આમ આદમી પાર્ટી ગુજરાતમાં ધીરેધીરે પગ જમાવી રહી છે પરંતુ આપના કાંગરા ખરી રહ્યા હોય તેમ વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી વંડી ટપી ભાજપમાં કુદી ગયા બાદ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ ‘આપ’ સાથે છેડો ફાડી નાખ્યો છે ત્યાં ભાણવડમાંથી ચૂંટાયેલા ‘આપ’ના ધારાસભ્ય હેમંત ખવા પણ મુખ્યમંત્રી સાથે ભાજપના કાર્યક્રમમાં દેખાતા રાજકારણ ગરમાયું છે.
છેલ્લા કેટલાક સમયથી હેમંત ખવા પણ પાર્ટીલાઈન છોડીને ભાજપની લાઈન દોરીમાં ચાલી રહ્યાની ચર્ચાઓ વચ્ચે મુખ્યમંત્રી સાથે સ્ટેજ ઉપર દેખાતા રાજકીય પંડિતોના ભવા ઉંચકાયા છે જો કે, લાંબા સમયથી ચાલતી અટકળો અંગે હેમંત ખવાએ પણ કોઈ સ્પષ્ટતા કરી નથી તેથી રાજકીય ખીચડી પાકી રહ્યાનું મનાય છે.
વિશ્વ સિંહ દિવસની ઉજવણી સમયે હેમંત ખવાની હાજરીથી અનેક એવા તર્ક વિતર્ક સર્જાયા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા. એ દ્રશ્યોના કારણે પણ અનેક એવા તર્ક વિતર્ક સર્જાય રહ્યા છે અને અનેક એવા સવાલો ઉભા થઈ રહ્યા છે. જો કે, અત્યારે હાલ આ દરેક વિષયને લઈને આમ આદમી પાર્ટી છે. એ પોતાના નેતાઓને બચાવવા માટે અથવા તો પછી પોતાની પાર્ટીને બચાવવા માટે નિવેદનો આપતી હોય છે. પરંતુ ક્યાંક જે પ્રમાણે અત્યારે હાલ સરકારી સ્ટેજ ઉપર હેમંત ખવાની હાજરી જોવા મળી છે, એના ઉપરથી અનેક એવા તર્ક વિતર્ક સર્જાય રહ્યા છે.
