ગોંડલના મોવિયા ગામે રહી મજુરી કામ કરતાં બે શ્રમિક યુવાનો બાઈક લઈ ગામમાં આંટો મારવા નીકળ્યા હતાં ત્યારે છકડો રીક્ષાના ચાલક બાઈકને ઠોકરે ચડાવતાં બન્ને યુવાનોને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. જેમાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય યુવાનનો પગ કપાઈ ગયો હોય તેને ગંભીર હાલતમાં સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, મોવિયા ગામે દુર્લભભાઈ પટેલની વાડીમાં મજુરી કામ કરતાં દિલીપ મંગાભાઈ ડામોર (ઉ.વ.22) અને આકાશ રણસિંહ ડામોર (ઉ.18) નામના બન્ને મિત્રો ગત રાત્રે બાઈક લઈ ગામમાં આંટો મારવા નીકળ્યા હતાં. દરમિયાન મોવિયા અને ગોવિંદનગર વચ્ચે પહોંચતાં છકડો રીક્ષાના ચાલકે બાઈકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બન્ને યુવાનોને ગંભીર ઈજા થતાં સારવાર માટે પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જેમાં ગંભીર રીતે ઘવાયેલા આકાશ ડામોરનું રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત દિલીપનો પગ કપાઈ ગયો હોવાથી તેને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યો હતો.
આ અંગે ગોંડલ તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જનાર રીક્ષા ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક આકાશ બે ભાઈ એક બહેનમાં મોટો અને મુળ મધ્યપ્રદેશનો વતની હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરપ્રાંતિય પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
