અનેક એજન્સીએ જીએસટી ટીપીઆઇ અને પેનેલ્ટી કાપ્યા વગર આખે આખુ બિલ મુકી દીધાનું બહાર આવ્યું
મહાનગરપાલિકાના ઓડિટ વિભાગમાં છટક બારીનો લાભ લઇ અનેક કોન્ટ્રાક્ટરો દ્વારા અગાઉ પણ ઓવર બિલ મૂકયાનું બહાર આવ્યુ છે. જેમાં તાજેતરમાં રજૂ થયેલા ઓડિટ વિભાગના આંકડા મુજબ મનપાના અલગ-અલગ વિભાગમાં થયેલા કામોના કોન્ટ્રાક્ટર દ્વારા બિલ મુકવામાં આવેલ જેમા જીએસટી, ટીપીઆઇ ચાર્જ અને પેનેલ્ટી કાપ્યા વગર બિલ મંજૂરી માટે મૂકી દેવાયા હતા. જેના લીધે ઓડિટ વિભાગે 23.06 લાખના ઓવર બિલને ના મંજૂરી કરી સુધારા વધારા અર્થે પરત મોકલી આપવામાં આવ્યા છે.
મનપાના ઓડિટ વિભાગમાં કોન્ટ્રાક્ટરો દ્વારા અનેક વખત ઓવરબિલ મુકવામાં આવે છે. ટેન્ડરોની શરત મુજબ કામ ન થયુ હોય ત્યારે કોન્ટ્રાક્ટરોને પેનેલ્ટી ફટકારવામાં આવતી હોય છે અને આ પેનેલ્ટીની રકમ બિલમાંથી કાપવામાં આવે છે. પરંતુ અમૂક કોન્ટ્રાક્ટરો દ્વારા ઓડિટ વિભાગને ધ્યાને ન આવે તો પેનેલ્ટીથી બચી જવાય તેવુ વિચારી પેનેલ્ટીની રકમ બાદ કર્યા વગરના પુરા બિલ ઓડિટ વિભાગમાં મૂકી દેવામાં આવ્યા હતા. તેવી જ રીતે અમૂક કોન્ટ્રાક્ટરો દ્વારા જીએસટી અને ટીપીઆઇ ચાર્જ દર્શાવ્યા વગરના બિલ પણ મંજૂરી અર્થે મૂકી દેતા ઓડિટ વિભાગે વોટરવર્કસ વિભાગ, બાંધકામ વિભાગ, સોલીડ વેસ્ટ વિભાગ, ચૂંટણી શાખા, હિસાબી વિભાગ, આરોગ્ય વિભાગ અને ગાર્ડન વિભાગ સહિતના વિભાગોમાં થયેલ કામગીરીના રૂા.2306848 રૂપિયાના બિલ ના મંજૂરી કરી સુધારા વધારા સાથે નિયમ મુજબ બિલ રજૂ કરવાની સૂચના આપી તમામ બિલ પરત મોકલવામાં આવ્યા છે.
ઓડિટ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ દર ત્રણ માસ દરમિયાન સત્તાધીશોેને ઓડિટ રીપોર્ટ રજૂ કરવામાં આવતો હોય છે. જેમાં દર વખતે કોન્ટ્રાક્ટરો દ્વારા મોકવામાં આવેલા ઓવર બિલીંગની રકમ દર્શાવવામાં આવે છે. અને અનેક કોન્ટ્રાક્ટરોને પરત બિલ મોકવામાં આવી રહ્યા છે. છતાં આજે પણ નિયત કપાત કર્યા વગરના બિલ ઓડિટ વિભાગમાં મોકલી સમય બરબાદ કરવામાં આવી રહ્યો છે.
