ભાજપમાં ભડકો ; અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટતાં મોવડી મંડળ એલર્ટ

રાજીનામાં-પક્ષ પલ્ટા-આક્ષેપોનો મારો શરૂ, નારાજગીની અસર પરિણામો પર ન પડે તે માટે તમામ પક્ષો એક્શનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસમાં અસંતોષનો પડઘો…

રાજીનામાં-પક્ષ પલ્ટા-આક્ષેપોનો મારો શરૂ, નારાજગીની અસર પરિણામો પર ન પડે તે માટે તમામ પક્ષો એક્શનમાં

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસમાં અસંતોષનો પડઘો જોવા મળી રહ્યો છે. ટિકિટ ન મળતા મોટી સંખ્યામાં કાર્યકરોએ અપક્ષ ઝુકાવતા ભાજપ મવડી મંડળમાં િચિંતાનો માહોલ છવાયો છે. આજે ચકાસણી અને કાલે ફોર્મ પરત ખેંચવાના દિવસ બાદ ચિત્ર સ્પષ્ટ થશે.

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા અને તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણી માટે કોને ટિકિટ મળી, કેટલાએ ફોર્મ ભર્યા તેનું ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે. કુલ મળીને 5909 ઉમેદવારોએ ફોર્મ ભરી ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે, આ બાદ રાજકીય હુંસાતુંસી જોવા મળી છે. ઉમેદવારોમાં અપક્ષ ઉમેદવારોનું પ્રમાણ વધુ જોવા મળ્યું, જેઓએ ભાજપ-કોંગ્રેસની ટીકીટ ન મળતાં અપક્ષ તરીકે દાવેદારી નોંધાવી છે. હવે કોણ ફોર્મ પરત ખેંચશે, તે જોવું રહ્યું. આજે ફોર્મની ચકાસણી થશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ન મળતાં ભાજપ અને કોં

ગ્રેસ બંને પક્ષે અસંતોષ વકર્યો છે. આ કારણે અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. જેથી હવે ફોર્મ પરત ખેંચાવવા માટે રાજકીય કાવાદાવા શરૂૂ થયા છે. સૌથી મોટો અસંતોષ ભાજપમાં જ જોવા મળ્યો છે.

ઉમેદવારોના નામ જાહેર કરાયાં બાદ ભાજપમાં અસંતોષ ભભૂક્યો છે. કાર્યકરો આક્ષેપ કરી રહ્યાં છે કે, ટિકિટ પસંદગીમાં પ્રદેશ નેતાગીરીએ નિયમો નેવે મૂક્યાં છે. બધા નિયમો માત્ર કાગળ પર રહ્યાં હોય તેવું લાગે છે. સંનિષ્ઠ વફાદાર કાર્યકરો ટિકીટથી વંચિત રહ્યાં છે, તો માનીતા ફાવી ગયા છે તેવો બળાપો ઠાલવી રહ્યાં છે. સૌથી મોટો અપસેટ જેતપુરમાં સર્જાયો છે. પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાએ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટે ખેલ પડ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

પ્રશાંત કોરાટના કહેવાથી ટિકિટ કાપી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, જયેશ રાદડિયા અને સુરેશ સખરેલીયાને નીચા દેખાડવા માટે પ્રયાસ કર્યો છે. સમયે આવ્યે જવાબ આપીશું. આમ, જેતપુરમાં ભાજપ પાર્ટીને પતાવવા માટે ખેલ પાડ્યો હોવાનો આક્ષેપ, અને પ્રશાંત કોરાટ વિરુદ્ધ પાર્ટીમાં ફરિયાદ કરશે તેવી ચીમકી આપી. જેતપુર ભાજપમાં અંદર ખાને જૂથવાદ જોવા મળતા જયેશ રાદડિયાએ ડેમેજ કંટ્રોલ કર્યું હતું. પૂર્વ સુરેશ સખરેલીયાને મનાવવા જયેશ રાદડિયાએ બંધ બારણે બેઠક કરી હતી. પૂર્વ પ્રમુખની ટીકીટ કપાતા મેન્ડેટ મળેલ 42 ઉમેદવારો પૂર્વ પ્રમુખને સમર્થન જાહેર કર્યું હતું. 42 ઉમેદવારોએ સમર્થન જાહેર કરી ઉમેદવારી પરત ખેંચવાની ચીમકી આપી હતી. ઉમેદવારીપત્ર ભરનાર તમામ ઉમેદવારો ચૂંટણી લડશે

અમરેલીમાં રાજીનામા પડ્યા
અમરેલીના લાઠી શહેર યુવા ભાજપ મોરચાના ઉપપ્રમુખ વિજય બાખલકીયાનું ભાજપના પ્રાથમિક સભ્ય અને સક્રિય સભ્યએથી રાજીનામુ આપ્યું. વોર્ડ નંબર ચારમાંથી ભાજપની ગાઈડલાઈન મુજબ સક્રિય કાર્યકર હોવા છતાં ટિકિટ ન મળતા રાજીનામું આપ્યાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. વિજય બાખલકીયા 2017 માં લાઠી માર્કેટિંગ યાર્ડમાં વેપારી પેનલમાં બિન હરીફ ચૂંટાયા હતા. 2012 થી ભાજપમાં પ્રાથમિક સભ્ય 2017- 18 થી સક્રિય સભ્ય છે. 2021 થી લાઠી શહેર યુવા ભાજપના ઉપપ્રમુખ પદે છે.

ધરમપુરમાં પણ રાજીનામું
ધરમપુર નગરપાલિકાની ચૂંટણીમાં અંતિમ દિવસે રસાકસી જોવા મળી. ટિકિટ ન મળતા ધરમપુર શહેરના વોર્ડ નંબર 5 ના પૂર્વ ભાજપ સભ્ય સંકુતલાબેન મહેન્દ્રભાઈ પટેલે ભાજપમાંથી રાજુનામું આપ્યું. રાજીનામુ આપ્યા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસમાં જોડાયા બાદ ધરમપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5 માંથી ટિકિટ મળતા ઉમેદવારી નોંધાવી. આમ, આ ઉમેદવારી નોંધાવતા ધરમપુરનું રાજકારણ ગરમાયું.

જુનાગઢમાં પણ રાજકારણ
જુનાગઢ કોંગ્રેસના અસંતુષ્ટ ઉમેદવારે આપમાંથી ફોર્મ ભર્યું. વોર્ડ નં 8 કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રજાક હાલાએ કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા રાજીનામું આપ્યું. અને આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરી દાવેદારી કરી છે. સાથે જ તેમણે કોંગ્રેસના શહેર પ્રમુખ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પૈસા લઈ ટિકિટ વેચતા હોવાનો આક્ષેપ મૂક્યો છે. મોટી સંખ્યામાં ટેકેદારો સાથે ફોર્મ ભર્યું છે. ટિકિટની વહેચણી પછી ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્ર સુધી ભાજપ નારાજગી પ્રવર્તી રહી છે. તેનુ કારણ ભાજપની જ પોતાની બનાવેલી પોલિસી છે. પાલિકા-પંચાયતની ચૂંટણીમાં 60 થી વધુ વય હોય, બે ટર્મથી વધુ વખત ચૂંટાયા હોય તેને ટિકિટ ન આપવી, તેવું પાર્ટીએ નક્કી કર્યું હતું.

પરંતું હવે જે રીતે ઉમેદવારો જાહેર કર્યા તે જોતા પોતાના જ નિયમો ભાજપે નેવે મૂક્યા હોય તેવુ દેખાઈ રહ્યું છે. નો રિપિટ થિયરી નામ પુરતી રહી છે. કેટલાંયને રિપિટ કરાયા છે. જેથી આંતરિક અસંતોષ ફેલાયો છે. કેટલાક શહેરોમાં નેતાઓ કહી રહ્યાં છે કે, પરસેવો પાડનારા કાર્યકરો કોરાણે મૂકાયા છે જ્યારે રાજકીય વગ ધરાવનારાંને ટિકિટ અપાઈ છે. સારા નહી પણ માનીતાની નીતિ અપનાવાઈ છે. આ જોતા ભાજપમાં ભડકો થયો છે. આ જ કારણ છે કે, ભાજપના જ દાવેદારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અને ભાજપને હરાવવા ચૂંટણી મેદાને પડયાં છે. હવે ડેમેજ કંટ્રોલ કરવું ભાજપ માટે જ મુશ્કેલ બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *