પોરબંદર-દ્વારકા સહિત રાજ્યમાં નવી નવ મધ્યસ્થ સહકારી બેંકો રચાશે

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું…

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 09 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચનાને કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ અંગે વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રી એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ જિલ્લાઓમાં ગ્રામ્ય સહકારી બેંકોનો વ્યાપ વધારવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. જેને પરિપૂર્ણ કરવા માટે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળ ભારતના સહકારિતા મંત્રાલય દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે જેનાં ભાગરૂૂપે નાબાર્ડ દ્વારા દેશના કેટલાક જિલ્લામાં નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના કરવા માટે સહકારિતા મંત્રાલયને એપ્રોચ નોટ રજૂ કરવામાં આવી હતી. આ નોટમાં ગુજરાતમાં પણ નવી 09 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના કરવા માટે એપ્રોચ કરવામાં આવ્યો હતો, તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યની વર્તમાન સહકારી બેંકોના વિભાજનથી નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના થશે જેમા પંચમહાલ બેંકના વિભાજનથી દાહોદ જિલ્લામાં, સાબરકાંઠા બેંકના વિભાજનથી અરવલ્લી જિલ્લામાં, સુરત બેંકના વિભાજનથી તાપી જિલ્લામાં, વડોદરા બેંકના વિભાજનથી છોટાઉદેપુર જિલ્લામાં, જામનગર બેંકના વિભાજનથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, જૂનાગઢ બેંકના વિભાજનથી પોરબંદર જિલ્લામાં, ખેડા બેંકના વિભાજનથી આણંદ જિલ્લામાં તેમજ વલસાડ બેંકના વિભાજનથી ડાંગ અને નવસારી જિલ્લામાં નવી બેંકોની રચના થશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું બેંકોની રચના માટે રાજ્ય સરકાર હવે નાબાર્ડ મારફતે ભારતીય રિઝર્વ બેંક ને આ અંગેની દરખાસ્ત મોકલશે અને આગળની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *