વોટ ચોરી મામલે ડિબેટ માટે નીતિન પટેલ, તુષાર ચૌધરીના સામસામા હાકલા-પડકારા

ગુજરાતના રાજકારણમાં ’વોટ ચોરી’ ના મુદ્દે ભારે ગરમાવો આવી ગયો છે. સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર સતત ચાલી રહ્યો છે. આ…

ગુજરાતના રાજકારણમાં ’વોટ ચોરી’ ના મુદ્દે ભારે ગરમાવો આવી ગયો છે. સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર સતત ચાલી રહ્યો છે. આ વિવાદમાં હવે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એન્ટ્રી મારી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના એક સાંસદે તાજેતરમાં મહેસાણા સ્થિત કોંગ્રેસ ભવન ખાતે પત્રકાર પરિષદ યોજીને કેટલાક આક્ષેપો કર્યા હતા. આ આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા નીતિન પટેલે કોંગ્રેસને આમને-સામને ખુલ્લી ચર્ચા (ઓપન ડિબેટ) કરવા માટે સીધી ચેલેન્જ આપી દીધી છે.

નીતિન પટેલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિત કોંગ્રેસના કોઈપણ નેતાને જાહેરમાં મંચ પર આવીને ચર્ચા કરવા માટે લલકાર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, કોંગ્રેસના નેતાઓ છેલ્લા 25 વર્ષથી માત્ર પાયાવિહોણા આક્ષેપો કરવા માટે જ ટેવાયેલા છે. તેમણે વધુમાં પ્રહારો કરતા જણાવ્યું હતું કે, હવે કોંગ્રેસ પાસે જનતા સમક્ષ જવા માટે કોઈ મુદ્દા બચ્યા નથી, તેથી તેમના ભાગે માત્ર ખોટા આક્ષેપો કરવાનું જ કામ બચ્યું છે. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ખોટી વાતો ફેલાવીને ગુજરાતની ભોળી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નીતિન પટેલે હુંકાર કર્યો હતો કે, “ખુલ્લા મંચ પર અમારા પક્ષ અને સરકાર વતી જે પણ સાચી હકીકતો છે, તે પ્રજા સમક્ષ મૂકવા માટે હું સંપૂર્ણપણે તૈયાર છું. સત્ય શું છે અને સત્ય કેવી રીતે અમારા પક્ષે છે, તે હું જનતાને સમજાવીશ.”

પૂર્વ નાયબ મુખ્યમંત્રીના આ ખુલ્લા પડકાર બાદ કોંગ્રેસ છાવણીમાં પણ ભારે હલચલ મચી ગઈ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા તુષાર ચૌધરીએ નીતિન પટેલની આ ચેલેન્જને સ્વીકારી લીધી છે. તુષાર ચૌધરીએ વળતો જવાબ આપતા કહ્યું છે કે, “અમે કોઈપણ મુદ્દે ચર્ચા કરવા માટે બિલકુલ તૈયાર છીએ. ભાજપના નેતાઓ જે જગ્યાએ અને જે સમયે ચર્ચા કરવા માંગતા હોય, ત્યાં અમે આવીશું.”

બીજી તરફ, ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ પણ આ મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સીધો આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે ભાજપે દેશમાં લોકતંત્રની હત્યા કરી નાખી છે. આ સાથે જ તેમણે જ્ઞાનેશકુમારના નામે પણ કટાક્ષ કરતા કહ્યું હતું કે, હવે તેમના કારનામા લોકો સમક્ષ ખુલ્લા પડી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *