ગુજરાતમાં હાલ દુષ્કાળ જાહેર નહીં થાય; સરકારની સ્પષ્ટતા

રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં આ વર્ષે ચોમાસામાં વરસાદની ભારે અછત અને અસમાનતા જોવા મળી રહી છે. વરસાદ ખેંચાવાના કારણે ખેતરોમાં ઉભો…

રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં આ વર્ષે ચોમાસામાં વરસાદની ભારે અછત અને અસમાનતા જોવા મળી રહી છે. વરસાદ ખેંચાવાના કારણે ખેતરોમાં ઉભો પાક સુકાઈ રહ્યો છે અને ખેડૂતો પર મોટું આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. આ વિકટ પરિસ્થિતિમાં ખેડૂત સંગઠનો અને સ્થાનિક નેતાઓ દ્વારા આ વિસ્તારોને સત્વરે દુષ્કાળગ્રસ્ત (અછતગ્રસ્ત) જાહેર કરીને રાહત પેકેજ આપવાની ઉગ્ર માંગ ઉઠી રહી છે. જોકે, આ માંગણીઓ વચ્ચે રાજ્ય સરકારે કરેલી એક સ્પષ્ટતાએ ખેડૂતોને મોટો આંચકો આપ્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે માત્ર વરસાદની ખેંચ કે અસમાનતાના આધારે કોઈ પણ વિસ્તારને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરી શકાય નહીં.

સરકારના સત્તાવાર સૂત્રો અને સંબંધિત વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દુષ્કાળની જાહેરાત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની એક ચોક્કસ માર્ગદર્શિકા (મેન્યુઅલ ફોર ડ્રાઉટ મેનેજમેન્ટ) હોય છે. સરકાર હાલ તુરંત કોઈ નિર્ણય લેવાના બદલે 31 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વરસાદ અને પાકની સ્થિતિનું નિરીક્ષણ કરશે અને ત્યાં સુધી રાહ જોવામાં આવશે. ચોમાસાની સત્તાવાર વિદાય અને 31 ઓક્ટોબરની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ જ પ્રભાવિત વિસ્તારોમાં સત્તાવાર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે.

દુષ્કાળ જાહેર કરવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપતા સરકારે જણાવ્યું છે કે, આ માટે સંપૂર્ણ વૈજ્ઞાનિક મૂલ્યાંકન અને ગ્રાઉન્ડ ટ્રુથીંગ (જમીની હકીકતની ચકાસણી) કરવામાં આવશે. અધિકારીઓ દ્વારા માત્ર વરસાદના આંકડા જ ધ્યાનમાં લેવામાં નહીં આવે, પરંતુ જમીનમાં રહેલો ભેજ, ભુગર્ભ જળની સ્થિતિ (વોટર ટેબલ), વાવેતરનો કુલ વિસ્તાર અને તેની ટકાવારી, સેટેલાઈટ ઈમેજિંગ દ્વારા પાકની સ્થિતિ, જળાશયોમાં પાણીનો જથ્થો અને ઘાસચારાની ઉપલબ્ધતા સહિતના કુલ 10 જેટલા અલગ-અલગ મહત્વના ટેકનિકલ મુદ્દાઓને આધારે ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવશે.

આ તમામ 10 માપદંડોના આધારે અધિકારીઓ દ્વારા તૈયાર થયેલા વિસ્તૃત અને ગ્રાઉન્ડ ટ્રુથીંગ રિપોર્ટ બાદ જ કોઈ વિસ્તારને સત્તાવાર રીતે અછતગ્રસ્ત જાહેર કરવા અંગેનો અંતિમ નિર્ણય લેવાશે. સરકારના આ વલણથી સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી છે, કારણ કે તેઓ પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે તાત્કાલિક સહાયની અપેક્ષા રાખી રહ્યા હતા. હાલ પૂરતું ખેડૂતોએ 31 ઓક્ટોબર સુધી અને ત્યારબાદ શરૂૂ થનારી સરકારી સર્વેની લાંબી કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.

112 તાલુકામાં બે મહિનાથી વરસાદ નથી, ખેડૂતોના દેવા માફ કરો: કોંગ્રેસ
ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન લાંબા સમયથી વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે, ત્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસે રાજ્ય સરકાર પર દબાણ વધાર્યું છે. કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના પ્રભાવિત વિસ્તારોને તાત્કાલિક અસરથી દુષ્કાળગ્રસ્ત (અછતગ્રસ્ત) જાહેર કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.કોંગ્રેસના આક્ષેપ અનુસાર, રાજ્યના 112 જેટલા તાલુકાઓમાં છેલ્લા આઠ અઠવાડિયા એટલે કે બે મહિનાથી વરસાદનું એક ટીપું પણ પડ્યું નથી. વરસાદ ન હોવાના કારણે ખેતરોમાં ઊભો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે જ્યાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે, ત્યાં તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરીને ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે. આ ઉપરાંત, ખેડૂતોને આર્થિક રક્ષણ આપવા માટે વર્ષ 2017 થી રાજ્યમાં બંધ કરી દેવાયેલી ’પાક વીમા યોજના’ સત્વરે ફરીથી શરૂૂ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. પશુપાલકોની મુશ્કેલીઓ વર્ણવતા કોંગ્રેસે જણાવ્યું હતું કે સરકારે ઘાસચારાના ડેપો ચાલુ કરીને ખેડૂતોને બે રૂૂપિયાના બદલે સંપૂર્ણપણે મફતમાં ઘાસચારો પૂરો પાડવો જોઈએ. આ ગંભીર મુદ્દાને વાચા આપવા માટે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ તરફથી નિયમ 116 હેઠળ (તાકીદની જાહેર અગત્યની બાબત પર ચર્ચા માટે) સરકારને નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે, સરકાર તરફથી રજૂ થયેલા જવાબથી વિપક્ષે ભારે નારાજગી અને દુ:ખ વ્યક્ત કર્યું છે. કોંગ્રેસનો સ્પષ્ટ આક્ષેપ છે કે જ્યારે ખેડૂતો પીવાના પાણી, સિંચાઈના પાણી અને ઘાસચારાની ભારે અછતનો સામનો કરી રહ્યા છે, ત્યારે સરકાર સંવેદનશીલતા દાખવીને તાત્કાલિક સહાય આપવાના બદલે માત્ર ટેકનિકલ નિયમો, જોગવાઈઓ અને વૈજ્ઞાનિક સર્વેના બહાના આગળ ધરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *