જોડીયા તાલુકાના બારાડી ગામ નજીક વાડી વિસ્તારમાં રહેતી 21 વર્ષીય પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે જોડીયા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે.
પોલીસના જણાવ્યા મુજબ, બારાડી ગામે ખેંગારભાઈ હમીરભાઈ ઝાટીયાની વાડીમાં રહેતા પરિવારની 21 વર્ષીય સારેંગાબેન સુમલાભાઈ પસાયા તા.8 સપ્ટેમ્બરના રોજ બપોરના આશરે સાડા બાર વાગ્યાના અરસામાં વાડીના રહેણાક મકાનના રૂૂમમાં છતના હુક સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
પ્રાથમિક પોલીસ તપાસમાં એવી વિગતો સામે આવી છે કે, સારેંગાબેનને તેમના પતિ સુમલાભાઈએ મોડું ઉઠવા બાબતે ઠપકો આપ્યો હતો. આ બાબતનું મનમાં લાગી આવતા તેમણે આ પગલું ભર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
મૃતક સારેંગાબેનના લગ્નને આશરે બે માસનો સમય થયો હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. બનાવ અંગે પિયર પક્ષને પણ જાણ કરવામાં આવી હોવાનું પોલીસ નોંધમાં જણાવાયું છે. આ બનાવ અંગે મૃતકના પરિવારજન મુકેશભાઈ માનીયાભાઈ પસાયા દ્વારા જોડીયા પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા જોડીયા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. મૃતદેહનું ઇનક્વેસ્ટ પંચનામું પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.એચ. લાંબરીયાએ ભર્યું હતું.બનાવની વધુ તપાસ જોડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. સોઢા દ્વારા હાથ ધરવામાં આવી છે. જ્યારે બનાવ અંગે જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પીયુષ વાંદા દ્વારા તા.9 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:45 કલાકે સ્થળ વિઝીટેશન કરવામાં આવ્યું હતું.
