હવે સંઘ વડા ભાગવત કહે એમ સાવરકર માટે ભારતરત્ન ઝુંબેશ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે વિનાયક દામોદર સાવરકરને ભારતરત્ન આપવાની માગણી કરી એ સાથે સાવરકર અને ભારતરત્ન બંને ફરી ચર્ચામાં છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને…

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે વિનાયક દામોદર સાવરકરને ભારતરત્ન આપવાની માગણી કરી એ સાથે સાવરકર અને ભારતરત્ન બંને ફરી ચર્ચામાં છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ગયા વર્ષે 100 વર્ષ પૂરાં થયાં તેની એક વરસથી ઉજવણી ચાલી રહી છે.આ ઉજવણીના ભાગરૂૂપે મુંબઈમાં ‘સંઘ યાત્રાના 100 વર્ષ નવી ક્ષિતિજો’ કાર્યક્રમમાં મોહન ભાગવતે સળંગ બે દિવસ ભાષણબાજી કરી. આ ભાષણબાજીમાં ભાગવતે નરેન્દ્ર મોદીનાં વખાણ કરીને તેમને મજબૂત નેતા ગણાવ્યા તો ધર્માંતરણ, ઘૂસણખોરી અને નીચો જન્મદર વસતી અસંતુલનનાં મુખ્ય ત્રણ પરિબળો છે એવું જાહેર કરીને દરેક હિંદુ પરિવારને ત્રણ છોકરાં પેદા કરવાની વણમાગી સલાહ પણ આપી દીધી.

ભાગવતે છેલ્લાં કેટલાંક વરસોથી કહેવાતા હિંદુવાદીઓના લાડકા વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાની માગ છેડીને ફરી રાજકીય વિવાદ છેડી દીધો. સાવરકરને ભારતરત્ન આપવાની માગ ભાજપ અને કહેવાતાં હિંદુવાદી સંગઠનોના નેતા છાસવારે ઉઠાવ્યા કરે છે તેથી ભાગવતે કોઈ નવી વાત નથી કરી પણ આ માગણીએ કહેવાતા હિંદુવાદીઓ આ દેશના યુવાનો સામે કેવા બોદા આદર્શો મૂકી રહ્યા છે એ ફરી છતું કર્યું છે.ભાગવતના કહેવા પ્રમાણે, સાવરકરને ભારતરત્નથી સમ્માનિત કરવાથી આ પુરસ્કારની પ્રતિષ્ઠા વધશે કેમ કે સાવરકર મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા. ભાગવતની ટિપ્પણી સામે કોંગ્રેસ સહિતના વિપક્ષો ઉકળ્યા છે ને એક નેતાએ તો એવી ટિપ્પણી કરી કે, સાવરકરને ખરેખર તો યુકેની સરકારે બ્રિટિશ રત્ન એવોર્ડથી સન્માનિત કરવા જોઈએ કેમ કે સાવરકરે અંગ્રેજોના પગ પકડી લઈને બ્રિટિશ સરકારની સેવા કરી હતી. સામે ભાજપના નેતા સાવરકરની વીરગાથા વર્ણવવા કૂદી પડયા છે. સાવરકર કેવા વીર હતા ને અંગ્રેજ સરકાર સામે કેવી મર્દાનગીથી લડેલા તેની પરાક્રમ પારાયણ ભાજપ અને હિંદુવાદી નેતાઓ વર્ણવી રહ્યા છે.સાવરકરે અંગ્રેજ સરકારને કોઈ રાજકીય પ્રવૃત્તિ નહીં કરવાની બાંયધરી આપેલી એટલે જેલમાંથી છૂટ્યા પછી આઝાદીની લડતથી દૂર રહ્યા ને અંગ્રેજોના પેન્શન પર ગુજારો કરતા.

આ ઈતિહાસ છે અને તેને કોઈ નકારી શકે તેમ નથી. સાવરકરના ભક્તો સાવરકર પેન્શન નહોતા લેતા પણ ભથ્થું લેતા હતા ને આ ભથ્થું તો મહાત્મા ગાંધીએ પણ લીધું હતું એવું કહીને સાવરકરની કાયરતાનો બચાવ કરે છે. હવે જે માણસ પોતાના જીવને ખાતર દેશ માટે લડવાનું છોડી દે તેને વીર કઈ રીતે કહી શકાય? હિંદુઓમાં જે લડે છે એ વીર છે ને હીરો છે, જીવ બચાવવા માટે કાયરતા બતાવનારા નહીં. આ દેશમાં એવા સંખ્યાબંધ હિંદુ હીરો છે. શ્યામાપ્રસાદ મુખરજીથી માંડીને કનૈયાલાલ મુનશી સુધીના ઘણા એવા વીર આવ્યા કે જે હિંદુ અસ્મિતા માટે મરદની જેમ લડી ગયા પણ હિંદુવાદીઓ એ બધા અસલી હીરોને કોરાણે મૂકીને સાવરકરને જ વીર સાબિત કરવાના ધખારા કેમ છે એ ખબર નથી પડતી. જો કે ભારત લોકશાહી દેશ છે તેથી દરેક વ્યક્તિને પોતાને મનફાવે એ માગણી કરવાનો અધિકાર છે.

બીજાં પણ ઘણાં એવાં નામો છે કે જેમને આ રીતે ભારતરત્ન આપવાની માગ થઈ જ છે પણ કોઈના કહેવાથી મુલાયમ, સોનિયા કે માયાવતી ’ભારતરત્ન’ ને લાયક નથી બની જતાં. એ જ રીતે ભાગવતને પણ સાવરકરને ’ભારતરત્ન’ની માગણી કરવાનો અધિકાર છે જ પણ ભાગવતના કહેવાથી સાવરકર પણ ‘ભારતરત્ન’ને લાયક નથી બની જતા.

આપણે ત્યાં ’ભારતરત્ન’ સહિતનાં નાગરિક સન્માનો રાજકીય કારણસર અપાય છે. ખરેખર રાષ્ટ્ર નિર્માણમાં મહાન યોગદાન આપનારા ડો. હોમી ભાભા, ડો. વિક્રમ સારાભાઈ કે યુ. આર. રાવ જેવા મહાન લોકોને ’ભારતરત્ન’ નથી મળતો પણ સત્તામાં બેઠેલા લોકોને વહાલ ઊભરાય તો ઓછી લાયકાત ધરાવતા લોકોને ‘ભારતરત્ન’ મળી જાય છે એ આપણી નજર સામે છે. કોંગ્રેસ સત્તામાં લાંબો સમય રહી તેથી કોંગ્રેસના શાસનમાં તો આ પાપ વારંવાર થયું પણ ભાજપ શાસન પણ આ પાપ કરવામાંથી બાકાત નથી જ. કોંગ્રેસ શાસનમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝ જેવા દેશ માટે લડનારા મહાન સ્વાતંત્ર્યવીરોની અવગણના કરીને ગોવિંદ વલ્લભ પંત, બિધાનચંદ્ર રોય, પુરૂૂષોત્તમદાસ ટંડન, કામરાજ વગેરે રાજકારણીઓને ભારતરત્ન અપાયા જ હતા.

ઈન્દિરા ગાંધીએ તો પોતે સત્તામાં હતાં છતાં 1971માં જાતે જ ભારતરત્ન લઈને ઘરના ભૂવા ને ઘરનાં ડાકલાં એટલે નાળિયેર ઘર ભણી ફેંકાય એવો ઘાટ કરી દીધેલો. રાજીવ ગાંધીએ તો જયલલિતાને રાજી કરવા એમ.જી. રામચંદ્રનને ભારતરત્ન બનાવી દીધેલા. ભાજપ શાસનમાં પણ ચરણસિંહ અને કર્પૂરી ઠાકુર જેવા નેતાઓને માત્ર ને માત્ર રાજકીય કારણોસર જ ભારતરત્ન અપાયો જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *