25 ડ્રોનથી રખાશે નજર, વોકીટોકીનું સંદેશા નેટવર્ક ગોઠવાશે

સોમવારે વહેલી સવારે 7.30 વાગ્યાથી મહા ઓપરેશન શરૂ, સાત ઝોનમાં થશે ડિમોલિશન શહેરના જંગલેશ્ર્વર અને નદી કાંઠાના વિસ્તારોમાં વર્ષોથી ખડકાયેલા 1498 ગેરકાયદેસર બાંધકામોનું સોમવારે મેગા…

સોમવારે વહેલી સવારે 7.30 વાગ્યાથી મહા ઓપરેશન શરૂ, સાત ઝોનમાં થશે ડિમોલિશન

શહેરના જંગલેશ્ર્વર અને નદી કાંઠાના વિસ્તારોમાં વર્ષોથી ખડકાયેલા 1498 ગેરકાયદેસર બાંધકામોનું સોમવારે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવનાર છે. આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવેલ કે ટી.પી.રોડમાં આવતાં અને નદીકાંઠાના ગેરકાયદેસર બાંધકામોને અગાઉ નોટિસ આપી ગુરૂવારે જાતે દબાણો દૂર કરવા ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. જેથી લોકો જાતે દબાણો દૂર કરવા પણ લાગ્યા છે પરંતુ 80 ટકાથી વધુ બાંધકામો યથાવત રહેતા સોમવારે સવારે 7.30 વાગ્યાથી એક સાથે 7 ઝોનમાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. સલામતીના પગલાંના ભાગરૂપે રાજકોટમાં પ્રથમવાર ડિમોલિશનની તમામ કામગીરી પર 25 ડ્રોનથી નજર રખાશે તેમજ તમામ અધિકારીઓ સાથે વોકીટોકી દ્વારા સંદેશાની આપ-લે કરવામાં આવશે.

જંગલેશ્ર્વરનાં ડિમોલિશન મુદ્દે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવેલ કે, સોમવારનાં રોજ ડિમોલિશન તો થશે જ અને તેના માટેની તમામ પ્રકારની કાર્યવાહીને આખરી ઓપ અપાઈ ચુકયો છે. મનપાના ઉચ્ચ અધિકારીઓ સિટી ઈજનેર સહિતનાનો 1300નો સ્ટાફ ડિમોલીશનમાં સામેલ થશે. 1498 મકાનો તોડવાના હોય તેનું 7 ઝોનમાં વિભાજન કરવામાં આવ્યું છે અને દરેક ઝોનની જવાબદારી અધિકારીને અપાઈ છે. તેવી જ રીતે કંટ્રોલરૂમ મારફતે એક સાથે ચાલતી તમામ કામગીરીનું મોનીટરીંગ થઈ શકે અને સલામતીના ત્વરીત પગલાં લઈ શકાય તે માટે 25 ડ્રોનથી ડિમોલિશન ઉપર સતત નજર રાખી તેનું સ્ટેન્ડબાય રેકોર્ડિંગ સાથે મોનિટરીંગ કરવામાં આવશે. રાજકોટમાં પ્રથમ વખત દરેક ઝોનમાં કામ કરતાં ઉચ્ચ અધિકારીઓને નેટવર્કની તકલીફ ઉભી ન થાય તે માટે વોકીટોકી આપવામાં આવી છે.

જેના દ્વારા કંટ્રોલરૂમથી લઈને એક બીજા સાથે સંદેશાની આપ-લે સરળતાથી કરી શકાશે. આજે સાંજ સુધીમાં જંગલેશ્ર્વરમાં 15 ટકાથી વધુ ગેરકાયદેસર મકાનો ખાલી થઈ જવાની સંભાવના જોવાઈ રહી છે. ગઈકાલથી મહાનગરપાલિકાનો સ્ટાફ સવારથી સાંજ સુધી સ્વૈચ્છાએ મકાન ખાલી કરતાં લોકોને મદદરૂપ થઈ રહ્યો છે. લોકોને સામાનની અવરજવર માટે કોર્પોરેશન દ્વારા ટ્રેકટર સહિતના સાધનોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેના લીધે રવિવાર સાંજ સુધીમાં સ્વૈચ્છાએ દબાણો દૂર કરનાર તમામ મિલકત ધારકો સરળતાથી પોતાનો માલ સામાન અન્ય સ્થળે ફેરવી શકશે. હાલની સ્થિતિ જોતાં સોમવારે ડિમોલિશનની કામગીરી શાંતિપૂર્વક પૂર્ણ થઈ જાય તેવું હાલ લાગી રહ્યું છે છતાં કોઈ જાતની સમસ્યા ઉભી ન થાય તે માટે પણ પોલીસ અને હોમગાર્ડ દ્વારા પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *