હાઇવે-સર્વિસ રોડ પર પાણી ભરાતા શહેરની ગતિવિધિઓ અટકી
અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં કુદરતનો રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે સાંજે વરસેલા મુશળધાર વરસાદને કારણે સમગ્ર શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેનાથી સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ન્યૂયોર્કના રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં તે જાણે નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વહીવટીતંત્ર અને સ્થાનિક તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે સતત વરસાદને લીધે શહેરના અનેક વિસ્તારોમાં સ્થિતિ ગંભીર બની ગઈ છે.
મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં પાણીનો ભરાવોભારે વરસાદની સૌથી વધુ અસર ક્વીન્સ અને બ્રુકલિન વિસ્તારમાં જોવા મળી છે. આ વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે. અનેક સ્થળોએ રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હોવાથી વાહનો ફસાયા છે, જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. લોકો રસ્તા પર ફસાયેલા હોવાથી રેસ્ક્યુ ટીમોને પણ ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. મુખ્ય હાઇવે અને સર્વિસ રોડ પર પાણી ભરાઈ જવાથી સિટીની ગતિવિધિઓ અટકી ગઈ છે.
