નવી પેઢીનો નવો ટ્રેન્ડ: ન્યુટ્રાસ્યુટિકલ્સના વેચાણમાં 43%નો વધારો

ગુજરાતમાં વેચાણ 192.22 કરોડથી વધી 274.30 કરોડે પહોંચ્યુ, મિનરલ સપ્લિમેન્ટસની માંગમાં 80 ટકાનો ઉછાળો ગુજરાતમાં આરોગ્યની વાર્તા હવે હોસ્પિટલના વોર્ડથી ઘરના કબાટમાં પહોંચી ગઈ છે.…

ગુજરાતમાં વેચાણ 192.22 કરોડથી વધી 274.30 કરોડે પહોંચ્યુ, મિનરલ સપ્લિમેન્ટસની માંગમાં 80 ટકાનો ઉછાળો

ગુજરાતમાં આરોગ્યની વાર્તા હવે હોસ્પિટલના વોર્ડથી ઘરના કબાટમાં પહોંચી ગઈ છે. ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગ જેવા જીવનશૈલી રોગો વધતા જતા હોવાથી લોકો પ્રિવેન્ટિવ (નિવારક) આરોગ્ય પર ધ્યાન આપી રહ્યા છે. પ્રોટીન પાવડરથી લઈને ઓમેગા-3 કેપ્સ્યુલ સુધીના ન્યુટ્રાસ્યુટિકલ્સ (પોષણ આધારિત ઉત્પાદનો) હવે માસિક જરૂૂરિયાત બની ગયા છે. ફાર્મારેક ડેટા અનુસાર, જાન્યુઆરી 2022થી જાન્યુઆરી 2026 સુધીના ચાર વર્ષમાં ન્યુટ્રાસ્યુટિકલ્સના વેચાણમાં 42.7%નો વધારો થયો છે રૂા. 192.22 કરોડથી વધીને રૂા. 274.30 કરોડ થયા છે. માત્ર મિનરલ સપ્લિમેન્ટ્સમાં જ 80.2%નો ઉછાળો આવ્યો છે (રૂા. 17.46 કરોડથી રૂા.31.46 કરોડ).

પ્રોન્ટો ક્ધસલ્ટના અભ્યાસમાં ગુજરાતના 192 હિસ્સેદારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં 44% લોકો પોતાને પ્રિવેન્ટિવ યુઝર તરીકે ઓળખાવે છે અને ન્યુટ્રાસ્યુટિકલ્સ પર આધાર રાખે છે. 53% લોકો માસિક રૂા.2,000થી વધુ ખર્ચ કરે છે, જ્યારે 22% રૂા.3,000થી વધુ ખર્ચ કરે છે. માત્ર 26% જ લોકો રૂા.1,000થી ઓછો ખર્ચ કરે છે.પ્રોન્ટો ક્ધસલ્ટના સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર કરિશ્મા શાહે કહ્યું, ગુજરાતમાં આપણે માત્ર વપરાશમાં વધારો જ નહીં, પરંતુ આરોગ્યની દૃષ્ટિમાં માળખાગત ફેરફાર જોઈ રહ્યા છીએ. બે-તૃતીયાંશથી વધુ ગ્રાહકો ન્યુટ્રાસ્યુટિકલ્સને આવશ્યક અથવા આરોગ્યસંભાળના વિસ્તાર તરીકે જુએ છે, તેથી આ કેટેગરી હવે વૈકલ્પિક નહીં પરંતુ ભવિષ્યની યોજનામાં સમાવિષ્ટ બની ગઈ છે.

કોવિડ પછીના વર્ષોમાં રોગપ્રતિકારક શક્તિ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ વધી છે, જેના કારણે સપ્લિમેન્ટ્સ ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શનથી આગળ વધીને ઓવર-ધ-કાઉન્ટર સ્વ-સંભાળમાં પરિવર્તિત થયા છે.

39 વર્ષીય અમદાવાદની પ્રોડક્ટ ડિઝાઇનર ચાર્વી સલિલ પાંચ વર્ષથી પ્રોટીન, ઓમેગા-3 અને મલ્ટિવિટામિન સપ્લિમેન્ટ્સ લઈ રહી છે. તેઓ કહે છે, હું દર વર્ષે ફુલ બોડી ચેક-અપ કરાવું છું. જીવનશૈલી રોગોનો પારિવારિક ઇતિહાસ નથી, પરંતુ તેનો અર્થ ગેરંટી નથી. ફિટ રહેવું એ પસંદગી છે. સપ્લિમેન્ટ્સ ઉણપને પહેલાં જ દૂર કરી દૈનિક અને લાંબા ગાળાના આરોગ્યને સુરક્ષિત રાખે છે.જોકે ડોક્ટરો અસંયમિત વપરાશ સામે ચેતવણી આપે છે. વરિષ્ઠ ફિઝિશિયન ડો. આર.સી. દમાણી કહે છે, વિટામિન બી12 અને ડી3ની ઉણપ સામાન્ય છે. વૃદ્ધ દર્દીઓમાં અમે નિદાન આધારે પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ, પરંતુ હવે દર્દીઓ ખુદ માંગે છે અથવા OTC લે છે. ખોરાકમાંથી પોષણ મેળવવું શ્રેષ્ઠ છે, પરંતુ પ્રિસ્ક્રિપ્શન અને વપરાશ બંને વધ્યા છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો. ધીરેન મહેતા કહે છે, સપ્લિમેન્ટ્સ વિશિષ્ટ હોવા જોઈએ અને તબીબી સલાહ પછી લેવા જોઈએ. ફોલિક એસિડ કે વિટામિન ઈ, ઊની ઉણપ હોય તો ટાર્ગેટેડ ટેબ્લેટ આપીએ છીએ. સલાહ વિના મલ્ટિવિટામિન લેવાથી વાસ્તવિક ઉણપ દૂર ન થાય અને આડઅસરો થઈ શકે છે.

67 ટકા લોકો આરોગ્યની જરૂરીયાત માને છે
પ્રોન્ટો ક્ધસલ્ટ અભ્યાસમાં 67% લોકો ન્યુટ્રાસ્યુટિકલ્સને વ્યક્તિગત આરોગ્યની જરૂૂરિયાત અથવા આધુનિક આરોગ્યસંભાળનો વિસ્તાર માને છે, માત્ર 7% તેને અસ્થાયી તબક્કો ગણે છે. 71% લોકો વય વધતાં વપરાશ વધવાની અપેક્ષા રાખે છે, 65% આગામી પાંચ વર્ષમાં વધુ નિર્ભરતા અનુભવશે અને 78% માને છે કે આ વૃદ્ધિ અટકી નહીં શકે. સૌથી વધુ ઓળખાતી કેટેગરી ઇમ્યુનિટી (67%) છે, ત્યારબાદ વિટામિન્સ અને મિનરલ્સ (54%), પ્રોટીન અને ફિટનેસ (41%), હાર્ટ હેલ્થ (27%) અને કોગ્નિટિવ સપ્લિમેન્ટ્સ (22%). ગ્રાહકો હવે ટૂંકા ગાળાના આરોગ્યને બદલે વૃદ્ધાવસ્થા વ્યવસ્થાપન વિશે વિચારી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *