સરકારી સ્ટાફ માટે અઠવાડિયામાં એક દિવસ ‘નો મોટર વ્હિકલ-ડે’

કર્મચારીઓ-અધિકારીઓને પગપાળા કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા રાજ્યપાલની સૂચના દરેક કલેકટર-મ્યુનિસિપલ કમિશનરને માસિક અહેવાલ પણ મોકલવા તાકીદ વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ બચાવવા કરેલી અપીલના પગલે…

કર્મચારીઓ-અધિકારીઓને પગપાળા કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા રાજ્યપાલની સૂચના

દરેક કલેકટર-મ્યુનિસિપલ કમિશનરને માસિક અહેવાલ પણ મોકલવા તાકીદ

વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ બચાવવા કરેલી અપીલના પગલે ગુજરાત સરકારના મુખ્યમંત્રી સહિતના પ્રધાનોએ વાહનોના કાફલાનો ત્યાગ કર્યા બાદ હવે રાજ્યપાલે તમામ સરકારી કર્મચારીઓ-અધિકારીઓ માટે અઠવાડિયામાં એક દિવસ ‘નો મોટર વ્હીકલ ડે’ પાળવા સુચના આપી છે અને દરેક જિલ્લા કલેકટર તથા મ્યુનિ.કમિશનરને આ સુચનાના અમલ અંગે માસિક અહેવાલ મોકલવા તાકીદ કરી છે.

દેશમાં પેટ્રોલ-ડિઝલના વધતા વપરાશ અને વિદેશી આયાતના ભાર વચ્ચે હવે ગુજરાત સરકાર ઇંધણ બચત માટે એક્શન મોડમાં આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશ્નરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને મહત્વપૂર્ણ પત્ર લખી રાજ્યભરમાં ગ્રીન અભિયાનને વેગ આપવા માટે રાજ્યપાલે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, વિદેશથી આયાત થતા પેટ્રોલ અને ડિઝલના કારણે દેશના અર્થતંત્ર પર વધતો બોજ ઘટાડવા માટે ઇંધણ વપરાશમાં કરકસર અનિવાર્ય બની છે. આ સંદર્ભમાં વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી અપીલને ધ્યાનમાં રાખી રાજ્યપાલે જાતે પણ કેટલાક સંકલ્પો અપનાવ્યા હોવાનું જણાવ્યું છે.

રાજ્યપાલે પોતાના પ્રવાસોમાં વિમાન અને હેલિકોપ્ટરની જગ્યાએ જાહેર વાહનવ્યવહારનો ઉપયોગ વધારવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત લોકભવનના તમામ કર્મયોગીઓ અઠવાડિયામાં એક દિવસ પગપાળા, સાઇકલ અથવા જાહેર વાહનવ્યવહારથી કચેરીએ આવે તેવો નિર્ધાર પણ કરવામાં આવ્યો છે.

રાજ્યપાલે તમામ સરકારી કચેરીઓમાં કર્મચારીઓને સાઇકલ, પગપાળા અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા જણાવ્યું છે. સાથે જ અઠવાડિયામાં એક દિવસ ‘નો મોટર વ્હિકલ ડે’ તરીકે નિષ્ઠાપૂર્વક પાળવાની પણ અપીલ કરવામાં આવી છે.

પત્રમાં વધુમાં જણાવાયું છે કે, કાર પૂલિંગનો ઉપયોગ, મિટિંગ માટે વિડિયો કોન્ફરન્સિંગ અને બિનજરૂૂરી પ્રવાસ ટાળવા જેવા ઉપાયો દ્વારા પણ મોટા પ્રમાણમાં ઇંધણ બચાવી શકાય છે. રાજ્યપાલે કલેક્ટર અને મનપાના કમિશ્નરોને પોતાના વિસ્તારમાં ઇંધણ બચત માટે લેવાયેલા પગલાં અને તેની અસર અંગે માસિક અહેવાલ મોકલવા પણ જણાવ્યું છે. સરકાર માને છે કે, આ અભિયાનથી યુવાઓમાં રાષ્ટ્રભાવના સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ મજબૂત બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *