– સાંસદ, ધારાસભ્ય સહિતના મહાનુભાવોને ખાસ ઉપસ્થિતિ –
જામ ખંભાળિયા, તા. ૨૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલા ટાઉનહોલ ખાતે રવિવારે સાંજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખંભાળિયા-ભાણવડ વિધાનસભા ક્ષેત્રનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો.
ખંભાળિયા ટાઉન હોલ ખાતે ભાજપ દ્વારા આ સ્નેહમિલન કાર્યક્રમ ધારાસભ્ય મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં રાજ્યસભાના સાંસદ જીતેન્દ્ર કણજારીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પ્રદેશ અગ્રણી ધર્મરાજસિંહ જાડેજા, પ્રદેશ મોરચાના હોદ્દેદારો પ્રતાપભાઈ પિંડારિયા, સુરતના અગ્રણી રામસીભાઈ ગોરિયા તથા જિલ્લા ભાજપ મહામંત્રીઓ રાજુભાઈ સરસિયા અને પરબતભાઈ ભાદરકા સહિત સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વંદે માતરમ્ ગાનથી પ્રારંભ થયેલા કાર્યક્રમમાં મહાનુભાવોનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય મુળુભાઈ બેરા અને રાજ્યસભાના સાંસદે નૂતન વર્ષની શુભકામનાઓ સાથે વક્તવ્ય આપ્યું હતું. વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીનના માધ્યમથી પ્રદેશના આગેવાનો તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વક્તવ્યનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વડનગરથી વારાણસી સુધીની બાઈક યાત્રામાં જોડાયેલા યુવા મોરચાના કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ખંભાળિયા અને ભાણવડ તાલુકાના વિવિધ ગામોના સરપંચોને વિકાસકાર્યોના વર્ક ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ મંડળોમાંથી ઉપસ્થિત સખી મંડળની બહેનો, એનજીઓના સંચાલકો તથા સેવાકીય અને સામાજિક ક્ષેત્રે કામગીરી કરનાર અગ્રણીઓનું પણ મંચ પર સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા, તાલુકા અને નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, સરપંચો, કાર્યકરો અને સામાજિક અગ્રણીઓ સહિત અંદાજે 1500 જેટલા લોકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ સ્નેહમિલન સમારોહ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતા, કશ્યપભાઈ આહીર, પ્રભાતભાઈ ચાવડા ઈન્દ્રજીતસિંહ પરમાર, ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ વિજયભાઈ કણજારીયા, સદસ્ય રાજ પાબારી, ઋષિરાજ ખેતિયા, જીગ્નેશભાઈ પરમાર, સહિત સ્થાનિક નગરપાલિકા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો, સદસ્યો વિગેરે સહિતના મોટી સંખ્યામાં બહેનો, આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરોની ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
