પંદર વર્ષ જૂના ધ્વજદંડની સુરક્ષાને લઇને નિર્ણય
અંબાજી મંદિરના સોનાના શિખર ઉપર 1 જાન્યુઆરી 2026થી 5 મીટરથી લાંબી ધજા નહીં ચઢાવવાનો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી ચઢાવાતી 52 ગજ સહિતની લાંબી ધજાઓના કારણે 15 વર્ષ જૂના ધ્વજદંડને નુકસાન તેમજ સુવર્ણ કવચ ઉપર ધસારો પણ થઇ રહ્યો હોવાનું ટેકનિકલ સર્વેમાં સામે આવ્યું છે. જેને લઇ શ્રદ્ધાળુઓની સલામતી માટે નાની ધજાઓ જ ચઢાવવાનો નિર્ણય લેવાયો છે.
અંબાજીમાં દર્શનાર્થે આવતાં શ્રદ્ધાળુઓ માનતા પૂર્ણ થાય ત્યારે મંદિરના શિખરે ધ્વજારોહણ કરે છે. જેમાં પણ ભાદરવી પૂનમના મેળામાં રાજ્યભરમાંથી હજારો પગપાળા સંઘ લઇને આવતાં ભક્તો 52 ગજ સહિતની લાંબી ધજાઓ ચડાવે છે.
આ ધજાઓથી 15 વર્ષ જૂના ધ્વજદંડને કોઇ નુકસાન તો થતું નથી તે અંગે આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ટેકનિકલ સર્વે હાથ ધરાયો હતો. ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું કે, ભટ્ટજી મહારાજના શાસ્ત્રોક્ત અભિપ્રાય અને ટેકનિકલ ક્ધસલટન્ટની સલાહ બાદ તા.1 જાન્યુઆરી 2026થી 5 મીટરથી લાંબી ધજા નહીં ચઢાવવાનો નિર્ણય લેવાયો છે. જો કોઈ યાત્રિક 5 મીટરથી વધુ લંબાઈની ધજા લઈને આવશે, તો તે ધજા માતાજીના ચરણોમાં અર્પણ કરાશે.
ગુજરાતમાં આવેલા મંદિરો પૈકી દ્વારકામાં 156 ફૂટ સુધીની ધજા, સોમનાથ મંદિર ઉપર 27 ફૂટની ધજા ચઢાવવામાં આવે છે. પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરના શિખર ઉપર તો 2964 મીટર ધ્વજારોહણનો વિશ્વરેકોર્ડ નોંધાયો છે.
