મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આવેલ જર્જરીત ફાયર સ્ટેશનના સ્થાને રૂા. 9 કરોડના ખર્ચે સ્ટાફ કવાર્ટર પણ બનાવાશે
ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ આગના નાના-મોટા છમકલાઓ શહેરમાં થયા છે. જેના લીધે ફાયર સેફ્ટી અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા સચોટ કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્ષોથી હયાત ફાયર સ્ટેશનો શહેરની મધ્યમાં આવી જતાં તેમજ છેવાડાના વિસ્તારોનો વ્યાપ વધતા નવા ફાયર સ્ટેશનોની જરૂરિયાત ઉભી થઈ છે. જેના લીધે નવા રીંગ રોડ પર તેમજ કોઠારિયા અને તાજેતરમાં રેલનગરમાં નવા ફાયર સ્ટેશનો બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે અને હવે મનપાની સેન્ટ્રલઝોન કચેરી સ્થિત વર્ષો જૂના જર્જરીત ફાયર સ્ટેશનના સ્થાને નવું ફાયર સ્ટેશન બનાવવાની લીલીઝંડી તંત્ર દ્વારા આપી દેવામાં આવેલ હોય રૂપિયા 9 કરોડના ખર્ચે કનક રોડ પર નવુ ફાયર સ્ટેશન બનાવવામાં આવશે.
મહાનગરપાલિકાની સેન્ટ્રલઝોન કચેરી સ્થિત આવેલ કનક રોડ ફાયર સ્ટેશન વર્ષોથી જર્જરીત હાલતમાં છે. પડુ પડુ થતાં ફાયર સ્ટેશનમાં બેસતા સ્ટાફને પણ જીવનું જોખમ હોવાનું અનેક વખત રજૂઆતમાં કહેવામાં આવ્યું છે. છતાં છેલ્લા ત્રણ વર્ષથી નવું ફાયર સ્ટેશન બનાવવાની વાતો થતી હતીં. ત્યારે ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ફાયર સેફ્ટી મુદ્દે કોર્ટની ફટકાર અને રાજ્ય સરકારની સુચના બાદ સુધારા-વધારા કરવામાં આવી રહ્યા છે. વસ્તી અને વિસ્તાર મુજબ નવા ફાયર સ્ટેશનો બનાવવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ છે. કોઠારિયામાં વિસ્તાર વધતા ત્યાં નવું ફાયર સ્ટેશન તેમજ નવા રીંગ રોડ ઉપર બે ફાયર સ્ટેશન બનાવવાની તૈયારીઓ આરંભાઈ છે અને ગઈકાલે રેલનગરમાં નવુ ફાયર સ્ટેશન બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે જ કનક રોડ ઉપર આવેલ જૂના ફાયર સ્ટેશનને તોડી પાડી તેના સ્થાને અદ્યતન અને સંપૂર્ણ સુવિધા સાથેનું નવું ફાયર સ્ટેશન બનાવવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.
ફાયર વિભાગ દ્વારા ડિઝાઈન આધારીત નવું ફાયર સ્ટેશન બનાવવા માટે રૂપિયા 9 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. અને આ મુજબનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કનક રોડ ફાયર સ્ટેશનનું જર્જરીત બિલ્ડીંગ તોડી પાડી તેના સ્થાને નવુ ફાયર સ્ટેશન બનાવવાની દરખાસ્ત ફાયર વિભાગે તૈયાર કરતા તંત્ર દ્વારા 9 કરોડના એસ્ટીમેન્ટ સાથેનું ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે. બીડ ખુલ્યા બાદ સ્ટેન્ડીંગમાં દરખાસ્ત રજૂ કરવામાં આવશે. જેને મંજુરી મળ્યે વર્કઓર્ડર આપી કનક રોડ ફાયર સ્ટેશનનું જુનું બાંધકામ તોડવાની શરૂઆત કરાશે અને ત્યાર બાદ આ સ્થળે નવું ફાયર સ્ટેશન નિર્માણ પામશે.
