હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સરદારધામના ટ્રસ્ટીની સ્પષ્ટ વાતથી વિવાદ લાંબો ચાલવાના એંધાણ
સરદારધામ સાથે જોડાતા આગેવાનોને ખુદ નરેશ પટેલ અને ટ્રસ્ટીઓ ધમકી આપતા હોવાનો પણ આરોપ
રાજકોટમાં સરદારધામના ઉપપ્રમુખ જયંતીભાઇ સરધારા અને ખોડલધામના સમર્થક પી.આઇ પાદરિયા વચ્ચે ચાલતા વિવાદમાં પી.આઇ સામે ખૂનની કોશિષનો ગુનો નોંધાયા બાદ સસ્પેન્ડ થતા તેણે વળતી ફરિયાદની અરજી આપી છે. ત્યારે ખાજગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા જયંતીભાઇ સરધારાને ગઇકાલે રજા આપવામા આવતા હવે સરધારાએ પી.આઇ પાદરિયા સાથે કોઇ પણ સંજોગોમાં સમાધાન નહીં કરવાની જાહેરાત કરતા આ વિવાદ હજુ લંબાય તેવી શકયતા છે.
પાટીદાર સમાજની બે મોટી સંસ્થાઓનો વિવાદમાં ઢસડતા સરધારા અને પાદરિયાના ડખ્ખાનું સમાધાન કરવવા માટે ધારાસભ્ય રમેશભાઇ ટિલાળા સહિત કેટલાક આગેવાનોએ તૈયારી દર્શાવી હતી. પરંતુ જયંતીભાઇ સરધારાએ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સમાધાનની વાત ફગાવી દીધી છે.
ગઇકાલે સાંજે જયંતીભાઇ સરધારાને હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ આજે સવારે મીડિયા સમક્ષ સ્પષ્ટ જણાવ્યુ હતુ કે, પી.આઇ સંજય પાદરિયા સાથે કોઇ પણ સંજોગોમાં સમાધાન નહીં કરૂ મારા સ્વર્ગસ્થ પિતાજી કહેશે તો પણ સમાધાન નહીં થાય ખોડલધામ-સરદારધામ વચ્ચે સમાધાન માટે સહમત છુ પણ પાદરિયા સાથે સમાધાન નહીં કરૂ તેવુ જણાવ્યુ હતુ.
તેમણે જણાવેલ કે સરદારધામનો 15ડિસેમ્બરનો કાર્યક્રમ મુખ્યમંત્રીના સમય ઉપર નિર્ભર છે. મોકુફ રખાયો નથી. આવિવાદથી સરદારધામના અમૂક ટ્રસ્ટીઓ નારાજ હોવાની વાત છે તે અંગે તેમણે જણાવ્યુ કે, આ મુદ્દે કોઇ વાત જ નથી થઇ. તેમણે આક્ષેપ કરેલ કે, સરદારધામ સાથે જોડાયેલ ટ્રસ્ટીઓને સોશ્યિલ મીડિયામાં બદનામ કરવાના પ્રયાસો થાય છે. એટલુ જ નહીં ખૂદ નરેશ પટેલ અને ખોડલધામના ટ્રસ્ટીઓ ધમકીઓ આપે છે. અને સરદારધામમાંથી રાજિનામુ આપી દેજો એવુ પણ કહે છે.
પાટીદાર સમાજના જે આગેવાનોએ નિવેદન આપ્યા તે તમામ લોકો કહે છે કે, આ સરદારધામ અને ખોડલધામ વચ્ચેની નહીં પરંતુ જયંતીભાઇ સરધારા અને સંજય પાદરિયાની અંગત લડાઇ છે. આ સવાલના જવાબમાં સરધારાએ જણાવેલ કે, તે લોકોને ખબર હોય તેટલી વાત કરતા હોય છે. મને તો પી.આઇ પાદરિયા સરદારધામ વિષે બેફામ બોલ્યા અને છેલ્લે તે બહેનો વિષે બહુ ખરાબ ભાષામાં ગાળો ભાંડતા હતા તેથી મારે ઉગ્ર બનવુ પડયું અંતમાં તેમણે જણાવેલ કે હું સો ટકા સાચો છુ તેથી મને ન્યાય મળશે કાયદો કાયદાનું કામ કરશે અને મને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે.
PI પાદરિયાને કાવતરાનો ભોગ બનાવી સસ્પેન્ડ કરાયા,SPGએ પણ કુદાવ્યું
ખોડલધામ અને સરદારધામ વિવાદમાં સરદાર પટેલ ગ્રૂપની એન્ટ્રી થઇ છે, જેમાંમ સસ્પેન્ડેડ PI સંજય પાદરિયાના સમર્થનમાં સરદાર પટેલ ગ્રૂપ ઉતર્યું છે. ત્યારે સમગ્ર ઘટનાને લઇ સરદાર ગ્રૃપના સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ કલ્પેશ રાંકનું સંજય પાદરિયાના સમર્થનમાં નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું હતુ કે સંજય પાદરિયાને કાવતરાનો ભોગ બનાવીને સસ્પેન્ડ કરાયા છે. સંજય પાદરિયાને જયંતિ સરધારા દ્વારા ભોગ બનાવવામાં આવ્યા છે. જેમાં PIનો કોલર પકડીને લાત મારવી, માથાકૂટ કરવી અને બાદમાં ફરિયાદ કરવી તે કાવતરું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે સંજય પાદરિયાને જાણી જોઈનને વિવાદમાં લાવવામાં આવ્યા છે,SPG કાવતરાનો ભોગ બનનારા સંજય પાદરિયાના સમર્થનમાં છે
સમાધાનના પ્રયાસ કરીશું: રાઘવજીભાઇ,જે પણ હોય મામલો જલ્દી પૂરો થાય: ટીલાળા
રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા અને જૂનાગઢ પીઆઇ સંજય પાદરીયા વચ્ચે થયેલ માથાકૂટ મામલે હવે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, સામાજિક સંસ્થાઓ વચ્ચે વિખવાદ ન હોવા જોઈએ. અમે આવો વિવાદ ન થાય એ જોસુ સમાધાન માટે પ્રયાસ પણ કરશું. રાજકોટના ધારાસભ્ય રમેશ ટિલાળાએ પણ આ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરદારધામ ટ્રસ્ટના ઉપપ્રમુખ જયંતિ સરધારા ઉપર હુમલો થયો છે. તે બાબતને હું નિંદનીય ગણું છું. ખોડલધામ અને સરદારધામ બંને સંસ્થાઓ સમાજના ઉત્થાન માટે કામ કરે છે. સમાજસેવાનું કામ કરવામાં વિવાદ ન હોવો જોઈએ. મારી સમાજના વડીલોને લાગણી છે કે, જે કંઈપણ છે તે જલ્દી પૂર્ણ થવો જોઈએ.
ખોડલધામ-સરદારધામ વિવાદ વ્યક્તિગત, જૂનાગઢ અંબાજી મંદિરનો પ્રશ્ર્ન સંતોનો અહમ્
રાજકોટની રામકથામાં આવેલા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ખોડલધામ અને સરદારધામ વચ્ચેના વિવાદ બાબતે નિવેદન આપ્યું કે તે બાબત એકબીજાના અહમની છે તેનાથી સમાજે દૂર રહેવું જોઈએ તો સાથે જ જૂનાગઢની અંબાજીની ગાદીના વિવાદમાં પણ કહ્યુ કે ધર્મ અને સેવાનું કામ કરતા સંતોનો અહમ સામે આવ્યો છે. સંતો કંઈક મેળવવાનો પ્રયત્ન કરતા હોય તેવું લાગે છે.
પાટીદાર સમાજમાં સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા ઉપર ખોડલધામ સાથે સંકળાયેલા જૂનાગઢના પીઆઇ સંજય પાદરીયા દ્વારા હુમલાની ઘટના બાદ બંને સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તે બાબતે જણાવ્યું હતું કે, ધાર્મિક બાબતોમાં ઘણી વખત કોઈ વ્યક્તિ દ્વારા પોતાનો અહમ સંતોષવા માટે કામ થતું હોય છે. જેથી સમાજે આવી બાબતોમાં પડવું ન જોઈએ. રાજ્ય સરકારનું એવો પ્રયત્ન છે કે તમામ ધર્મોને સાથે રાખીને ચાલવું જોઈએ ત્યારે આવા જ્ઞાતિના વાડા ન બનાવવા જોઈએ. સાથે જ અમારો સમાજ મોટો છે તેમ કહીને આ ઘટનાને રાજકીય રંગ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ સમાજ તેને સ્વીકારશે નહીં.
જ્યારે જૂનાગઢના અંબાજી ગાદીને લઇને થઈ રહેલા વિવાદ અંગે જણાવ્યું હતું કે, જે સમગ્ર વિવાદ ધાર્મિક જગ્યા બાબતનો છે. સંતો નું કામ સેવાનું હોય છે અને ધર્મનું હોય છે તેને બદલે તેઓ પણ પોતાનો અહમ સંતોષવા માટે કાર્યકર્તા હોય તેવું લાગે છે એટલે કે તેઓ કંઈક મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.