સંગઠિત ગુનાખોરી અને મિલકત જપ્તીના કાયદા વધુ કડક બનાવાશે

વિધાનસભાના સોમવારથી શરૂ થતા સત્રમાં રજૂ થશે અગત્યના બિલ ગેરકાયદે જમીન વેંચાણ અને કબજા રોકવા કરાશે સુધારા, કલેક્ટરોને વધુ સત્તા અપાશે ગુજરાતમાં આગામી સોમવારથી વિધાનસભાનું…

વિધાનસભાના સોમવારથી શરૂ થતા સત્રમાં રજૂ થશે અગત્યના બિલ

ગેરકાયદે જમીન વેંચાણ અને કબજા રોકવા કરાશે સુધારા, કલેક્ટરોને વધુ સત્તા અપાશે

ગુજરાતમાં આગામી સોમવારથી વિધાનસભાનું સત્ર શરૂ થનાર છે. ત્યારે રાજ્ય સરકાર સંગઠીત ગુનેગારો અને ભૂમાફિયાઓ સામે કાયદાનો સિકંજો વધુ મજબુત બનાવવા કાયદામાં કડક સુધારા માટે બિલ લાવનાર હોવાનુ જાણવા મળે છે.

ખાસ કરીતે સાયબર ફ્રોડ આચરતી ગેંગ સામે કડક કાયદાકીય જોગવાઇઓ કરવામાં આવનાર છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઘરખેડ એકટ અને ગણોત વહીવટ પતાવટ ધારામાં ફેરફારો કરવામાં આવનાર છે. જે મુજબ સતા પ્રકારની તબદિલી અથવા સંપાદન ગેર કાયદેસર હોય તેવી જમીનોના નિકાલ કરવા માટે કલેક્ટરોને સતા આપવામાં આવશે.

બિન ખાતેદારોએ ખરીદેલી જમીનમાં હવે રાજ્ય સરકાર જમીન પાછી લઇ શકે તેવી જોગવાઇ કરવામાં આવી છે. આવા કિસ્સામાં જમીન તબદિલી કરનાર અને ખરીદનાર અથવા સંપાદિત કરનાર વ્યક્તિને કારણ દર્શક નોટિસ આપવામાં આવશે અને જમીન વ્યવહાર કાયદેસર છે કે નહીં તેનો નિર્ણય કર્યા બાદ જો જમીન વેંચાણ ગેરકાયદેસર હોવાનુ કલેક્ટર જાહેર કરશે સિવાય કે આવા વેંચાણમાં પક્ષકારો ત્રણ મહિનામાં જમીન જે સ્થિતિમાં હોય તે સ્થિતિ પુન: સ્થાપિત કરવી પડશે. આ માટે મુળ ખાતેદારે જંત્રીનો 3 ગણો દંડ વસુલવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ગુનાખોરીના નવા નેટવર્ક, સાયબર માધ્યમ અને ગેંગ આધારિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને સંગઠિત ગુનાની વ્યાખ્યા વધુ સ્પષ્ટ અને વ્યાપક બનાવવામાં આવશે. ખાસ કરીને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટને કાનૂની રીતે ઝડપી રીતે કાબૂમાં લેવા માટે જેલવાસની જોગવાઈઓ અને ગેરકાયદે સંપત્તિ જપ્ત કરવાની કલમો વધુ કડક બનાવવામાં આવશે.

સુધારા વિધેયકનો હેતુ માત્ર દંડાત્મક જ નહીં, પરંતુ નાણાકીય નેટવર્કને તોડી પાડવાનો છે, જેથી ગુનાખોરીના માળખાને મૂળથી નાબૂદ કરી શકાય. ગૃહ વિભાગના અધિકારીઓ માને છે કે કડક જોગવાઈઓથી સંગઠિત ગુનાખોરીના ગેંગ પર અસરકારક નિયંત્રણ શક્ય બનશે.

રાજ્ય સરકાર ગેરકાયદે જમીન વેચાણ અને ભોગવટાને રોકવા માટે ‘ગુજરાત સુધારા વિધેયક-2026’ પણ વિધાનસભામાં લાવશે. ખાસ કરીને ગણોતધારા અને સૌરાષ્ટ્ર ઘરખેડ નિયમ હેઠળની જમીનોમાં ગેરરીતિ અટકાવવા આ કાયદો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવા વિધેયક મુજબ જિલ્લા કલેક્ટરને વિશેષ સત્તાઓ આપવામાં આવશે. જો તપાસમાં જમીન તબદીલી ગેરકાયદે સાબિત થાય તો નોટિસ મળ્યાના એક મહિનામાં જમીન મૂળ માલિકને પરત સોંપવી ફરજિયાત રહેશે.

કઇ કઇ જોગવાઇ કરાશે ?
ગેરકાયદે જમીન પચાવી પાડનાર વ્યક્તિ પાસેથી જંત્રીની કિંમતના 3 ગણા રકમનો દંડ વસૂલવામાં આવશે.
નિર્ધારિત સમયમાં કબજો ખાલી નહીં કરવામાં આવે તો સરકાર સીધો કબજો સંભાળી લેશે.
ગેરકાયદે જમીન પર દાખલ લોન કે અન્ય બોજાને સરકાર અમાન્ય જાહેર કરી શકશે.
સરકાર માને છે કે આ કડક જોગવાઈઓથી જમીન માફિયાઓ પર અસરકારક અંકુશ આવશે અને મૂળ જમીન માલિકોના હકોનું રક્ષણ થશે.
આ રીતે આતંકવાદ-સંગઠિત ગુનાખોરી અને ગેરકાયદે જમીન વ્યવહારો સામે રાજ્ય સરકાર ડબલ એક્શન મૂડમાં દેખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *