યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ જામનગર શહેર દ્વારા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર પાઠવી બીએએમએસ વર્ષ-3ના શલ્ય તંત્ર વિષયની પરીક્ષા પહેલાં પ્રશ્નપત્રના મુદ્દાઓ વોટ્સએપ પર વાયરલ થયાના આક્ષેપની ઉચ્ચસ્તરીય અને પારદર્શક તપાસ કરવાની માંગ કરી છે. સંગઠનોએ આ ઘટનાને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેના ગંભીર ચેડાં તરીકે ગણાવ્યો છે.
આવેદનમાં જણાવાયું છે કે તા. 20 જુલાઈ, 2026ના રોજ લેખિત ફરિયાદ મળ્યા બાદ પણ યુનિવર્સિટી તરફથી હજુ સુધી તપાસ કે કાર્યવાહી અંગે કોઈ સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નથી. આ વિલંબ અંગે સ્પષ્ટતા કરવાની પણ માંગ કરવામાં આવી છે.
યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈએ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા અધિકારી, કર્મચારી અથવા અન્ય કોઈ વ્યક્તિ જવાબદાર જણાય તો તેમની સામે ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2023 હેઠળ તાત્કાલિક ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સાથે જ ઉચ્ચસ્તરીય નિષ્પક્ષ તપાસ સમિતિની રચના કરી સાત દિવસમાં જાહેર અહેવાલ રજૂ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે પેપર લીકની ઘટનાથી પ્રમાણિક વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાથી પુન:પરીક્ષા અથવા અન્ય યોગ્ય નિર્ણય લઈ વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે. સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ આવેદન યુવક કોંગ્રેસ જામનગર શહેરના પ્રમુખ મહિપાલસિંહ એ. જાડેજા (ડાડા) તથા એનએસયુઆઈ જામનગર શહેરના પ્રમુખ રવિરાજસિંહ વી. ગોહિલના હસ્તાક્ષરથી આપવામાં આવ્યું છે.
