજન્સીને નિયમ મુજબ પેસેન્જરોની ક્ષમતા જણાવવામાં આવી છે. છતાં અનેક રૂટ ઉપર વધુ પેસેન્જરો સાથે બસો દોડતી જોવા મળી હતી. જેના માટે હવે અલગથી નિયમો ઘડવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.

મુસાફરોને સમજાવવા અઘરા: કંડક્ટર
શહેરમાં દોડતી સીટી બસમાં ક્ષમતા કરતા વધુ પેસન્જરો બેસાડવામાં આવતા હોવાનું આજે ચેકીંગ દરમિયાન બહાર આવ્યું છે. ત્યારે આ મુદ્દે સીટીબસના કંડક્ટરની પુછપરછ કરતા માલુમ પડેલ કે, બસનો સ્ટોપ આવે ત્યારે દરવાજો પેસેન્જરને ઉતરવા માટે ખોલાય છે. તે સમયે બસ હાઉસ ફૂલ હોવાછતાં અનેક પોસેન્જરો બસમાં ધક્કા-મુક્કી કરીને ચડી જતાં હોય છે. તેમને સમજાવવા જતાં પેસેન્જરો કંડક્ટરો સાથે માથાકુટ કરી તમને શું તકલીફ છે. તે સહિતના શબ્દો બોલી બળજબરીથી મુસાફરી કરી રહ્યા છે. આથી આ મુદ્દે ક્યા પ્રકારના પગલાલેવામાં આવે તે અંગે તંત્ર પણ મુંજવણમાં મુકાઈ ગયું છે.

ટ્રાફિક પોલીસને નથી દેખાતી ઓવરલોડિંગ સિટી બસ
મહાનગરપાલિકા દ્વારા દોડાવવામાં આવતી 150થી વધુ સીટીબસો પૈકી અમુક લાંબા રૂટ ઉપર દોડતી બસોમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જરો મુસાફરી કરતા હોવાનું જાણવા મળેલ છે. ત્યારે શહેરભરના તમામ નાકાઓ દબાવી ઓવરલોડીંગ અને પીયુસી તથા લાયસન્સ સહિતના કેસ કરવામાં મસગુલ ટ્રાફિક પોલીસના ધ્યાને ઓવરલોડીંગ સીટીબસ કેમ નજરે આવજી નથી. તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ બાબતે ટ્રાફિક વિભાગમાં તપાસ કરતા માલુમ પડેલ કે, અત્યાર સુધીમાં ટ્રાફિક પોલીસે ઓવરલોડીંગથી દોડતી 14 સીટીબસને મેમો ફટકારી સંતોષ માની લીધો છે. આથી ઓવરલોડીંગના કિસ્સામાં ટ્રાફિક પોલીસ પણ એટલી જ જવાબદાર બને છે તેમ જાણકારો કહી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *