ગુજરાતમા નવાજૂની? એક પછી એક કેન્દ્રીય મંત્રીઓનું આગમન

ગુજરાતમાં એક પછી એક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓના આવાગમનથી ગુજરાતનું રાજકારણ અચાનક ગરમાયું છે. પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની વરણીની જાહેરાતના સમયગાળા દરમિયાન જ…

ગુજરાતમાં એક પછી એક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓના આવાગમનથી ગુજરાતનું રાજકારણ અચાનક ગરમાયું છે. પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની વરણીની જાહેરાતના સમયગાળા દરમિયાન જ દિલ્હીથી નેતાઓના ધામાથી રાજકીય ગતિવિધિઓ વધી ગઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, જોકે આ તમામ કાર્યક્રમો પૂર્વનિર્ધારિત હોવાનું જાણવા મળ્યું છે.

આગામી બે દિવસમાં જ્યારે પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની જાહેરાત થવાની છે, તે જ સમયે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આયોજિત લેન્ડ કોન્ફરન્સના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, ભાજપમાં ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસે એટલે કે આજે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સુરતની મુલાકાતે છે તે પછી શનિવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણ ગાંધીનગર આવી રહ્યા છે. પ્રદેશ ભાજપના અધ્યક્ષની વરણીના દિવસોમાં એક પછી એક કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં હોવાથી રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

કેન્દ્રીય મંત્રીઓના આ પ્રવાસો બાદ આગામી સપ્તાહમાં દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ પણ ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિનું આગમન 10 ઓક્ટોબરથી શરૂૂ થઈ રહ્યું છે. 11મી ઓક્ટોબરે તેઓ અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્રમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામો દ્વારકા અને સોમનાથના દર્શને પણ જશે તેમ જાણવા મળ્યું છે.

આમ એક તરફ પ્રદેશ ભાજપના સંગઠનમાં મોટા ફેરફારોની તૈયારી છે અને બીજી તરફ કેન્દ્રીય મંત્રીઓ તથા રાષ્ટ્રપતિના આગમનથી ગુજરાતમાં હાલ રાજકીય અને જાહેર કાર્યક્રમોનો માહોલ જામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *