ખંભાળિયા ન.પાલિકામાં ભાજપમાં નવા ચહેરાઓને સ્થાન: અનેક જૂના જોગીઓના પત્તા કપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની એવી ખંભાળિયા નગરપાલિકામાં આગામી તારીખ 26 એપ્રિલના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને આજરોજ શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસની પૂર્વ સંધ્યાએ ગત…

દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની એવી ખંભાળિયા નગરપાલિકામાં આગામી તારીખ 26 એપ્રિલના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને આજરોજ શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસની પૂર્વ સંધ્યાએ ગત મોડી રાત્રે ભાજપ દ્વારા ખંભાળિયા નગરપાલિકા સહિત જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે ખંભાળિયા નગરપાલીકામાં ભાજપ દ્વારા નવા અને યુવા ચહેરાઓને સ્થાન અપાયું છે. આટલું જ નહીં, જુના અને સિનિયર ટિકિટવાંચ્છુઓને ટિકિટથી વિમુખ રખાયા છે.

ખંભાળિયા નગરપાલિકાની 36 બેઠકની ચૂંટણીમાં ભાજપમાં સિમ્બોલ પર ચૂંટણી લડવા માટે 181 જેટલા દાવેદારો સેન્સ પ્રક્રિયામાં સહભાગી થયા હતા. ત્યારે ગત મોડી સાંજ સુધી અનેક નામો ફાઇનલ હોવાનું તેમજ અનેકના પત્તા કપાતા હોવાની વ્યાપક અટકળો વહેતી થઈ હતી. આ વચ્ચે ગતરાત્રે ભાજપ દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં અનેક યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આટલું જ નહીં, નવા ઉમેદવારને સ્થાન તેમજ જુના જોગીઓને ટિકિટ માટે અલવિદા કહેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા નગરપાલિકા કે જે અગાઉ ’ સી ’ કેટેગરીની હતી, તેમાં શહેર આસપાસના ગ્રામ્ય વિસ્તારો ઉમેરાયા છે અને હવે 7 ના બદલે 9 વોર્ડ સાથે ખંભાળિયા નગરપાલિકા ’ એ ’ કેટેગરીની બની છે. જેથી હવે 36 સભ્યો માટે આ ચૂંટણી થશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા હંસાબા ભીખુભા જેઠવા, પાલિકાના પૂર્વ પ્રમુખના પતિદેવ જીગ્નેશભાઈ પરમાર, રેખાબેન ખેતિયા, તત્કાલીન પ્રમુખ રચનાબેનના પતિ મોહિતભાઈ મોટાણી, વિજય કણજારીયા, મહેશ રાડીયા નામના છ ઉમેદવારોને રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે અનેક યુવા ઉમેદવારો સાથે નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે.જેમાં ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય સ્વ. કાળુભાઈ ચાવડાના પુત્રવધુ સીમાબેન પ્રભાતભાઈ ચાવડાને વોર્ડ નંબર 8, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી રસિકભાઈ વોર્ડ નંબર 2, જિલ્લા પંચાયતના તત્કાલીન સદસ્ય અનિલભાઈ ચાવડાના માતા કવિતાબેન ભરતભાઈ ચાવડાને વોર્ડ નંબર 2, જિલ્લા ભાજપ સંગઠનના ઇન્દ્રજીતસિંહ પરમારના ધર્મ પત્ની આશાબા પરમારને વોર્ડ નંબર 8 ની ટિકિટ આપવામાં આવી છે.

જ્યારે અન્ય સક્રિય અને યુવા ચહેરા રાજ અમૃતલાલ પાબારી, રવિ પ્રકાશભાઈ ગોકાણી, નીરવભાઈ કવૈયા, બ્રહ્મ સમાજના અગ્રણી કિરીટભાઈ ખેતિયાના પુત્ર ઋષિરાજ ખેતિયા વિગેરેને પણ આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે તાજેતરની સેન્સ પ્રક્રિયામાં સહભાગી થનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ દતાણી, પૂર્વ પ્રમુખ જગુભાઈ રાયચુરા, સિનિયર સદસ્ય દિપેશભાઈ ગોકાણી સહિત અનેક જુના જોગીઓને પાર્ટીએ વિવિધ પોલીસી લેવલ સહિતની બાબતે ટિકિટ આપી નથી. છેલ્લે મળતી માહિતી મુજબ નગરપાલિકાની આ યાદીમાં પણ કોઈ કારણોસર એકાદ-બે ઉમેદવારના નામ બદલવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *