જિલ્લા કલેકટર તેના પી.એ. અને કલાર્કની તોળાતી ધરપકડ, ઇ.ડી.ની ટીમો દ્વારા સતત બીજા દિવસે તપાસનો ધમધમાટ
દિલ્હી સુધી પહોંચેલી ખંડણીની ફરિયાદના પગલે દરોડાનો દોર, એસીબી દ્વારા કલેકટર સહિત 4 સામે અલગથી એફઆઈઆર
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલ તેમજ કલેકટર કચેરીમા ફરજ બજાવતા તેના વહીવટદાર જેવા નાયબ કલેકટર ચંદ્રસિંહ મોરી, કલેકટરના પી.એ. જયરાજસિંહ ઝાલા તથા કર્લાક મયુર ગોહિલને ત્યા ગઇકાલથી એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ (ઇડી) દ્વારા પાડવામા આવેલા દરોડાનો દોર આજે સતત બીજા દિવસે પણ ચાલુ રહયો છે અને ઇડી દ્વારા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસ સ્થાનેથી રૂ. 67.50 લાખની રોકડ રકમ કબજે કરી ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી છે અને આજે તેમને 14 દિવસના રીમાન્ડની માંગણી સાથે ઇડી દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવેલ છે. જેમાં ઈડી દ્વારા જણાવાયું છે કે જમીનના હેતુફેર માટે સ્કવેર મીટર દીઠ લાંચનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. ઉપરાંત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં બેડરૂમમાંથી રોકડ રકમ સાથે એક ડાયરી પણ મળી આવી છે. જેમાં દલાલો-અધિકારીઓના નામ ઉપરાંત તેની ભૂમિકા અને કોન્ટેકટ નંબર પણ મળી આવ્યા છે. જેથી આરોપીની પુછપરછ માટે 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ દિલ્હીમાં નોંધાયેલી લાંચ અંગેની એક ફરિયાદના પગલે ઈડી દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી અને એસીબી દ્વારા પણ એફઆઈઆર નોંધવામાં આવી છે., તેમાં કલેકટર રાજેન્દ્ર પટેલને સહ આરોપી તરીકે જોડવામાં આવ્યા છે. આવક કરતાં વધુ સંપતિના મામલે કલેકટર સહિત કુલ 4 કર્મચારી અધિકારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હજુ સુધી એસીબીએ કોઈની અટકાયત કે પુછપરછ કરી નથી પરંતુ ઈડીની કાર્યવાહી બાદ એસીબી આગળની તપાસ શરૂ કરનાર હોવાનું એસીબીના સુત્રોએ જણાવ્યું હતું.
બીજી તરફ ઇડી આજે સાંજ સુધીમા મોટા ધડાકા કરે અને જીલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલ, તેના પીએ જયરાજસિંહ ઝાલા અને કારકુન મયુર ગોહિલની પણ ધરપકડ કરે તેવા સંકેતો મળી રહયા છે. ઇડી દ્વારા મની લોન્ડરીંગ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામા આવ્યો છે.
તેમાં એવું બહાર આવ્યું છે કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ લાંચના પૈસાનું પ્રોપર્ટીમાં રોકાણ કર્યુ છે. જેથી તેની સામે મની લોન્ડ્રીંગ એકટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગઇકાલે વહેલી સવારથી ઇડી દ્વારા સુરેન્દ્રનગર કલેકટર રાજેન્દ્ર પટેલ ઉપરાંત તેના વહીવટદાર જેવા નાયબ મામલતદાર, પીએ અને કારકુનને ત્યા કરવામા આવેલી તપાસ દરમ્યાન જીલ્લા કલેકટરના નિવાસ સ્થાન તથા નાયબ મામલતદાર મોરીના નિવાસ સ્થાનમાંથી મોટાપાયે જમીનનું રેકર્ડ કબજે કરવામા આવ્યુ છે. સુરેન્દ્રનગર જીલ્લાનાં પાટડી સહીતના વિસ્તારોમાં સોલારપાર્ક સહિતના હેતુઓ માટે જમીન હેતુફેર કરવા અને અમુક સરકારી જમીનમાં મંજુરી આપવા માટે લાંચની આખી ચેનલ ગોઠવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
તપાસ દરમ્યાન સૌથી વધુ ફોકસ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસ સ્થાન ઉપર રહયુ હતુ. મોરીના નિવાસેથી રૂ. 67.50 લાખની રોકડ રકમ મળી આવતા તેની તાત્કાલીક ધરપકડ કરી લેવામા આવી છે. જયારે કલેકટરનાં નિવાસ સ્થાનેથી પણ જમીનની ઘણી ફાઇલો ઉપરાંત મિલકતોમા કરોડોના રોકાણના દસ્તાવેજો પણ કબજે કરાયા હોવાનું જાણવા મળે છે. આ સિવાય ભ્રષ્ટાચારની ચેનલમા કાર્યરત કલેકટરના પીએ જયરાજસિંહ ઝાલા તેમજ કારકુન મયુર ગોહિલની પણ ગમે ત્યારે ધરપકડ કરવામા આવે તેવી શકયતા જોવા મળી રહી છે.
ના.મામલતદાર મોરી પાસેથી મળેલી ડાયરીમાં સ્ફોટક વિગતો
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને ના.મામલતદાર સહિતના સ્ટાફ ઉપર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવતાં જમીનના હેતુફેર સહિતના પ્રકરણો માટે ભ્રષ્ટાચારની આખી ચેનલનો ભાંડો ફુટયો છે. ઈડીએ પકડેલા ના.મામલતદાર પાસેથી મળેલી ડાયરીમાં દલાલો-અધિકારીઓના કોન્ટેકટ નંબર, ભુમિકા સહિતની વિગતો મળી આવી છે. ત્યારે સુરેન્દ્રનગર કલેકટર તરીકે રાજેન્દ્ર પટેલની નિમણૂંક કરવામાં આવ્યાના થોડા સમયમાં દિલ્હીમાં ભ્રષ્ટાચાર અંગે એક અરજી કરવામાં આવી હતી. જેના કારણે લાંબા સમયથી ઈડીએ સુરેન્દ્રનગર કલેેકટર કચેરી ઉપર વોચ ગોઠવી હોવાનું જાણવા મળે છે. સુત્રોના કહેવા મુજબ એક ટોચના ઉદ્યોગગૃહની જમીનના હેતુ ફેર માટે મોટી રકમની લાંચ માંગવામાં આવી હતી. જેના પગલે કલેકટર સહિતના અધિકારીઓ-કર્મચારીઓના તપેલા ચડી ગયા હોવાનું માનવામાં આવે છે.
