રેસ્કયુ ઓપરેશન હિમસેતુ ચાલુ : સૈન્યની મદદથી માંડ 135 યાત્રિકો ઉગારાયા
ઉત્તર સિક્કિમમાં અનેક ભૂસ્ખલનને કારણે રોડ સંપર્ક તૂટી ગયો છે, ત્યાં સેના દ્વારા કુલ 135 ફસાયેલા પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે, એમ અધિકારીઓએ આજે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે લાચેનમાં લગભગ 1,000 પ્રવાસીઓ ફસાયેલા છે, જેમને વહેલી તકે બચાવવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે. ભારે હિમવર્ષા વચ્ચે પૂર્વીય કમાન્ડ હેઠળ ત્રિશક્તિ કોર્પ્સ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, એમ તેમણે ઉમેર્યું.
ભુસ્ખલનને કારણે પ્રકૃતિના અત્યંત રળિયામણા પ્રદેશ લાચેન અને ચુંગથાનગ વચ્ચેનો વ્યવહાર સંપૂર્ણ ખોરવાઇ ગયો છે. આ પ્રદેશ વસંત-ગ્રીષ્મ ઋતુમાં ફુલો અને પતંગીયાઓના પ્રદેશ તરીકે વિશ્ર્વવિખ્યાત હોવાથી આ મોસમમાં સંખ્યાબંધ પ્રવાસીઓ આવે છે જે સિક્કીમના અર્થતંત્રમાં મહત્વનુ પ્રવાસન યોગદાન આપે છે. હજુ મોટાભાગના પ્રવાસીઓ ફસાયેલા હોવાથી બહુ સંખ્યા કુમક મોકલીને ભારતીય સેનાએ મોટુ ઓપરેશન હિમસેતુ ચાલુ કરવું પડયું છે. ફસાયેલા પ્રવાસીઓ પર હજુ બરફવર્ષાના નવા જોખમ તલવારની જેમ લટકે છે.
