હવે મિડલ-ઇસ્ટમાં સુવર્ણ યુગની શરૂઆત : વિનાશ વિખેરાયો : ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક તણાવમાં એકાએક વિરામ આવ્યો છે. જે ટ્રમ્પ થોડા કલાકો પહેલા ઈરાનને નકશા પરથી ભૂંસી નાખવાની ધમકી આપી રહ્યા…

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક તણાવમાં એકાએક વિરામ આવ્યો છે. જે ટ્રમ્પ થોડા કલાકો પહેલા ઈરાનને નકશા પરથી ભૂંસી નાખવાની ધમકી આપી રહ્યા હતા, તે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે મધ્ય પૂર્વમાં “સુવર્ણ યુગ” આવવાની વાતો કરી રહ્યા છે. ઈરાન સાથેના યુદ્ધવિરામ કરાર બાદ ટ્રમ્પે કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ આખા વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે.

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ટ્રુથ સોશિયલ’ પર અત્યંત ઉત્સાહ સાથે લખ્યું કે, “આજે વિશ્વ શાંતિ માટે એક મોટો દિવસ છે!” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માત્ર અમેરિકા જ નહીં, પણ ઈરાન પોતે પણ હવે યુદ્ધથી કંટાળી ગયું છે અને શાંતિ ઈચ્છે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દુનિયા એક મોટા પરમાણુ યુદ્ધના ભય નીચે જીવી રહી હતી.

ટ્રમ્પના મતે, આ કરારનો સૌથી મોટો ફાયદો વૈશ્વિક વેપારને થશે. હોર્મુઝ સ્ટ્રેટ, જે વિશ્વના તેલ પરિવહન માટે અત્યંત મહત્વનું છે, ત્યાં જહાજોની અવરજવર ફરીથી સામાન્ય કરવામાં અમેરિકા મદદ કરશે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે આ માર્ગ ખુલતાની સાથે જ મોટી આર્થિક તકો ઊભી થશે અને ઘણા દેશો આમાંથી અધધ કમાણી કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકા માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ વેપારમાં પણ સહભાગી બનશે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે ટ્રમ્પે ઈરાનના પુન:નિર્માણ માટે મદદની તૈયારી દર્શાવી છે. તેમણે લખ્યું, “ઈરાન હવે તેનું પુન:નિર્માણ શરૂૂ કરી શકે છે. અમે જરૂૂરી સામગ્રી અને સંસાધનો સાથે ત્યાં હાજર રહીશું જેથી બધું સુવ્યવસ્થિત રીતે ચાલે.” જે દેશને પાષાણ યુગમાં ધકેલવાની ચેતવણી અપાઈ હતી, તે દેશના વિકાસમાં ભાગીદાર બનવાની ટ્રમ્પની વાત એક મોટો રાજદ્વારી યુ-ટર્ન માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *