ભારતની તટસ્થ રાષ્ટ્ર તરીકેની પ્રતિભા છેક જવાહરલાલ નહેરૂની બિન જોડાણવાદી નીતિથી ચાલી આવે છે, અને આજે પણ એ નીતિના પડછાયામાં ભારત ઉભું છે. ગુજરાતીમાં કહેવત છે કે, વાર્યા ના વળે એ હાર્યા વળે ને ઈરાન-અમેરિકા યુદ્ધમાં આ કહેવત સાચી પડી રહી હોય એવું લાગી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને આખી દુનિયાએ ઈરાન પર હુમલો નહીં કરવા બહુ વારેલા પણ ટ્રમ્પ હાથ નહોતા મૂકવા દેતા. હવે ઈરાન પરના હુમલાના મહિના પછી ટ્રમ્પ ઢીલા પડી રહ્યા છે ને ઈરાન સાથે સમાધાન માટે ફાંફાં મારી રહ્યા છે. આ ફાંફાંના ભાગરૂૂપે ટ્રમ્પે પહેલાં પાંચ દિવસ માટે ઈરાનના ક્રૂડ ભંડારો પર હુમલા નહીં કરવાનું એલાન કરેલું. હવે ટ્રમ્પે આ મુદત 10 દિવસ માટે વધારીને 6 એપ્રિલ સુધીની કરી છે.
ટ્રમ્પ ઢીલા પડ્યા છે તેનું કારણ એ છે કે, ઈરાન મચક નથી આપી રહ્યું. જો કે ટ્રમ્પે પડ્યા પછીય ટંગડી ઊંચી રાખતાં કહ્યું છે કે, પોતે ઈરાનની વિનંતીથી આ નિર્ણય લીધો છે. ઈરાન આ વાતને નકારે છે, બલકે અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટોને પણ નકારે છે પણ ટ્રમ્પ આ વાજુ વગાડ્યા કરે છે. આપણને તેની સામે વાંધો નથી કેમ કે યુદ્ધ રોકાય એ દુનિયાના ફાયદામાં જ છે. અમેરિકા ઢીલ મૂકે એ દુનિયાના ફાયદામાં છે ને તેનું ટ્રેલર ટ્રમ્પે ઈરાનના ક્રૂડ ઓઈલના ભંડારો પર હુમલા નહીં કરવાની સમયમર્યાદા 10 દિવસ લંબાવી કે તરત જોવા મળી ગયું. ટ્રમ્પની જાહેરાત થઈ કે તરત વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં ઘટાડો થઈ ગયો. બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 1.5 ટકા ઘટીને પ્રતિ બેરલ 93 ડોલરની નજીક પહોંચી ગઈ જ્યારે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડની કિંમત 1.8 ટકા ઘટીને પ્રતિ બેરલ 106 ડોલરની આસપાસ થઈ ગઈ.
ભારત પોતાની પેટ્રોલ-ડીઝલની જરૂૂરીયાત માટે બ્રેન્ટ ક્રૂડ ખરીદે છે તેથી આ ઘટાડો ભારત માટે ફાયદાકારક છે. ટ્રમ્પનો યુદ્ધવિરામ હજુ 10 દિવસ રહેવાનો છે એ જોતાં હજુ પણ ક્રૂડના ભાવ ઘટી શકે છે. તકલીફ એ છે કે, આ વાત ડોનલ્ડ ટ્રમ્પને સમજાતી નથી ને કોઈ આ વાત તેને સમજાવી શકતું નથી. દુનિયામાં શાંતિ જાળવી રાખવા માટે યુનાઈટેડ નેશન્સ (યુએન) સહિતની સંસ્થાઓ કામ કરે છે પણ યુએન કશું નથી કરી રહી. યુએન અમેરિકાની આંગળિયાત સંસ્થા છે ને અમેરિકાના પીહુ તેમાં હોય છે તેથી એ કશું કરે એવી આશા હતી જ નહીં પણ માનો કે યુએન કશું કરવાની પહેલ કરે તો પણ ટ્રમ્પ તેની વાત માને એ વાતમાં માલ નહોતો. ઈરાનને પાઠ ભણાવવાની સનક ટ્રમ્પના માથા પર ઝનૂનની હદે સવાર થઈ ગઈ છે તેથી ટ્રમ્પ કોઈનું સાંભળતા જ નહોતા પણ યુદ્ધ લંબાયું તેમાં ટ્રમ્પની ફેં ફાટી ગઈ ને એ બહાર નિકળવાનાં બહાનાં શોધે છે એ સારી વાત છે.
નરેન્દ્ર મોદી ભારતને વિશ્વગુરુ કહેવડાવે છે ને મોદી માટે અત્યારે સુવર્ણ તક છે. ટ્રમ્પ મોદીના મિત્ર છે ને ઈરાન ભારતનું મિત્ર રાષ્ટ્ર છે તેથી ભારતની વાત બંને સાંભળશે. ઈરાને ભારતનાં જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપીને સત્તાવાર રીતે મિત્ર દેશ તરીકે સ્વીકાર કર્યો છે તેથી ઈરાન ભારતની વાત પર વિચાર કરી શકે. ડીયર ફ્રેન્ડ ટ્રમ્પની મોદીની વાતો સાંભળી સાંભળીને તો આ દેશની એક આખી પેઢી મોટી થઈ ગઈ એ જોતાં મોદી ટ્રમ્પ પર પણ દબાણ લાવી શકે છે. ટૂંકમાં ભારત અને નરેન્દ્ર મોદી બંને માટે અત્યારે દોડવું તુ ને ઢાળ મળ્યો એવો ઘાટ છે. બંનેએ એકબીજા સામે મૂકેલી ઢગલો શરતોમાંથી વાજબી શરતો માનવા બંને પર દબાણ લાવીને અમેરિકા ને ઈરાન વચ્ચે સમાધાન કરાવીને મોદીએ ભારત સાચા અર્થમાં વિશ્વગુરુ બની ગયું છે એ સાબિત કરવું જોઈએ. વિપક્ષો કટાક્ષ કરે છે કે, મોદી ભારતને વિશ્વગુરુ ગણાવે છે પણ ચેલા કોણ છે ? મોદીએ સાબિત કરવું જોઈએ કે, ભારત પાસે ચેલા પણ છે ને ભારત વિશ્વગુરુ પણ છે.
